ક્રિકેટ રસિયાઓએ મધરાત્રે રસ્તા પર આતશબાજી કરી ગરબા લીધા
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ચેમ્પિયન બનતા જામનગર-અમદાવાદ-વડોદરા-સુરત સહિતના સ્થળોએ ભવ્ય ઉજવણી
મહિલા ક્રિકેટ વિશ્ર્વકર્મા ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત ચેમ્પીયન બનતા મધરાત્રે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વિજયોત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી. ક્રિકેટ ચાહકોએ રસ્તા ઉપર આતશબાજી કરી મીઠાઈ વહેંચી હતી અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતાં અને ગરબા પણ લીધા હતાં.
રાત્રે ભારતીય મહિલા ટીમનો વિજય થતાં જ જામનગર, અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં ક્રિકેટ ચાહકો રસ્તા પર ઉતરી આવ્યા હતાં અને ભવ્ય ઉજવણી કરી હતી. દેવદિવાળીએ ક્રિકેટ ચા્રકહોનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો.
ઈતિહાસમાં સૌપ્રથમ વખત ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાને હરાવી વર્લ્ડકપ જીતતાં અમદાવાદીઓ રસ્તા પર ઉમટી પડ્યા હતા. મણિનગરથી લઈ સિંધુભવન રોડ સુધી વિવિધ વિસ્તારોમાં લોકોએ આ ઐતિહાસિક વિજયને વધાવી લીધો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં ક્રિકેટરસિકો હાથમાં ભારતનો ઝંડો લઈને ભારત માતાકી જયના નારા લગાવ્યા હતા. વાહનો ઉપર હાથમાં ત્રિરંગો લઈને વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા. લોકોએ ફટાકડા ફોડીને પણ ઉજવણી કરી હતી. મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ પહેલી વખત જીત્યા હતા ત્યારે જે રીતે પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ જીતે એવો જ માહોલ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યા હોવાની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર જીતથી સુરત શહેર સંપૂર્ણપણે ઉત્સવના રંગે રંગાઈ ગયું હતું. શહેરના મુખ્ય અને ઐતિહાસિક વિસ્તારોમાંના એક એવા ભાગળ વિસ્તારમાં જીતની ઘોષણા થતાં જ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જશ્નનો માહોલ છવાઈ ગયો હતો.
વડોદરા શહેરમાં મહિલા આઈસીસી વર્લ્ડ કપ વિજય બાદ ઠેર-ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને શહેરના માંડવી દરવાજા વિસ્તારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. સાથે કેટલીક મહિલા કોર્પોરેટર દ્વારા પોતાના વિસ્તારમાં મેચનું લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા પ્રસારણ કરી ચાહકોને મોટા પડદા પર મેચ જોવડાવી જીત બાદ ભવ્ય ઉજવણી કરી હતી. મેચમાં જીત બાદ ફટાકડા ફોડી ચાહકોને જીતની ઉજવણી કરી હતી.
જામનગર
ભારતીય મહિલા ક્રિકેટ ટીમેં શાનદાર જીત મેળવીને વિશ્વવિજેતાનો ખિતાબ હાંસલ કર્યો હતો, જે ભવ્યજીતનો જશ્ન જામનગરમાં પણ ઉજવાયો હતો. જામનગરના હવાઈચોક વિસ્તારના શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, ઉપરાંત ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપના મહિલા કોર્પોરેટરો, અન્ય મહિલા કાર્યકરો ઉપરાંત સ્થાનિક વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટર મનીષ કનખરા તથા અન્ય સ્થાનિક અગ્રણીઓ, ક્રિકેટ પ્રેમીઓ વગેરે રાત્રીના સમયે એકત્ર થયા હતા, અને ભારતની મહિલા ક્રિકેટ ટિમ ચેમ્પિયન બની, તેની જીતના જશ્ન ને મનાવવા માટે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી, સાથોસાથ ઢોલ નગારા ના તાલે તેમજ તિરંગો ઝંડો ફરકાવીને રાસ ગરબાની રમઝટ પણ બોલાવી હતી, અને ભારતની મહિલા ક્રિકેટ ટીમ ને અભિનંદન પાઠવ્યા હતા.