For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર ફાઇટરો સલામના હકદાર

12:41 PM Sep 10, 2024 IST | Bhumika
પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર ફાઇટરો સલામના હકદાર
Advertisement

થોડા મહિના પહેલાં પેરિસમાં રમાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ધારણા પ્રમાણે પ્રદર્શન નહીં કરીને ભારતીયોને નિરાશ કર્યા હતા પણ આપણા દિવ્યાંગ ખેલાડીઓએ જરાય નિરાશ ના કર્યા. પેરિસ પેરાલિમ્પિક્સ-2024માં 7 ગોલ્ડ સહિત 29 મેડલ જીતીને આપણા દિવ્યાંગ ખેલાડીઓએ ઐતિહાસિક પ્રદર્શન સાથે પોતાની સફર સમાપ્ત કરી અને ભારતીય ખેલ ઈતિહાસમાં સુવર્ણ પ્રકરણ આલેખી દીધું. રવિવારે રાત્રે સમાપ્ત થયેલી પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતે 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ જીતીને સર્વકાલીન સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભારતે શનિવારે છેલ્લા દિવસે 3 મેડલ જીત્યા. આ ત્રણ મેડલની મદદથી ભારત મેડલ ટેલીમાં 16મા સ્થાને આવી ગયું હતું પણ છેલ્લા દિવસે બીજા દેશોએ જીતેલા મેડલના કારણે ફેરફાર થયો ને ભારત 18મા સ્થાને રહ્યું આ દેખાવ પણ સારો જ છે કેમ કે સ્પોર્ટ્સમાં દુનિયામાં ભારત પહેલા 50 નહીં પણ પહેલા 100મા પણ નથી આવતું. આ પહેલાં ભારતે 2020માં જાપાનના ટોકિયોમાં રમાયેલી પેરાલિમ્પિક ગેમ્સમાં 5 ગોલ્ડ સહિત 19 મેડલ જીત્યા હતા. પેરિસમાં એ રેકોર્ડ તોડીને આપણા દિવ્યાંગ ખેલાડીઓ વધારાના 10 મેડલ જીતી લાવ્યા.

ભારતના જબરદસ્ત પ્રદર્શનનું શ્રેય ખેલાડીઓ અને તેમની પાછળ મહેનત કરનારા તમામ લોકોને જાય છે પણ સૌથી વધારે મહેનત એથ્લેટિક્સના ખેલાડીઓ અને સ્ટાફે કરી એ દેખાય છે. ભારતે જીતેલાં 29 મેડલમાંથી 26 મેડલ તો ત્રણ જ રમતમાં જીત્યા છે. ભારતે ટોકિયોમાં કુલ 19 મેડલ જીત્યા હતા જ્યારે પેરિસમાં આ વખતે 17 મેડલ એકલા એથ્લેટિક્સમાં જીત્યા છે. એથ્લેટિક્સના ખેલાડીઓએ પેરિસમાં 4 ગોલ્ડ, 6 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ જીતીને સપાટો બોલાવી દીધો. ભારતનો દેખાવ બેડમિન્ટનમાં પણ જોરદાર રહ્યો. ભારતે બેડમિંટનમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ સાથે 5 મેડલ જીત્યા. શૂટિગમાં 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. આમ એથ્લેટિક્સ, શૂટિગ અને બેડમિંટનમાં કુલ મળીને ભારતે 26 મેડલ જીત્યા. મતલબ કે, ભારતે જીતેલા 90 ટકા મેડલ એથ્લેટિક્સ, શૂટિગ અને બેડમિંટનમાં જ આવ્યા છે. પેરિસમાં ભારતને પ્રથમ વખત પેરા તીરંદાજીમાં ગોલ્ડ મેડલ મળ્યો. હરવિંદર સિંહે આ સિદ્ધિ મેળવીને આપણું નામ રોશન કર્યું.

Advertisement

રાકેશ કુમાર અને શીતલ દેવીની જોડીએ તીરંદાજીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જુડોમાં પણ ભારતે પહેલી વખત બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. સામાન્ય રીતે પેરાલિમ્પિક્સમાં ભારતીયોને રસ પડતો નથી. તેમાં પણ ઓલિમ્પિક ગેમ્સમાં આપણા સારા દેખાવની આશા ના ફળી પછી લોકોને બહુ રસ નહોતો રહ્યો તેથી મોટા ભાગનાં લોકોને ભારત તરફથી કોણે મેડલ જીત્યા તેમનાં નામ પણ યાદ નથી. દેશને ગૌરવ અપાવનારાં આ લોકોનાં નામ તો યાદ કરવાં જ જોઈએ. આ તમામ 29 મેડલ વિજેતાઓના સંઘર્ષની 29 કહાનીઓ છે અને જે લોકો જીત્યા નથી તેમની પણ પોતાની સંઘર્ષગાથાઓ છે. એ લોકો ભલે મેડલ વિજેતાઓમાં પોતાનાં નામ ના લખાવી શક્યા પણ એ લોકો પણ આપણી સલામના હકદરા છે કેમ કે આ બધા સાચા અર્થમાં ફાઈટર છે કેમ કે શારીરિક અક્ષમતા પર જીત મેળવીને તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતમાં તો સામાન્ય ટેલેન્ટેડ ખેલાડીઓ માટે પણ સ્પોર્ટ્સમાં નામ કમાવી શકાય કે આગળ વધી શકાય એવો માહોલ નથી. સામાન્ય ખેલાડીઓને પૂરતી સવલતો મળતી નથી ત્યારે દિવ્યાંગ ખેલાડીઓને સવલતો મળે એવી તો આશા જ ના રાખી શકાય. આ માહોલમાં એ લોકો પોતાના રમતના ઝનૂનને વળગી રહ્યા અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને ગૌરવ અપાવ્યું એ સિદ્ધિ બહુ મોટી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement