યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત 3 નેશનલ ઇવેન્ટની યજમાની
ભાઇઓની વેસ્ટ ઝોન ક્રિકેટ સ્પર્ધા, બહેનોની હેન્ડ બોલ ઇન્ટર યુનિવર્સિટી અને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે સ્પોર્ટ્સની 3 નેશનલ ઇવેન્ટની યજમાની પ્રાપ્ત થઈ છે. જેમાં ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોનની સ્પર્ધા 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી તો ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીની સ્પર્ધા 7થી 10 ફેબ્રુઆરીના રમાશે. જ્યારે બહેનોની હેન્ડ બોલની ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોનની સ્પર્ધા 22થી 24 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર છે. જેથી કહી શકાય કે, દેશની ઇન્ટર યુનિવર્સિટીની આ સૌથી મોટી ઇવેન્ટમાં રમવા માટે રણજી તેમજ ઈંઙકમાં રમી ચૂકેલા નેશનલ અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ આવશે.
કુલપતિ ડો. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમ વખત એક સાથે ત્રણ સ્પોર્ટ્સની નેશનલ ઇવેન્ટની યજમાની કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. ગત વર્ષે હેન્ડબોલ ભાઈઓની વેસ્ટ ઝોનની સ્પર્ધા અહીં યોજાઇ હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ચેમ્પિયન બની હતી ત્યારે આ વખતે હેન્ડ બોલ બહેનોની વેસ્ટ ઝોનની સ્પર્ધા અહીં યોજાશે. જ્યારે ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોનની સ્પર્ધા તો યોજાશે જ પરંતુ ગુજરાતમાં સંભવત પ્રથમ વખત ઓલ ઇન્ડિયા ક્રિકેટ ભાઈઓની ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીના નેજા હેઠળ યોજાનારી આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં ક્રિકેટ ભાઈઓમાં 70 અને હેન્ડબોલ બહેનોની સ્પર્ધામાં ભાગ લેવા માટે સરકારી અને ખાનગી મળી 70 યુનિવર્સિટીની એન્ટ્રી આવી ચૂકી છે.
વેસ્ટ ઝોનની સ્પર્ધામાં ટોપ ચાર ટીમ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી માટે રમશે આ ઉપરાંત તેમાં નોર્થ, સાઉથ અને ઇસ્ટ ઝોનની ટોપ ચાર ટીમ એમ કુલ 16 ટીમ ભાગ લેશે. જેમાં રણજી તેમજ ઈંઙકના ક્રિકેટર રમતા જોવા મળશે. આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ખેલાડીઓ વિજય હજારે ટ્રોફી માટે પસંદગી પામશે તો સાથે જ વર્લ્ડ યુનિવર્સીટી ગેમમાં પણ રમવાનો તેઓને મોકો મળશે. ટી-20 ફોર્મેટમાં યોજાનારી ક્રિકેટ સ્પર્ધામાં અંડર-25ના ખેલાડીઓ ભાગ લેવાના છે.
ક્રિકેટ અને હેન્ડ બોલમાં 30 દિવસનો કેમ્પ યોજવામાં આવશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાનારી નેશનલ કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપરાંત રાજકોટના અન્ય પાંચ જેટલા મેદાનો રાખવામાં આવશે કે, જ્યાં આ ઈવેન્ટ યોજાશે. સૌરાષ્ટ્રના સ્ટાર ક્રિકેટર દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન થાય અને તેનાથી અન્ય ખેલાડીઓ પ્રોત્સાહિત થાય તેવું યુનિવર્સિટીના સત્તાધીશોનું આયોજન છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ આ ટુર્નામેન્ટમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી શકે તે માટે ક્રિકેટ અને હેન્ડ બોલમાં 30 દિવસનો કેમ્પ યોજવામાં આવશે. ઘર આંગણે સ્પર્ધા થઈ રહી છે ત્યારે રિઝલ્ટની અપેક્ષા છે. આ ઉપરાંત એથલેટિક્સ, આર્ચરી, જુડો, કુસ્તી અને કબડ્ડી બહેનોની સ્પર્ધામાં મેડલ મળે એવી અપેક્ષા છે. ગત વર્ષ કરતાં પણ આ વખતે ઓલ ઇન્ડિયા અને વર્લ્ડ યુનિવર્સિટી ગેમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓ ખુબ જ સારું પરફોર્મન્સ આપે એવી અપેક્ષા છે.