કેપ્ટન ગિલ-જયસ્વાલની સદી, ભારતના 3 વિકેટે 359 રન
શુભમન 127 રને નોટ આઉટ, પંત 65 રન સાથે મેદાનમાં, ભારત-ઇંગ્લેન્ડ શ્રેણીના પ્રારંભે જ ટીમ ઇન્ડિયાની સટાસટી
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો પહેલો મુકાબલો 20 જૂન (શુક્રવાર) ના લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શરૂૂ થયો હતો આ મેચમાં પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. પ્રથમ દિવસના અંત સુધીમાં, ભારતીય ટીમે પોતાની પહેલી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 359 રન બનાવ્યા છે. શુભમન ગિલ 127 રન બનાવીને નોટઆઉટ છે અને ઋષભ પંત 65 રન બનાવીને નોટઆઉટ છે.
અત્યાર સુધીમા બંને વચ્ચે ચોથી વિકેટ માટે 198 બોલમાં 138 રનની ભાગીદારી થઈ છે. શુભમન ગિલે 175 બોલનો સામનો કર્યો છે અને 16 ચોગ્ગા ઉપરાંત, એક છગ્ગો તેના બેટમાંથી નીકળ્યો છે. બીજી તરફ, ઋષભ પંતે તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા છે. પંતે અત્યાર સુધીમાં 102 બોલ રમ્યા છે. ઓપનર યશસ્વી જયસ્વાલ પણ ભારત માટે સદીની ઇનિંગ રમવામાં સફળ રહ્યા છે. ટોસ હારીને પહેલા બેટિંગ કર્યા બાદ ભારતીય ટીમનો પ્રારંભ શાનદાર રહ્યો. કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે પ્રથમ વિકેટ માટે 91 રન ઉમેર્યા. કેએલ રાહુલના આઉટ થવાને કારણે આ ભાગીદારીનો અંત આવ્યો. રાહુલ બ્રાઇડન કાર્સેના હાથે ફર્સ્ટ સ્લિપમાં જો રૂૂટના હાથે કેચ આઉટ થયો. રાહુલે 78 બોલમાં 42 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગાનો સમાવેશ થાય છે. ડેબ્યુટન્ટ સાઈ સુદર્શને નિરાશ કર્યા અને લંચ પહેલા ખાતું ખોલ્યા વિના જ વિપક્ષી કેપ્ટન બેન સ્ટોક્સ દ્વારા તેને આઉટ કરવામાં આવ્યો.
લંચ પછી યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે ઇનિંગને આગળ ધપાવી. બંને વચ્ચે સદીની ભાગીદારી થઈ. આ ભાગીદારી દરમિયાન, યશસ્વીએ 96 બોલમાં 8 ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂર્ણ કરી. શુભમન ગિલે 56 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી. શુભમન ટેસ્ટ કેપ્ટન તરીકે પોતાની પહેલી ઇનિંગમાં 50 કે તેથી વધુ રન બનાવનાર નવમો ભારતીય છે. શુભમન કેપ્ટન તરીકે પોતાની પહેલી ટેસ્ટ ઇનિંગમાં 50 કે તેથી વધુ રન બનાવનાર સૌથી યુવા ભારતીય કેપ્ટન (25 વર્ષ અને 285 દિવસ) પણ છે. ત્યારબાદ ટી ના સમય પહેલા યશસ્વી જયસ્વાલે 144 બોલમાં પોતાની સદી પૂરી કરી. યશસ્વીની ટેસ્ટ કારકિર્દીની આ 5મી સદી હતી. જોકે સદી પછી યશસ્વી લાંબા સમય સુધી ક્રીઝ પર ટકી શક્યો નહીં અને બેન સ્ટોક્સ દ્વારા બોલ્ડ થયો. યશસ્વીએ 159 બોલમાં 16 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા.
યશસ્વી અને શુભમન ગિલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 129 રનની ભાગીદારી થઈ. યશસ્વી જયસ્વાલ આઉટ થયા પછી શુભમન ગિલે ઋષભ પંત સાથે મળીને ઇનિંગને આગળ ધપાવી. આ બંનેએ ચોથી વિકેટ માટે સદીની ભાગીદારી કરીને ભારતને સારી સ્થિતિમાં પહોંચાડ્યું છે. શુભમને 140 બોલમાં પોતાની સદી પૂરી કરી, જેમાં 14 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તે જ સમયે ઋષભ પંતે 91 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે.
જાડેજાની બોલિંગ અસરકારક નહીં રહે, માંજરેકરે વિવાદ છેડ્યો
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે ઈંગ્લેન્ડ સામે 5 મેચ દરમિયાન એક નવો વિવાદ શરૂૂ કર્યો છે. સંજય માંજરેકરે કહ્યું છે કે રવિન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડના બેટ્સમેન સામે અસરકારક નહીં રહી શકે. ટેસ્ટ શ્રેણી દરમિયાન ભારત માટે આ એક મોટી સમસ્યા બની શકે છે. માંજરેકરે કહ્યું કે જો જાડેજા બોલથી નોંધપાત્ર અસર કરી શકશે નહીં તો તે ભારત માટે એક મોટી સમસ્યા હશે. સંજય માંજરેકરે કહ્યું છે કે ગયા વર્ષે જ્યારે ઈંગ્લેન્ડ ભારતના પ્રવાસે આવ્યું હતું ત્યારે ઇંગ્લિશ બેટ્સમેનોએ જાડેજા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ESPNcricinfo સાથે વાત કરતા માંજરેકરે કહ્યું- જાડેજા આ શ્રેણીમાં વધુ પ્રભાવ પાડી શકશે નહીં, તો તે ભારતીય ટીમ માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. 2024માં ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં જાડેજાએ આઠ ઇનિંગ્સમાં 19 વિકેટ લીધી હતી. માંજરેકરે કહ્યું કે પ્લેઈંગ ઈલેવનમાં જાડેજા ઉપરાંત કુલદીપ યાદવની હાજરી સ્પિન આક્રમણને મજબૂત બનાવી શકે છે.