વન ડે અને ટી-20 બાદ ક્રિકેટમાં નવા ફોર્મેટ ‘ટેસ્ટ ટ્વેન્ટી’ની એન્ટ્રી
નવા ફોર્મેટમાં એક દિવસમાં બે ઇનિંગ, 80 ઓવર રમાશે, ગૌરવ બહિરવાનીની જાહેરાત
હાલમાં વિશ્વભરમાં ક્રિકેટમાં ત્રણ મુખ્ય ફોર્મેટમાં રમાય છે: ટેસ્ટ, વન-ડે અને ટી-20. હવે, સમાચાર એ છે કે ચોથું ફોર્મેટ વિશ્વમાં પ્રવેશવા જઈ રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે, રમતગમત ઉદ્યોગસાહસિક ગૌરવ બહિરવાનીએ સત્તાવાર રીતે નવા ફોર્મેટ ટેસ્ટ ટ્વેન્ટીનું અનાવરણ કર્યું છે. ટેસ્ટ ક્રિકેટ સૌપ્રથમ 15 માર્ચ, 1877ના રોજ રમાઈ હતી. સમય જતાં ફોર્મેટ બદલાયું, જેના કારણે ચાહકો માટે તે વધુ આનંદપ્રદ બન્યું. ટેસ્ટ ક્રિકેટ પછી વન-ડે ક્રિકેટની શરૂૂઆત થઈ. આ પછી ટી-20 ફોર્મેટની શરૂૂઆત થઈ હતી.
ધ ફોર્થ ફોર્મેટના CEO અને વન વન સિક્સ નેટવર્કના એક્ઝિક્યુટિવ ચેરમેન ગૌરવ બહિરવાનીના મતે, નવા ફોર્મેટને ટેસ્ટ ટ્વેન્ટી નામ આપવામાં આવ્યું છે. આ નવા અને રોમાંચક ક્રિકેટ ફોર્મેટમાં દરેક ટીમને બેટિંગ માટે બે તક મળે છે, જેમ કે ટેસ્ટ ક્રિકેટમાં. જોકે, આ ફોર્મેટ ટેસ્ટ મેચ જેટલું લાંબુ નથી, પરંતુ ટૂંકું અને ઝડપી છે, જે પ્રેક્ષકો માટે સતત ઉત્તેજના અને વધુ સારી ટેલિવિઝન મેચ સુનિશ્ચિત કરે છે. તે ટેસ્ટ અને ટી-20 ક્રિકેટ બંનેના નિયમોને જોડે છે. કેટલાક નિયમો ટેસ્ટ ક્રિકેટમાંથી લેવામાં આવ્યા છે અને કેટલાક ટી-20 ક્રિકેટમાંથી, પરંતુ આ નવા ફોર્મેટને અનુરૂૂપ થોડા ફેરફારો સાથે. મેચનું પરિણામ જીત, હાર, ટાઇ અથવા ડ્રો હોઈ શકે છે, જે તેને વધુ રોમાંચક બનાવે છે. એબી ડી વિલિયર્સ, ક્લાઇવ લોયડ, મેથ્યુ હેડન અને હરભજન સિંહ સલાહકાર બોર્ડનો ભાગ છે. જો કે, આ ફોર્મેટ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ્યું નથી.
ગૌરવ બહિરવાનીએ માહિતી આપી હતી કે આ નવા ફોર્મેટની પહેલી સ્પર્ધા જાન્યુઆરી 2026 માં જૂનિયર ટેસ્ટ ટ્વેન્ટી20 ચેમ્પિયનશિપ તરીકે યોજાશે. પહેલી સીઝન ફક્ત 13 થી 19 વર્ષની વયના છોકરાઓ માટે હશે જ્યારે બીજી સીઝનથી છોકરીઓ માટે પણ તકો પૂરી પાડવામાં આવશે.
બહિરવાનીએ કહ્યું હતું કે વિજેતા ટીમને તાજ એનાયત કરવામાં આવશે. આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય ક્રિકેટના દિગ્ગજો અને અદ્યતન ટેકનોલોજીની પ્રેરણા દ્વારા રમતને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો છે. નોંધનીય છે કે આ નવા ફોર્મેટને ક્રિકેટમાં નવી વિચારસરણી અને નવીનતાનું પ્રતિક માનવામાં આવી રહ્યું છે, જે ભવિષ્યમાં રમતનો ચહેરો બદલી શકે છે.
‘ટેસ્ટ ટ્વેન્ટી’ ફોર્મેટ કેવું હશે?
ટેસ્ટ ટ્વેન્ટી એક નવું ફોર્મેટ છે જેમાં દરેક ટીમ એક જ દિવસમાં બે ઇનિંગ્સ રમે છે. આ મેચમાં કુલ 80 ઓવરનો સમાવેશ થશે. તે ટી-20 ક્રિકેટની ગતિને ટેસ્ટ ક્રિકેટની વ્યૂહરચના અને ઊંડાઈ સાથે જોડશે. મેચ ફક્ત એક દિવસ ચાલશે તેથી તે ટેસ્ટ અને ટી-20 ક્રિકેટ બંનેના નિયમોને જોડશે. સૌથી મહત્વની વાત એ છે કે મેચનું પરિણામ કોઈપણ ફોર્મેટમાં હોઈ શકે છે - જીત, હાર, ટાઇ અથવા ડ્રો, જે તેને અન્ય ટૂંકા ફોર્મેટથી અલગ બનાવે છે.