ક્રિકેટમાં ખેલાડીઓ વચ્ચે મતભેદ વધ્યા, BCCIએ બુધવારે તાકીદની બેઠક બોલાવી
ભારતીય ટીમે રવિવારે દક્ષિણ આફ્રિકા સામે રાંચી વનડેમાં 17 રનથી જીત મેળવી હતી. બંને ટીમો 3 ડિસેમ્બરે રાયપુરમાં ODI શ્રેણીની બીજી મેચ રમવાની છે. રાયપુર ODI પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ એક મોટો નિર્ણય લીધો છે. બુધવારે રાયપુરમાં BCCI અધિકારીઓ અને પુરુષ ટીમ મેનેજમેન્ટ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠકનો હેતુ તમામ ફોર્મેટમાં ટીમ માટે રોડમેપ વિકસાવવાનો અને ટીમ પસંદગી સંબંધિત મુદ્દાઓને ઉકેલવાનો છે.
અહેવાલ મુજબ, BCCI સચિવ દેવજીત સૈકિયા, સંયુક્ત સચિવ પ્રભતેજ સિંહ ભાટિયા, ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકર બેઠકમાં હાજર રહેશે. BCCI પ્રમુખ મિથુન મનહાસ હાજર રહેશે કે નહીં તે સ્પષ્ટ નથી. બીજી તરફ ટીમમાં વધી રહેલા પ્રશ્નો, ટેસ્ટ ક્રિકેટમાં નબળા પ્રદર્શન અને સિનિયર ખેલાડીઓ સાથે ટીમ મેનેજમેન્ટના સંબંધો અંગે ચિંતાઓ વચ્ચે આ બેઠક મહત્વપૂર્ણ છે.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ સ્વીકાર્યું કે બોર્ડ તાજેતરની ટેસ્ટ મેચો દરમિયાન મેદાન પર અને બહાર બંને જગ્યાએ મૂંઝવણભરી વ્યૂહરચનાઓથી ચિંતિત હતું. તેમણે કહ્યું, ઘરગથ્થુ ટેસ્ટ સીઝન દરમિયાન ઘણી વખત એવી ઘટનાઓ બની હતી જ્યાં રણનીતિ અસ્પષ્ટ હતી. આગામી ટેસ્ટ શ્રેણી માટે હજુ પણ સમય છે, તેથી અમે સ્પષ્ટતા અને આયોજન ઇચ્છીએ છીએ.
બીસીસીઆઈ એવું પણ માને છે કે વર્તમાન ટીમ મેનેજમેન્ટ અને સિનિયર ખેલાડીઓ વચ્ચે વાતચીત અંગેનો મતભેદ વધી રહ્યો છે. ભારત આવતા વર્ષે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ટી20 વર્લ્ડ કપમાં પ્રવેશ કરશે, ત્યારબાદ 2027માં ઓડીઆઈ વર્લ્ડ કપ રમશે. તેથી બીસીસીઆઈ ઇચ્છે છે કે ટીમની અંદરના તમામ મુદ્દાઓ તાત્કાલિક ઉકેલાય. રિપોર્ટમાં કોઈ પણ ખેલાડીનું નામ લેવામાં આવ્યું નથી, પરંતુ વિરાટ કોહલી અને રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ વચ્ચેના સંબંધો પર નોંધપાત્ર ચર્ચા થઈ રહી છે.