ઓમાન બાદ નેપાળ પણ ટી-20 ICC વર્લ્ડ કપ માટે ક્વોલિફાય
નેપાળે તાજેતરના સમયમાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે, અને હવે તેનું ફળ મળ્યું છે. નેપાળે 2026 ટી-20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે. બુધવારે, નેપાળ 2026 ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં સ્થાન મેળવનારી 19મી ટીમ બની હતી. આ ટીમ ઉપરાંત, ઓમાન પણ ટી-20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું છે.
નેપાળ અને ઓમાન બીજી વખત ટી-20 વર્લ્ડ કપમાં રમશે. બંને ટીમોએ 2024માં યોજાયેલ ટી-20 વર્લ્ડ કપમાં પહેલીવાર ભાગ લીધો હતો. ટી-20 વર્લ્ડ કપ આવતા વર્ષે 6 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન ભારત અને શ્રીલંકામાં યોજાવાનો છે.
નેપાળે અત્યાર સુધી ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપ એશિયા અને EAP ક્વોલિફાયર્સમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. નેપાળની ટીમે તેની ચારેય ક્વોલિફાયર મેચ જીતી છે. નેપાળે કતારને પાંચ રનથી અને UAEને એક રનથી હરાવ્યું હતું. નેપાળે જાપાનને પાંચ વિકેટથી અને કુવૈતને પણ 58 રનથી હરાવ્યું હતું. વધુમાં, નેપાળે T20I શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝને 2-1થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. આ નેપાળનો કોઈ ફૂલ નેશન ક્રિકેટ ટીમ સામે પ્રથમ T20I શ્રેણી વિજય હતો.
નેપાળના ટી-20 સ્ટાર્સની વાત કરીએ તો, કુશલ ભૂર્તેલ છેલ્લા વર્ષમાં સૌથી વધુ 565 રન બનાવી ચુક્યો છે. આસિફ શેખે 379 રન બનાવ્યા છે. જ્યારે કેપ્ટન રોહિત પૌડેલ પણ 372 રન બનાવી ચુક્યો છે. બોલિંગમાં, લેગ-સ્પિનર સંદીપ લામિછાને 19 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લીધી છે. સોમપાલ કામીએ 14 અને નંદન યાદવે 13 વિકેટ લીધી છે.
ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુએસએ, વેસ્ટ ઈન્ડિઝ, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, કેનેડા, ઈટાલી, નેધરલેન્ડ, નામિબિયા, ઝિમ્બાબ્વે, ઓમાન, નેપાળ.