6 બોલમાં 6 ચોગ્ગા, ઝિમ્બાબ્વેના બ્રાયન બેનેટનો ટી-20 વર્લ્ડ કપમાં રેકોર્ડ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય કોમેટમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેનનો રેકોર્ડ પણ બેનેટના નામે
ઝિમ્બાબ્વેના 21 વર્ષીય બેટ્સમેન બ્રાયન બેનેટે 72 કલાકની અંદર બીજો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 30 સપ્ટેમ્બરના રોજ, તે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર વિશ્વનો સૌથી યુવા બેટ્સમેન બન્યો અને હવે 2 ઓક્ટોબરના રોજ, કેન્યા સામે ટી-20 વર્લ્ડ કપ 2026ની ક્વોલિફિકેશન મેચમાં, તેણે બીજો મોટો રેકોર્ડ બનાવ્યો છે. ભારતના યુવરાજ સિંહે ટી-20 ઈન્ટરનેશનલમાં છ બોલમાં છ છગ્ગા ફટકારવાની સિદ્ધિ સિદ્ધિ મેળવી હતી. હવે બ્રાયન બેનેટ ટી-20 ઈન્ટરનેશનલમાં છ બોલમાં છ ચોગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.
21 વર્ષીય બ્રાયન બેનેટે કેન્યા સામેની વર્લ્ડ કપ ક્વોલિફાયરની બીજી સેમિફાઈનલમાં ઝિમ્બાબ્વેની ઈનિંગના ચોથી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે લુકાસ ઓલુઓચ નામના કેન્યાના બોલર સામે છ બોલમાં છ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. એક ઓવરમાં છ ચોગ્ગા ફટકારવાનો વિશ્વ રેકોર્ડ બનાવવા ઉપરાંત, બ્રાયન બેનેટે 204 થી વધુના સ્ટ્રાઈક રેટથી 25 બોલમાં 51 રન પણ બનાવ્યા હતા. તેની ઈનિંગમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થતો હતો.
મેચમાં કેન્યાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 122 રન બનાવ્યા. જવાબમાં, બ્રાયન બેનેટે ઝિમ્બાબ્વે માટે ઈનિંગની શરૂૂઆત કરી. તેણે અને તેના સાથી ઓપનરે પ્રથમ વિકેટ માટે 76 રન ઉમેર્યા. બેનેટ ઝિમ્બાબ્વે માટે આઉટ થનારા પ્રથમ બેટ્સમેન હતો. પરંતુ તેણે આઉટ થતાં પહેલાં સારું કામ કર્યું. આ વાત એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે તેણે 76 રનની ઓપનિંગ ભાગીદારીમાં 51 રનનું યોગદાન આપ્યું હતું.
અને એક જ ઓવરમાં 6 ચોગ્ગા ફટકારવાના તેના વિશ્વ રેકોર્ડે આમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ પહેલા, બ્રાયન બેનેટે 30 સપ્ટેમ્બરના રોજ તાંઝાનિયા સામે 111 રન બનાવ્યા હતા, જે તેની પ્રથમ T20I સદી હતી, જેના કારણે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર વિશ્વનો સૌથી યુવા બેટ્સમેન બન્યો હતો. બેનેટના નામે ODI માં એક, ટેસ્ટમાં બે અને T20Iમાં એક સદી છે.