For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોટા અધિકારીઓની જવાબદારી SIT નક્કી કરે: હાઈકોર્ટ

12:27 PM Jun 06, 2024 IST | Bhumika
મોટા અધિકારીઓની જવાબદારી sit નક્કી કરે  હાઈકોર્ટ
Advertisement

રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ઉચ્ચ અધિકારીઓની પણ ગંભીર બેદરકારી બહાર આવી

અધિકારીઓને ખબર હતી છતાં કયારેય ચેકિંગ કર્યું નહીં, સીટ માત્ર તપાસ નહીં કોની સામે કેવા પગલાં ભરવા તે પણ નક્કી કરે

Advertisement

સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવનાર અને 27 નિર્દોષ લોકોનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની સુનાવણી આજે હાઈકોર્ટમાં ખુલતા હાઈકોર્ટે ખુબ જ આક્રમક વલણ અપનાવ્યું હતું અને જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે હજુ સુધી કેમ પગલાં ભરાયા નથી ? તેનો સરકાર પાસે ખુલ્લાસો માંગતા રાજ્ય સરકારના એડવોકેટ જનરલ બચાવની સ્થિતિમાં આવી ગયા હતાં અને સીટનો રિપોર્ટ આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં ભરવાની હાઈકોર્ટને ખાતરી આપી હતી.

બીજી તરફ આ ગંભીર ઘટનામાં રાજકોટના તત્કાલીન મ્યુનિ. કમિશ્નર અમીત અરોરા, તાજેતરમાં બદલાયેલા મ્યુનિ.કમિશ્નર આનંદ પટેલ અને હાલના મ્યુનિ.કમિશ્નર દેસાઈએ પોતાના એફીડેવીટ હાઈકોર્ટમાં રજુ કરી દીધા હતાં. જે તમામ એફીડેવીટ રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ માટે બનાવેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ને સુપ્રત કરવા અને કયા ઉચ્ચ અધિકારીઓ સામે કેવા પગલાં ભરવા ? તે અંગે સીટને નક્કી કરવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો. હાઈકોર્ટે આ ઘટનાની સર્વગ્રાહી તપાસ સાથે જવાબદાર અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવા સુચના આપતા હવે સંપૂર્ણ દારોમદાર સીટની તપાસ ઉપર આવી ગયો છે.

આજે ઉઘડતી કોર્ટે શરૂ થયેલી સુનાવણી દરમિયાન આ અગ્નિકાંડમાં ઉચ્ચ અધિકારીઓની ગંભીર બેદરકારી હોવાની કોર્ટે નોંધ લીધી હતી. તત્કાલીન કમિશ્નર અમીત અરોરાએ પોતાના બચાવમાં રજૂ કરેલા સોગંદનામામાં ફાયર વિભાગ ઉપર જવાબદારી ઢોળતા જણાવેલ છે કે ફાયર વિભાગે ચેકીંગ કર્યુ નથી જ્યારે તત્કાલીન કમિશ્નર આનંદ પટેલે પોતાના એફીડેવીટમાં ગેમઝોનના સંચાલકો દ્વારા ટીકીટ બુકીંગ માટે પરવાનગી જ લેવાઈ ન હોવાનો બચાવ કર્યો હતો. તેની સામે વર્તમાન કમિશ્નર દેવેન્દ્ર દેસાઈએ રજુ કરેલા સોગંદનામામાં આગલા બન્ને મ્યુનિ.કમિશ્નરનો ભાંડો ફોડી નાખ્યો હતો અને ગેરકાયદેસર બાંધકામથી માંડી કોઈપણ પ્રકારની મંજુરી વગર ગેમઝોન ધમધમતો હોવાની તમામને ખબર હોવા છતાં કયારેય ચેકીંગ પણ નહીં કરવામાં આવ્યાનું અને જવાબદારોએ ગંભીર બેદરકારી દાખવ્યાનું જણાવ્યું હતું.

આમ આ ઘટનામાં નાના અધિકારીઓની ધરપકડો અને તેમની સામે સસ્પેન્શનના પગલાં ભરવામાં આવ્યા છે પરંતુ મોટા અધિકારીઓ સામે આજ સુધી કોઈ પગલાં નહીં ભરાતા હાઈકોર્ટે એડવોકેટ જનરલને અણિયારા સવાલો કર્યા હતાં અને ઉચ્ચ અધિકારીઓ સામે હજુ સુધી કેમ પગલાં ભરાયા નથી ? તેનો ખુલાસો પણ માંગ્યો હતો. આ ઘટનામાં ઉચ્ચ અધિકારીઓની બેદરકારીની પણ હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે અને આગામી 13 જૂનના રોજ સીટને પણ તપાસનો પ્રતિ અહેવાલ હાઈકોર્ટમાં રજુ કરવા સુચના આપી વધુ સુનાવણી તા.13 જૂનના રોજ મુકરર કરેલ છે. ત્યારે આગામી 13 જૂને વધુ મોટા કડાકાભડાકા થાય તેવી શકયતા છે. હવે સીટના હાથમાં ઉચ્ચ અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની સત્તા આવી જતાં તા.13મીએ સીટ ઉચ્ચ અધિકારીઓની જવાબદારી અંગેનો રિપોર્ટ હાઈકોર્ટમાં કરે તેવી શકયતા છે.

કમિશનરને સસ્પેન્ડ કેમ નથી કરતાં?
હાઈકોર્ટમાં આજે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની સુનાવણી દરમિયાન મેજીસ્ટ્રેટે ખુબ જ આક્રમક વલણ અપનાવ્યું હતું અને સરકાર વતી દલીલ કરી રહેલા એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તથા આસીસ્ટન્ટ એડવોકેટ જનરલ મનીષા લવકુમારને અનેક સવાલો પુછયા હતાં. હાઈકોર્ટે નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે તો મ્યુનિ.કમિશ્નરને કેમ સસ્પેન્ડ કર્યા નથી ?ં તેવો સવાલ કરતાં એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે હાલ મ્યુનિ.કમિશ્નરની બદલી કરી નાખવામાં આવી છે અને તેને કોઈ પોસ્ટીંગ આપવામાં આવ્યું નથી. સીટનો તપાસ રિપોર્ટ આવી ગયા બાદ સરકાર દ્વારા મ્યુનિ.કમિશ્નર સામે આગળના પગલાં ભરવામાં આવશે. આ જવાબ સાંભળ્યા બાદ હાઈકોર્ટે ઉચ્ચ અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની જવાબદારી પણ સીટને સોંપી દીધી હતી અને અધિકારીઓએ કરેલા સોગંદનામા પણ સીટને સુપ્રત કરવા હુકમ કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement