For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં માવઠા સાથે આકાશી આફત, વીજળી પડવાથી છ મોત

01:29 PM May 16, 2024 IST | Bhumika
ગુજરાતમાં માવઠા સાથે આકાશી આફત  વીજળી પડવાથી છ મોત
Advertisement

રાજ્યના 20 તાલુકામાં બે ઇંચ સુધી વરસાદ, મુળીમાં ચોમાસાની માફક બે ઇંચ, નખત્રાણામાં સવા, કુંકાવાવ- જેતપુર- બાબરામાં અડધોથી પોણો ઇંચ

ગુજરાત- સૌરાષ્ટ્રમાં ગઇકાલે સતત ત્રીજા દિવસે વાવાઝોડા અને વિજળી સાથે માવઠુ ત્રાટકતા ઉનાળુ પાક અને કેટલાક સ્થળે માલ- મિલકતને ભારે નુકશાન થયું છે તો સુરેન્દ્રનગર, પોરબંદર અને અરવલ્લી જિલ્લામાં વિજળી પડવાથી છ લોકોના અને સાત જેટલા પશુઓના મોત નિપજયાના અહેવાલો મળે છે. રાજ્યમાં વીજળી પડવાના અનેક બનાવો નોંધાયા છે.

Advertisement

સુરેન્દ્રનગરના ચોટીલાના ગ્રામ્ય વિસ્તાર તેમજ મુળીના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને ત્રણ લોકોના મોત થયા હતા. ચોટીલા તાલુકામાં મોકાસર ગામે વીજળી પડતા યુવતીનું તેમજ મુળી તાલુકાના ખાટડી ગામે વીજળી પડતા આધેડનું મોત થયું હતું. બંનેની ડેડ બોડીને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મૃતકના નામ સંગ્રામભાઈ અમરાભાઈ ગલચર રબારી (ઉ.વ. 57 રે.ખાટડી મુળી) અને આશાબેન મનસુખભાઈ (ઉં.વ.18-મોકાસર) હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત મુળીના સુજાનગઢ ગામે પણ વિજળી પડવાથી 36 વર્ષીય મહિલાનું મોત નિપજયું હતું. જયારે અમરેલી જિલ્લાના જવાનપરા ગામે વિજળી પડતા મહિલા દાઝી ગઇ હતી તો અરવલ્લીના જીતપુર ગામે બાઇક સવાર યુવક પર વિજળી પડતા તેનું મોત થયું હતું.

પોરબંદરના ગ્રામ્ય પંથકના શીશલી અને સોઢાણા ગામે વીજ પડવાથી બે વ્યક્તિઓના મોત થયા છે. સોઢાણા ગામે વાડી વિસ્તારમાં વીજળી પડતા જીવાભાઇ ગીગાભાઈ કારાવદરા(ઉં.વ.60) નું તથા વડાળા ગામના બાલુભાઇ કારાભાઈ ઓડેદરા ( ઉ.વ.30)નું પણ ઘટનાસ્થળે મોત થયું હતું.

બીજી તરફ ગુજરાતના કુલ 20 તાલુકામાં 1 મીમીથી માંડી 50 મીમી વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધુ મુળીમાં બે ઇંચ, કચ્છના નખત્રાણામાન સવા ઇંચ, કુંકાવાવ-વડીયા અને વઢવાણમાં પોણો ઇંચ, જેતપુર અને બાબરામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

હજુ બે દિવસ કમોસમી વરસાદ- હીટવેવની આગાહી
ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ગરમીનો પારો 3 ડિગ્રી સુધી વધવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે અમદાવાદ, છોટા ઉદેપુર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના છે. હીટવેવના પગલે વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આજે 16 મેના રોજ અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, છોટા ઉદેપુર, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ અને ખેડા જિલ્લામાં વરસાદની શક્યતા છે. જયારે આજે તા.16 અને 17 મેના રોજ વલસાડમાં તીવ્ર ઉષ્ણ લહેરની શક્યતાના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરત, કચ્છ, પોરબંદર, ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત 19 મે સુધી કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ગરમ પવનો ફૂંકાઈ શકે છે અને ભેજવાળું હવામાન રહી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement