રાજીનામાની જગ્યાએ એટીટ્યૂટ, ગંભીર પર BCCIના ચાર હાથ?
હોમ ગ્રાઉન્ડ પર 25 વર્ષ પછી સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં હાર છતાં બીસીસીઆઈ કોઈપણ પ્રકારના ફેરફારના મૂડમાં નથી. 12 મહિનાની અંદર ભારતમાં બે-બે શરમજનક ટેસ્ટ સીરિઝ હારવા છતાં બીસીસીઆઈ કોઈ એક્શન લેવા માટે તૈયાર નથી. જે ચાલી રહ્યું છે એવું જ ચાલતું રહેશે. હેડ કોચ ગૌતમ ગંભીર કે કોઈ પ્લેયર પર એક્શન લેવામાં આવ્યાં નહીં. પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરનો એટીટ્યુડ જોઈને તમને પણ એ વાતનો અંદાજો આવી ગયો હશે.
પોતાના ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી હાર બાદ જ્યારે ગૌતમ ગંભીર પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યા તો તેના ચહેરા પર કોઈ પ્રકારનો અફસોસ નહોતો. જ્યારથી ગૌતમ કોચ બન્યાં છે ત્યારથી ભારતીય ટેસ્ટ ટીમની હાલત ગંભીર થઈ ચૂકી છે. ગૌતમના કાર્યકાળમાં ભારત 19માંથી 10 ટેસ્ટ મેચ હારી ચૂક્યું છે. બે મેચ ડ્રો રહી છે. 12 મહિનામાં પહેલા ન્યૂઝીલેન્ડે આપણને ઘર પર હરાવ્યાં અને પછી સાઉથ આફ્રિકાએ શરમજનક હાર આપી. ઓસ્ટ્રેલિયામાં પણ બોર્ડર ગાવસ્કર ટ્રોફીથી હાથ ધોવા પડ્યાં.
મેચ પછી જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીરને સવાલ પૂછવામાં આવ્યો કે, શું તે ટેસ્ટ ક્રિકેટમાં હેડ કોચના પદ પર ટકી રહેવા માટે યોગ્ય વ્યક્તિ છે? તો ગંભીરે તરત કહ્યું કે તેના ભવિષ્યનો નિર્ણય બીસીસીઆઈ કરશે. આ વાત કરતા તેનો કોન્ફિડન્સ હાઈ હતો. જાણે તેને કોઈ નુકસાન પહોંચાડી શકે એમ ન હોય. એવામાં સવાલ થાય છે કે આખરે ગંભીરના માથે કોનો હાથ છે, જે આવા ખરાબ પ્રદર્શન બાદ પણ બેફિકરીથી એટીટ્યુડ બતાવી રહ્યાં છે.