એશિયા કપ ટ્રોફીનો વિવાદ યથાવત, કોકડું ઉકેલવા ICC પેનલ બનાવશે
ભારતીય ક્રિકેટ બોર્ડે દુબઈમાં ICC બોર્ડની બેઠકોમાં એશિયા કપ ટ્રોફીનો મુદ્દો ઔપચારિક રીતે ઉઠાવ્યો હતો. ICC એ BCCI અને ACC ચેરમેન મોહસીન નકવી વચ્ચેના મડાગાંઠને ઉકેલવામાં મદદ કરવાની ઓફર કરી છે. ભારતે 28 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં પાકિસ્તાન સામે એશિયા કપ ફાઇનલ જીતી હતી. જોકે, ટીમને હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફી મળી નથી. ટ્રોફી હાલ નકવીની કસ્ટડીમાં છે, જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન તરીકે પણ સેવા આપે છે.
અહેવાલ મુજબ, ચર્ચાઓ મુકાબલાને બદલે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થઈ હતી.
વાતચીત દરમિયાન કોઈ કડવાશ નહોતી. BCCI સચિવ દેવજીત સૈકિયાએ ICC બોર્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. તેમણે ભાર મૂક્યો કે ટ્રોફી યોગ્ય રીતે ભારતીય ટીમની છે અને તેને તાત્કાલિક સોંપવી જોઈએ.
રિપોર્ટમાં વધુમાં સૂચવવામાં આવ્યું છે કે જો જરૂૂર પડે તો ICC ટ્રોફીના મુદ્દાને ઉકેલવા માટે એક પેનલ બનાવી શકે છે. ICC બોર્ડના સભ્યોમાં એકમત છે કે આ મુદ્દો વહેલામાં વહેલી તકે ઉકેલવો જોઈએ. ઘણા ડિરેક્ટરોએ ચિંતા વ્યક્ત કરી હતી કે ચેમ્પિયન પાસેથી ટ્રોફી રોકી રાખવાથી ક્રિકેટના શાસન પર ખરાબ અસર પડે છે.
નોંધનીય છે કે, દુબઈની બેઠકમાં નકવીની હાજરી છેલ્લી ક્ષણ સુધી અનિશ્ચિત હતી. તેમણે અગાઉ જુલાઈમાં સિંગાપોરમાં વાર્ષિક પરિષદ સહિત અનેક ICC મેળાવડાઓ છોડી દીધા હતા. જો કે, તેઓ શુક્રવારે બપોરે ICC મુખ્યાલય પહોંચ્યા હતા અને બેઠકમાં હાજર રહ્યા હતા.
