1150 ફૂટ ઊંચે આકાશમાં રમાશે ફિફા વર્લ્ડ કપનો ફૂટબોલ મેચ
સાઉદી અરેબિયા બનાવશે સ્કાય સ્ટેડિયમ
ફૂટબોલ ખેલાડીઓ 350 મીટર (1150 ફૂટ) ઊંચે બનનારા મેદાન પર ફિફા વર્લ્ડ કપની મેચો રમશે એવું જો કોઈ વ્યક્તિને કહેવામાં આવે તો એ વ્યક્તિ માનવા તૈયાર જ ન થાય, પરંતુ કેટલાક અહેવાલો અનુસાર આ હકીકત બનવા જઈ રહી છે. સાઉદી અરેબિયા આટલી ઊંચાઈએ ફૂટબોલનું સ્કાય સ્ટેડિયમ તૈયાર કરવાનું છે. 2034નો ફિફા વર્લ્ડ કપ મધ્ય પૂર્વના દેશ સાઉદી અરેબિયા માં રમાવાનો છે અને એ માટે સાઉદી સરકારે અત્યારથી ચક્રો ગતિમાન કરી દીધા છે. 2027માં આ અદભુત અને વિશ્વભરના સૌથી અનોખા સ્ટેડિયમનું બાંધકામ શરૂૂ કરવામાં આવશે અને પાંચ વર્ષમાં (2032 સુધીમાં) સ્ટેડિયમ તૈયાર કરી નાખવામાં આવશે.
સાઉદીમાં ફિફા વર્લ્ડ કપની મેચો માટે કુલ 11 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે અને આ સ્ટેડિયમ એમાંનું એક છે. વિશ્વમાં તેલના ઉત્પાદક દેશોમાં સૌથી મોટા સામ્રાજ્ય તરીકે જાણીતા સાઉદી અરેબિયાના આ નીઓમ સિટી સ્ટેડિયમમાં 46,000 પ્રેક્ષકો બેસીને વિશ્વ કપ ફૂટબોલની મેચો માણી શકશે. આ ઐતિહાસિક સ્ટેડિયમ એક અબજ ડોલર (અંદાજે 88.25 અબજ રૂૂપિયા)ના ખર્ચે બનાવવામાં આવશે. આ ઊંચા સ્કાય સ્ટેડિયમ સુધી પહોંચવા માટે હાઈ-સ્પીડ એલિવેટરની તેમ જ ઑટોનોમસ પોડ્સની વ્યવસ્થા રાખવામાં આવશે. 21મી સદીનું આ સૌથી આધુનિક સ્ટેડિયમ બનાવવામાં સૂર્ય ઊર્જા તથા પવન ઊર્જા જેવા રીન્યૂએબલ્સનો જ ઉપયોગ કરાશે.
