બગસરાની સરકારી હોસ્પિટલના ચેકિંગ સમયે બોર્ડ લગાડી પછી ઉતારી લેવાયા
બગસરામાં 4.50 કરોડના ખર્ચે નવી હોસ્પિટલ બની રહી છે પરંતુ તાજેતરમાં તેના ચેકિંગ દરમિયાન સબ સલામત હોવાનું બતાવવા બાંધકામનીવિગતો લગાડી દેવામાં આવે છે અને ચેકિંગ પૂરું થતાં જ બોર્ડ ઉતરી જાય છે.
વિગત અનુસાર બગસરામાં સરકારી હોસ્પિટલનુ બાંધકામ થઈ રહ્યું છે. સાડા ચાર કરોડના ખર્ચે તૈયાર થનારી આ હોસ્પિટલ નું કામ પૂર્ણ થતા લોકોની તબીબી સેવાઓમાં વધારો થશે તેવું ઉદ્ઘાટન સમયે જણાવવામાં આવ્યું હતું. પરંતુ કોન્ટ્રાક્ટરો ચેકિંગ દરમિયાન તંત્રને પણ ઊંધા ચશ્મા પહેરાવી દે છે. ચેકિંગ સમયે મેદાનમાં આ બાંધકામની વિગતો દર્શાવતું બોર્ડ તાત્કાલિક લગાડી દેવામાં આવે છે. ચેકિંગ પૂરું થતાની સાથે જ બીજા જ દિવસે આ બોર્ડ ઉતારી લેવામાં આવે છે જેથી જાહેર જનતાને આ બાંધકામની વિગતો વિશે ક્યારેય પણ ખ્યાલ આવે નહીં. બાંધકામના નિયમો અનુસાર બાંધકામ શરૂૂ થાય તે પૂર્વેથી કામની વિગત, કામ પૂરું કરવાની મર્યાદા, કુલ ખર્ચ, તેમજ બાંધકામ બાબતે કોઈ ફરિયાદ હોય તો તે માટેનો નંબર સહિત અનેક વિગતો બોર્ડ લગાવી દર્શાવવાની હોય છે. પરંતુ કોન્ટ્રાક્ટરો આવી વિગતો લોકો સુધી ન પહોંચે તે માટે નિરીક્ષણ માટે આવતા કર્મચારીઓ સાથે ગોઠવણ કરી લેતા હોય છે. પરંતુ ઉપરથી ચેકિંગ આવે ત્યારે વિગતો લગાડી પછી ઉતારી લેવામાં આવે છે. તેના ઉપરથી જ સમજી શકાય છે કે આ કામમાં બીજી કેટલી ખામીઓ રહેતી હશે.