18 વર્ષનો ઈંતજાર પૂરો, આ જીત અમારા ચાહકો માટે: કોહલી
મેં મારી યુવાની, મારો શ્રેષ્ઠ સમય RCBને આપ્યો, મારી બધી શક્તિ તેમાં લગાવી દીધી
17 વર્ષ પછી, RCB એ પંજાબ કિંગ્સને હરાવ્યું અને પહેલી વાર ઇન્ડિયન પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો. આ શાનદાર જીત પછી, વિરાટ કોહલી ખૂબ જ ભાવુક દેખાતો હતો. કોહલી એકમાત્ર ખેલાડી છે જે શરૂૂઆતથી RCB સાથે સંકળાયેલો છે. આ જીત પછી, કોહલીની પ્રતિક્રિયા ખૂબ વાયરલ થઈ રહી છે.
વિરાટ કોહલીએ કહ્યું, આ જીત અમારી ટીમ માટે એટલી જ છે જેટલી તે અમારા ચાહકો માટે છે. તે 18 વર્ષોની રાહ હતી. મેં મારી યુવાની, મારો શ્રેષ્ઠ સમય આ ટીમને આપ્યો. મેં મારી બધી શક્તિ તેમાં લગાવી દીધી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ દિવસ પણ આવશે. છેલ્લો બોલ ફેંકાતાની સાથે જ હું ભાવુક થઈ ગયો.
કોહીલીએ આગળ કહ્યું, એબી (ડી વિલિયર્સ) એ આ ફ્રેન્ચાઇઝી માટે જે કર્યું છે તે જબરદસ્ત છે. મેં મેચ પહેલા તેને કહ્યું હતું કે - આ જીત તમારી પણ છે અને હું ઇચ્છતો હતો કે તમે અમારી સાથે ઉજવણી કરો. તે હજુ પણ એવો ખેલાડી છે જેણે અમારા માટે સૌથી વધુ મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા છે, ભલે તે ચાર વર્ષ પહેલા નિવૃત્ત થયો હોય. તે અમારી સાથે આ પોડિયમ પર હોવો જોઈએ.
કોહલીએ કહ્યું કે હું હંમેશા આ ટીમ પ્રત્યે વફાદાર રહ્યો છું, ભલે ગમે તે થાય. એવા સમય આવ્યા જ્યારે મેં વિચાર્યું કે હું છોડી દઈશ, પરંતુ મેં આ ટીમ છોડી નહીં. મારું હૃદય બેંગ્લોર સાથે છે, મારો આત્મા બેંગ્લોર સાથે છે, અને જ્યાં સુધી હું IPL રમીશ, હું આ ટીમ માટે રમીશ. આજે રાત્રે હું શાંતિથી સૂઈશ. મને ખબર નથી કે હું આ રમત કેટલા વર્ષો રમી શકીશ.
કોહલીએ ભગવાનનો આભાર માન્યો અને કહ્યું કે આખરે આ જીત મારા ખોળામાં આવી. કોહલીએ કહ્યું કે હરાજી પછી ઘણા લોકોએ અમને પ્રશ્નો પૂછ્યા હતા, પરંતુ બીજા દિવસ સુધીમાં અમને વિશ્વાસ થઈ ગયો કે અમારી પાસે જે જોઈએ છે તે બધું છે.
આરસીબીએ 17 વર્ષ પછી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2025)નો ખિતાબ જીત્યો છે. ફાઇનલ મેચમાં આરસીબીએ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું હતું. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં પંજાબની ટીમે ટોસ જીતીને આરસીબીને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. બંને ટીમોએ કોઈ ફેરફાર કર્યા વિના આ મહા મેચમાં પ્રવેશ કર્યો હતો. આરસીબીની ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. આરસીબીએ 9 વિકેટ ગુમાવ્યા બાદ 190 રન બનાવ્યા હતા. કોહલીના બેટમાંથી 43 રન આવ્યા હતા. તે જ સમયે, જેમીસન અને અર્શદીપે 3-3 વિકેટ લીધી હતી. જવાબમાં, પંજાબ કિંગ્સ ફક્ત 184 રન બનાવી શક્યું હતું અને આરસીબીએ ટાઇટલ જીત્યું હતું.
એબી ડિવિલિયર્સની વિરાટ કોહલીને જાદુની જપ્પી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે યોજાયેલ મેચ શરૂૂ થતાં પહેલા વિરાટ કોહલીને એના એક ખાસ અને જૂના મિત્રએ મળીને જાદુની જપ્પી આપી છે. અહિયાં વાત થઈ રહી છે કોહલીના ખાસ મિત્ર એવા એબી ડિવિલિયર્સની, જેમને વિરાટ કોહલીને વચન આપ્યું હતું કે પોતે ફાઇનલમાં ત્યારેજ આવશે જ્યારે ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રમતી હશે. વિરાટને કરેલ વાયદા મુજબ એબી ડિવિલિયર્સ વિરાટને મળવા અમદાવાદ આવ્યા હતાં. એબી ડિવિલિયર્સ વિરાટના જૂના મિત્ર રહી ચૂક્યા છે. વિરાટ કોહલીને તેમને એક વિરાટ કહી શકાય એવું વચન આપ્યું હતું, જે પૂરું કરવા માટે મેદાન પર આવીને વિરાટ કોહલીને જાદુની જપ્પી આપી થોડી વાર સુધી વાતો પણ કરી હતી. એબી ડિવિલિયર્સના આઈપીએલ ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે 11 સિજન રમી ચૂક્યા છે. જેમાંથી બે વાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફાઇનલ સુધી પહોંચી ગઈ હતી, પણ ટ્રોફી પોતાના નામે કરવામાં અસફળ રહી હતી.
બ્રિટનના માજી વડાપ્રધાન ઋષિ સુનક, રોજર બિન્ની-જય શાહની હાજરી
IPL Final 2025 ની ફાઇનલ મેચમાંં અનેક સેલિબ્રિટીઝ જોવા મળી રહ્યા છે. તેમાં ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, ICC પ્રમુખ જય શાહ અને BCCI પ્રમુખ રોજર બિન્ની સહિત અનેક સેલેબ્રિટી આ ઉપરાંત અનુષ્કા શર્મા, પ્રિતી ઝીન્ટા સહિતનાં અનેક લોકો ફાઇનલ મેચમાં હાજર હતાં. ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક તેમના પત્ની તથા નારાયણ મુર્તિનાં પુત્રી અક્ષતા મુર્તિ સાથે અમદાવાદનાં મહેમાન બન્યા હતા. આ ઉપરાંત તેઓ આઇપીએલની ફાઇનલ મેચ જોવા માટે પણ આવી પહોંચ્યા હતા. તેઓ ક્રિકેટના પણ ચાહક છે.
ઓલિમ્પિકમાં ક્રિકેટના વાપસી પર સુનકે કહ્યું - આ 21મી સદીમાં ભારતના પ્રભાવની નિશાની છે. ભારતના જુસ્સા, ભારતના સ્વાદનો વૈશ્વિક પ્રભાવ છે. 100 વર્ષમાં પહેલીવાર ક્રિકેટ ઓલિમ્પિકમાં કેમ આવ્યું ? ભારતના પ્રભાવના કારણે. સુનકે સદીના લાંબા અંતર પછી ઓલિમ્પિકમાં ક્રિકેટના પુનરાગમનને ભારતના વધતા વૈશ્વિક પ્રભાવ સાથે જોડ્યું અને પરિવર્તન લાવવાની ક્ષમતા માટે IPL અને ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) ની પ્રશંસા કરી.