ઓપનરોને આઉટ કરવામાં બુમરાહ વિશ્ર્વમાં નંબર વન
વન-ડે અને ટી-20ના નંબર-વન ભારતે અહીં શુક્રવારે ઈડન ગાર્ડન્સમાં ટેસ્ટના વર્લ્ડ ચેમ્પિયન સાઉથ આફ્રિકાને સિરીઝની પહેલી ટેસ્ટના પ્રારંભિક દિવસે નમાવ્યું હતું અને એમાં સૌથી મોટી ભૂમિકા ટેસ્ટના વર્લ્ડ નંબર-વન જસપ્રીત બુમરાહ (14-5-27-5)ની હતી જેણે 16મી વખત દાવમાં પાંચ વિકેટની સિદ્ધિ મેળવીને મહાન સ્પિનર ભાગવત ચંદ્રશેખરની બરાબરી કરી હતી. ખરેખર તો બુમરાહ ભારતીય ટીમના ચારેય સ્પિનર (કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર) કરતાં વધુ સફળ રહ્યો હતો. કોલકાતા ટેસ્ટના પહેલા દિવસે પ્રથમ ઈનિંગના પોતાના પહેલા સ્પેલમાં બુમરાહે દક્ષિણ આફ્રિકાના બંને ઓપનરોને આઉટ કર્યા અને મોટો રેકોર્ડ બનાવ્યો.
ટેસ્ટ ક્રિકેટમાં બુમરાહે 13મી વખત કોઈ ઓપનરને આઉટ કર્યો.છેલ્લા સાત વર્ષમાં જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વભરના ઓપનરો માટે મોટો ખતરો બની ગયો છે. અને હવે તે 2018 થી ટેસ્ટમાં સૌથી વધુ વખત વિરોધી ટીમના ઓપનરોને આઉટ કરનાર બોલર બની ગયો છે.
અગાઉ આ રેકોર્ડ ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડના નામે હતો, જેણે 12 વખત ઓપનરોને આઉટ કર્યા હતા. હવે જસપ્રીત બુમરાહ આ મામલે નંબર 1 બની ગયો છે.