For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દક્ષિણ આફ્રિકા સામે શરમજનક હાર પચાવવી અઘરી પરંતુ દોષારોપણથી બચવું જોઇએ

10:46 AM Nov 27, 2025 IST | Bhumika
દક્ષિણ આફ્રિકા સામે શરમજનક હાર પચાવવી અઘરી પરંતુ દોષારોપણથી બચવું જોઇએ

ગુવાહાટીમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પણ ભારતીય ક્રિકેટ ટીમ શરમજનક રીતે હારી ગઈ અને ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં વધુ એક કલંકિત પ્રકરણ ઉમેરાઈ ગયું. ભારતીય ટીમને ઘણા વિશ્વ ક્રિકેટમાં પાવરહાઉસ ગણાવે છે પણ આફ્રિકા સામેની શરમજનક શ્રેણી હાર પછી આ મિથ્યાભિમાનમાંથી બહાર આવવું જરૂૂરી છે. નબળામાં નબળી ટીમ પણ પોતાના ઘરમાં શેર હોય છે અને ઘરઆંગણે કોઈ પણ ટીમને હરાવવી અઘરી હોય છે ત્યારે અહીં તો ભારત સળંગ બે ટેસ્ટ હારી ગયું. આ હાર પણ પાછી દક્ષિણ આફ્રિકા જેવી ટીમ સામે છે કે જેને ભારત કરતાં ઊતરતી ગણવામાં આવે છે. એક જમાનામાં આફ્રિકા પાસે ધરખમ બેટ્સમેન હતા ને ખૂનખાર બોલરો હતા. ટેમ્બા બવુમાની સાઉથ આફ્રિકાની ટીમ પાસે અત્યારે એઈડન મર્કરામને બાદ કરતાં બીજો કોઈ એવો બેટ્સમેન જ નથી કે જેને સામાન્ય ક્રિકેટ ચાહકો ઓળખતા હોય.

Advertisement

બોલિંગમાં તો જેની જોરદાર ધાક હોય એવો કોઈ બોલર જ નથી એ જોતાં ટેમ્બા બવુમા સાઉથ આફ્રિકાથી સાવ નવા નિશાળીયાઓની ટીમ લઈને આવેલો છતાં આપણે ધોળકું ધોળીને બંને ટેસ્ટ હારી ગયા એ શરમજનક કહેવાય. વધારે શરમજનક વાત એ છે કે, આપણે આપણા બોલરોને માફક આવે એવી પિચો બનાવડાવી હતી છતાં આફ્રિકાએ આપણને ધૂળચાટતા કરી દીધા. બે ટેસ્ટની ચાર ઈનિંગમાં ભારતે કુલ મળીને 623 રન કર્યા. મતલબ કે, ઈનિંગદીઠ 160થી પણ ઓછા રન થયા. 40 વિકેટો પડે ને ગણીને 623 રન થાય એ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું કહેવાય. આ બંને ટેસ્ટમાં ભારત તરફથી એક પણ સદી નથી નોંધાઈને અડધી સદી એક યશસ્વી જયસ્વાલની ને એક રવીન્દ્ર જાડેજાની એમ ગણીને માત્ર બે થઈ. સાવ નબળી મનાતી ટીમો પણ આવી શરમજનક બેટિંગ કરતી નથી એ જોતાં આ હાર માટે બેટ્સમેન જવાબદાર છે.

આ હાર પછી ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરના માથે માછલાં ધોવાઈ રહ્યાં છે અને ગંભીરને બલિનો બકરો બનાવીને રવાના કરી દેવાય એવું પણ બને. આ પહેલાં ભારત ન્યૂ ઝીલેન્ડ સામે પણ શરમજનક રીતે સીરિઝ હારી ગયેલું તેથી ગંભીર નજરે ચડેલો જ ને તેમાં હવે આફ્રિકાએ પણ આપણને રગદોળી નાંખ્યા તેથી ગંભીરનો વારો પડી જાય એવું લાગે જ છે. ગંભીરને બહુ વખાણવા જેવો નથી તેથી તેનો અફસોસ કરવા જેવો નથી પણ આફ્રિકા સામેની હાર માટે માત્ર ગંભીરને દોષ ના દઈ શકાય. ગંભીર કરતાં વધારે દોષ આપણા બેજવાબદાર અને માથે ચડાવેલા બેટ્સમેનનો છે કે જેમણે પોતાના અણઘડપણાને કારણે બંને ટેસ્ટમાં જીતની બાજીને હારમાં ફેરવી નાંખી. આફ્રિકાની ટીમે બતાવેલી લડાયકતાને પણ સલામ મારવી પડે કેમ કે તેમણે વિદેશની ધરતી પર સિરીઝ જીતી બતાવી છે. આફ્રિકામાં પણ સૌથી વધારે વખાણ કેપ્ટન ટેમ્બા બવુમાનાં કરવાં જોઈએ કેમ કે બવુમાએ આગેવાની લઈને જંગ જીતી બતાવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement