રોહિત શર્માના સ્થાને ડેરિલ મિશેલ ઓડીઆઇ બેટ્સમેનમાં નંબર વન
47 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન નંબર વન બન્યો
ભારતનો દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા 3 અઠવાડિયા આઇસીસી રેન્કિંગમાં નંબર વન ઓડીઆઇ બેટ્સમેનના સ્થાન પર રહ્યા બાદ નીચે આવી ગયો છે. લેટેસ્ટ ICC ODI રેન્કિંગમાં નંબર વનનું સ્થાન ન્યુઝીલેન્ડના મિડલ ઓર્ડર બેટ્સમેન ડેરિલ મિશેલે લીધું છે. ડેરિલ મિશેલ 782 રેટિંગ પોઈન્ટ સાથે નંબર વન સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહ્યો છે. રોહિત તેનાથી માત્ર એક પોઈન્ટ પાછળ છે. મિશેલ અગાઉ નંબર 3 પર હતો, પરંતુ વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર પ્રદર્શનને કારણે તેણે રોહિત અને ઈબ્રાહિમ ઝદરાનને પાછળ છોડીને ટોચનું સ્થાન મેળવ્યું હતું.
47 વર્ષ પછી ન્યુઝીલેન્ડનો કોઈ બેટ્સમેન નંબર વન વનડે બેટ્સમેન બન્યો છે. આ પહેલા ગ્લેન ટર્નર 1979 માં નંબર વન વનડે બેટ્સમેન બન્યો હતો, અને હવે ડેરિલ મિશેલે આ સિદ્ધિ હાંસલ કરી છે. ડેરિલ મિશેલ ન્યુઝીલેન્ડ તરફથી ત્રણેય ફોર્મેટમાં રમે છે. અત્યાર સુધીમાં આ ખેલાડીએ 33 ટેસ્ટમાં 44 થી વધુની સરેરાશથી 2139 રન બનાવ્યા છે. વનડેમાં તેણે 53.13 ની સરેરાશથી 2338 રન બનાવ્યા છે. મિશેલે વનડેમાં 7 સદી ફટકારી છે. આ વર્ષે 16 ઈનિંગ્સમાં 54.35 ની સરેરાશથી 761 રન બનાવ્યા છે. તેણે એક સદી અને છ અડધી સદી ફટકારી છે.