રાયપુરમાં ભારતના પહાડ જેવા સ્કોર બાદ હાર માટે 5 કારણો જવાબદાર
રાયપુરના મેદાન પર રમાયેલી બીજી વનડે મેચમાં ભારતીય ટીમે 358 રનનો જંગી સ્કોર ખડક્યો હોવા છતાં દક્ષિણ આફ્રિકા સામે 4 વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. સામાન્ય રીતે વનડે ક્રિકેટમાં આટલો મોટો સ્કોર જીતની ગેરંટી માનવામાં આવે છે, પરંતુ ભારતીય ટીમની નબળી બોલિંગ અને અત્યંત ખરાબ ફિલ્ડિંગને કારણે બાજી પલટાઈ ગઈ. દક્ષિણ આફ્રિકાએ ભારત સામે સૌથી મોટો રન ચેઝ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. ભારતની આ હાર પાછળ જવાબદાર 5 મુખ્ય કારણો નીચે મુજબ છે.
1. ટોસ અને ઝાકળની નિર્ણાયક ભૂમિકા: રાયપુરમાં ભારતની હારનું સૌથી મોટું અને કુદરતી કારણ ટોસ અને ઝાકળ (ઉયૂ) રહ્યું. દક્ષિણ આફ્રિકાના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરવાનો નિર્ણય લીધો, જે માસ્ટરસ્ટ્રોક સાબિત થયો. સાંજના સમયે મેદાન પર ભારે ઝાકળ પડવાને કારણે બોલ ભીનો થઈ ગયો હતો, જેના લીધે ભારતીય બોલરો માટે બોલ ગ્રીપ કરવો મુશ્કેલ બન્યો હતો. આ પરિસ્થિતિનો સીધો ફાયદો દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને મળ્યો અને બેટિંગ કરવી આસાન બની ગઈ, પરિણામે તેમણે 359 રનનો લક્ષ્યાંક સફળતાપૂર્વક પાર કર્યો.
2. અંતિમ ઓવરોમાં ધીમી બેટિંગ : ટીમ ઈન્ડિયાએ 358 રન બનાવ્યા તે સારું હતું, પરંતુ ડેથ ઓવર્સમાં રનની ગતિ ધાર્યા મુજબ રહી ન હતી. આંકડા દર્શાવે છે કે છેલ્લી 10 ઓવર (60 બોલ) માં ટીમ ઈન્ડિયા માત્ર 74 રન જ બનાવી શકી હતી. કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાની જોડી અંતિમ ઓવરોમાં તોફાની બેટિંગ કરવામાં અને સ્ટ્રાઈક રોટેટ કરવામાં થોડી ધીમી પડી. જો આ સમયગાળામાં થોડી વધુ આક્રમકતા દાખવી હોત તો સ્કોર 375 થી વધુ થઈ શક્યો હોત, જે વિરોધી ટીમ પર વધુ દબાણ લાવી શકત.
3. પ્રસિદ્ધ કૃષ્ણા અને કુલદીપ યાદવની મોંઘી બોલિંગ: ભારતીય બોલરો, ખાસ કરીને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા દક્ષિણ આફ્રિકાની જીતમાં અજાણતા મદદગાર સાબિત થયા. કૃષ્ણાએ મેચમાં 2 વિકેટ લીધી ખરી, પરંતુ તેણે પોતાની 8 ઓવરમાં જ 79 રન આપી દીધા, જે ટીમને ભારે પડ્યા. તેવી જ રીતે સ્પિનર કુલદીપ યાદવ પણ વિકેટ લેવા છતાં રન રોકવામાં નિષ્ફળ રહ્યા અને પોતાની 10 ઓવરમાં 78 રન લૂંટાવી દીધા.
4. યશસ્વી જયસ્વાલનો કેચ ડ્રોપ: યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ માટે આ મેચ કોઈ દુ:સ્વપ્નથી ઓછી ન હતી. બેટિંગમાં નિષ્ફળ રહ્યા બાદ ફિલ્ડિંગમાં પણ તેણે મોટી ભૂલ કરી. જયસ્વાલે સેટ થઈ રહેલા બેટ્સમેન એડન માર્કરામનો એક અત્યંત સરળ કેચ છોડ્યો હતો. જ્યારે કેચ છૂટ્યો ત્યારે માર્કરામ માત્ર 53 રન પર રમતા હતા. આ જીવનદાન મળ્યા બાદ માર્કરામે બાજી પલટી નાખી અને 110 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી. આ એક ભૂલ ભારતને મેચ હરાવવા માટે પૂરતી હતી.
5. કંગાળ ગ્રાઉન્ડ ફિલ્ડિંગ: માત્ર કેચ ડ્રોપ જ નહીં, પરંતુ ભારતીય ટીમની ગ્રાઉન્ડ ફિલ્ડિંગ પણ અત્યંત કંગાળ રહી હતી. અર્શદીપસિંહ, વોશિંગ્ટન સુંદર અને યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીઓ દ્વારા વારંવાર મિસફિલ્ડિંગ કરવામાં આવ્યું. દબાણની પળોમાં ભારતીય ફિલ્ડરોએ 3 થી 4 વખત ઓવરથ્રો દ્વારા વધારાના રન આપી દીધા, જેના કારણે દક્ષિણ આફ્રિકા પરનું દબાણ હળવું થઈ ગયું અને ભારત રાયપુરમાં જીતેલી મેચ હારી ગયું.
ટોસ હારવામાં પણ ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ
ભારતીય ક્રિકેટ ટીમ રાયપુર ઓડીઆઇમાં પણ ટોસ હારી ગઈ હતી, અને આ સાથે જ ટોસ હારવાનો એવો શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો જેના સુધી કદાચ અન્ય કોઈ ટીમ પહોંચી નહીં શકે. ભારતીય ટીમે ઓડીઆઇમાં સતત 20 વખત ટોસ હારવાનો રેકોર્ડ બનાવ્યો છે. કેપ્ટન રોહિત શર્મા હોય, શુભમન ગિલ હોય કે કેએલ રાહુલ, તે બધા સતત ટોસ હારતા રહ્યા છે. ભારતે છેલ્લે 740 દિવસ પહેલા ટોસ જીત્યો હતો. ટીમ ઈન્ડિયાએ છેલ્લે 15 નવેમ્બર, 2023 ના રોજ ટોસ જીત્યો હતો. આ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ સેમિ ફાઇનલ હતી. ટીમ ઈન્ડિયાને 19 નવેમ્બર, 2023 ના રોજ ટોસ હારીને સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે તેઓ વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા હતા. એકંદર આંકડાઓની દ્રષ્ટિએ, ભારતીય ટીમે છેલ્લી 20 મેચોમાંથી 12 જીતી છે જેમાં તે ટોસ હારી ગઈ છે.