IPLની 77 ખાલી જગ્યા માટે અધધ 1355 ખેલાડીઓની અરજી
16મીએ અબુધાબીમાં હરાજી, 77માંથી 31 વિદેશી ખેલાડીઓ લેવાશે, ટોચના ઘણા દિગ્ગજો ખસી ગયા
2008માં શરૂૂ થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની લોકપ્રિયતા એટલી બધી વધી ગઈ છે કે વાત ન પૂછો. દર વખતે આંગળીના વેઢે ગણાય એટલા ખેલાડીઓને રીટેન કરવામાં આવતા હોય છે અને નાના-મોટા ઑક્શન માટે હજારોની સંખ્યામાં ખેલાડીઓ અરજી કરતા હોય છે અને એમાં આ વખતે તો હદ જ થઈ ગઈ.
આગામી 16મી ડિસેમ્બરે અબુ ધાબીમાં ખેલાડીઓ માટેની નાના પાયે હરાજી યોજાવાની છે અને એ માટે તોતિંગ સંખ્યામાં ખેલાડીઓની અરજી વિશ્વની આ સર્વશ્રેષ્ઠ લીગ ટૂર્નામેન્ટના આયોજકોને મળી છે. વાત એવી છે કે આઇપીએલના મોવડીઓએ 10 ફ્રેન્ચાઇઝીઓ સાથે શેર કરેલી ખેલાડીઓની યાદી મુજબ કુલ મળીને વિશ્વભરમાંથી 1,355 ખેલાડીઓએ 2026ની સીઝનમાં રમવા માટે અરજી કરી છે.
30મી નવેમ્બરે રજિસ્ટ્રેશન માટેની ડેડલાઇન પૂરી થઈ ગઈ હતી. દરેક ફ્રેન્ચાઇઝીના સ્ક્વોડમાં વધુમાં વધુ પચીસ ખેલાડી હોવા જોઈશે. દરેક ટીમના સ્ક્વોડમાં થોડી-ઘણી જગ્યા ખાલી પડી છે. તમામ 10 ટીમની વાત કરીએ તો કુલ મળીને 77 સ્થાન ભરવાના છે અને એ માટે 1,355 ખેલાડીઓએ અરજી કરી છે. એ 77માંથી 31 વિદેશી ખેલાડીઓની જગ્યા ભરવાની છે. બધા 10 ફ્રેન્ચાઇઝી આઇપીએલને પોતાનું શોર્ટલિસ્ટ પહોંચાડશે ત્યાર બાદ આ 1,355 ખેલાડીઓના લિસ્ટમાં ધરખમ કાપ મૂકવામાં આવશે.
આ વખતની આઇપીએલના ઑક્શન પહેલાં જ કેટલાક જાણીતા ખેલાડીઓએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે. આન્દ્રે રસેલે આઇપીએલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે અને તે કોલકાતાની જ ટીમનો પાવર-કોચ બનવા તૈયાર થયો છે. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ખેલાડી ફાફ ડુ પ્લેસીએ પણ ઑક્શનથી દૂર રહેવાનું પસંદ કર્યું છે, કારણકે તેને પાકિસ્તાનની પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં રમવું છે. ઇંગ્લેન્ડનો સ્પિન-ઑલરાઉન્ડર મોઇન અલી પણ પીએસએલમાં રમવા આઇપીએલથી દૂર રહ્યો છે. નવી ખબર એ મળી છે કે ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે પણ ઑક્શનથી દૂર રહેવાનું પસંદ કર્યું છે.