ઓસ્ટ્રેલિયા 337 રનમાં ઓલ આઉટ ભારતને 157ની લીડ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 337 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. આ રીતે કાંગારૂૂઓએ ટ્રેવિસ હેડ (140 રન) અને માર્નસ લાબુશેન (64 રન)ની ઇનિંગ્સના આધારે 157 રનની લીડ મેળવી લીધી છે. ટીમે સવારે 86/1ના સ્કોર સાથે રમવાનું શરૂૂ કર્યું હતું.
એડિલેડમાં ચાલી રહેલી આ ડે-નાઈટ ટેસ્ટનો શનિવારે બીજો દિવસ છે અને ત્રીજું સત્ર ચાલી રહ્યું છે. ભારતીય ટીમ માટે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે 4-4 વિકેટ લીધી હતી. રવિચંદ્રન અશ્વિન અને નીતિશ રેડ્ડીને એક-એક વિકેટ મળી હતી. શુક્રવારે 7 ડિસેમ્બરે ભારતીય ટીમ 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
દિવસના બીજા સત્રમાં ઓસ્ટ્રેલિયન બેટર્સનું વર્ચસ્વ રહ્યું હતું. 26 ઓવરના આ સેશનમાં 141 રન બનાવ્યા હતા, જો કે કાંગારૂૂ ટીમે પણ 5 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ હેડ અને લાબુશેનની ઇનિંગથી ઓસ્ટ્રેલિયન ટીમ મેચમાં ઘણી આગળ નીકળી ગઈ હતી. ટી-બ્રેક પહેલા બુમરાહે પેટ કમિન્સને બોલ્ડ કરીને ભારતીય ચાહકોને રાહતના સમાચાર આપ્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ 82મી ઓવરમાં સાતમી વિકેટ ગુમાવી દીધી છે. અહીં ટ્રેવિસ હેડ 140 રન બનાવીને આઉટ થયો હતો. તેણે સિરાજની ઓવરના ત્રીજા બોલ પર સિક્સર ફટકારી, પછીના જ બોલ પર સિરાજે તેને બોલ્ડ કર્યો. આ પછી સિરાજે હેડને સેન્ડઑફ આપ્યો હતો. જેના કારણે બન્ને ખેલાડીઓ વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી.
ઓસ્ટ્રેલિયાએ 77મી ઓવરના છેલ્લા બોલ પર છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. અહીં એલેક્સ કેરી 15 રન બનાવીને આઉટ થયો હતો. તેને મોહમ્મદ સિરાજે વિકેટકીપર રિષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.ટ્રેવિસ હેડે પોતાની સદી પૂરી કરી લીધી છે. તેણે 72મી ઓવરના છેલ્લા બોલ પર એક રન બનાવીને પોતાની સદી પૂરી કરી હતી. હેડની કારકિર્દીની આ આઠમી સદી છે. હેડે હોમ ગ્રાઉન્ડ પર તેની 7મી સદી ફટકારી હતી.
મોહમ્મદ સિરાજથી 68મી ઓવરના ચોથા બોલ પર ટ્રેવિડ હેડનો કેચ છૂટ્યો. અશ્વિનના ગુડ લેન્થ બોલ પર હેડ આગળ વધીને રમ્યો, પરંતુ મિડ-ઓન પર ઊભેલો સિરાજ તેને પકડી શક્યો નહીં. સાઇડ સ્ક્રીન પર અગાઉના બોલ પર હેડે સિક્સર ફટકારી હતી.
ભારતને પાંચમી વિકેટ 64મી ઓવરમાં મળી હતી. રવિચંદ્રન અશ્વિનનો બોલ બેટની નજીકથી વિકેટકીપર રિષભ પંતના ગ્લોવ્સમાં ગયો. પંતે જોરદાર અપીલ કરી, પરંતુ અશ્વિને બહુ રસ દાખવ્યો નહીં. ફિલ્ડ અમ્પાયરે પણ આઉટ ન આપ્યો, પરંતુ મિચેલ માર્શ પોતે પેવેલિયન પરત ફર્યો. તેને લાગ્યું કે એડ્જ વાગી છે. બાદમાં, રિપ્લે વીડિયોમાં દર્શાવવામાં આવ્યું હતું કે બોલ બેટને અથડાયો ન હતો.