For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નકલી DYSP પાસેથી જજ અને રાજકોટ કલેક્ટરના સ્ટેમ્પ મળ્યા

11:15 AM Dec 16, 2023 IST | Sejal barot
નકલી dysp પાસેથી જજ અને રાજકોટ કલેક્ટરના સ્ટેમ્પ મળ્યા

જુનાગઢમાં નકલી ડીવાયએસપી બનીને ફરતા વિનીત દવે નામના શખ્સની પોલીસે અટકાયત કરી હતી. પોલીસની વધુ તપાસમાં આ નકલી ડીવાયએસપી વિનીત દવેએ કેટલાંક આશ્ચર્યજનક ખુલાસાઓ કર્યા છે. આ ઉપરાંત તેની પાસેથી લાખોની રકમ અને કેટલીક એવી સામગ્રી મળી છે જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે.પોલીસની વધુ તપાસમાં વિનીત દવે પાસેથી 20 લાખ 98 હજાર કરતાં પણ વધુનો મુદ્દામાલ અને કેટલાક સરકારી દસ્તાવેજો કે જેને ખૂબ ગંભીર માનવામાં આવે છે તેને પકડી પાડવામાં જુનાગઢ પોલીસને સફળતા મળી છે. તેમજ રાજકોટ કલેકટર કચેરીનું નકલી સાહિત્ય પણ મળી આવ્યુ છે.
ગત તારીખ 11 ડિસેમ્બર, સોમવારના રોજ જુનાગઢ શહેરમાંથી વિનીત દવે નામના નકલી ડીવાયએસપીને જુનાગઢ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ પોલીસ રિમાન્ડમાં રહેલા વિનીત દવેની વધુ પૂછપરછ દરમિયાન વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ પણ થયા છે. આરોપીના ઘરેથી 20 લાખ 98 હજાર જેટલી રોકડ મળી આવી છે, જેને પોલીસે હસ્તગત કરી છે, આ ઉપરાંત પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજનો ઓરીજનલ સ્ટેમ્પ પણ તેની પાસેથી મળી આવ્યો છે. આ સિવાય સરકારી કામમાં ઉપયોગી થઈ શકે તેવા બીજા દસ્તાવેજો પણ પ્રાપ્ત થયા છે.
સમગ્ર મામલામાં જુનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયા તપાસ કરી રહ્યા છે, તેમની આ તપાસ દરમિયાન વિનીત દવે પાસેથી કોરા હાજરી રજીસ્ટર, કર્મચારીની સર્વિસ બુક, લેપટોપ, કમ્પ્યુટર જેવા આધુનિક સાધનોની સાથે રેલવેના લાલ અને બ્લુ રંગના હોલોગ્રામ વાળા ત્રણ સ્ટીકરની સીટો પણ મળી આવી છે. આ સિવાય કલેકટર ઓફિસ રાજકોટના સિક્કા વાળી ત્રણ સીટ પણ પોલીસે કબજે કરી છે. પોલીસ તપાસમાં પગાર સ્લીપ બદલી અને નિમણૂક ઓર્ડર તેમજ એપોઇન્ટમેન્ટ લેટર પણ પોલીસને મળી આવ્યો છે. નકલી ડિવાયએસપી બનીને લોકોને છેતરતા વિનીત દવેના ઘરેથી બે જોડી પોલીસ યુનિફોર્મની સાથે નકલી આઈ કાર્ડ પણ મળી આવ્યું છે.

Advertisement

કોર્ટમાં નકલી પટાવાળાને નોકરી કરાવી

નકલી ડીવાયએસપી તરીકે પકડાયેલા વિનીત દવે જૂનાગઢના મનિશ વાજા નામના ફોટોગ્રાફરને જુનાગઢ ફેમિલી કોર્ટમાં એક અઠવાડિયા માટે પટાવાળાની નોકરી પણ કરાવી હતી. વધુમાં પાટણના કનકસિંહ રાજપૂતને પોલીસમાં નોકરી અપાવીને તેના ડ્રાઇવર તરીકે નોકરી કરાવતો હતો. આ સિવાય કનકસિંહ રાજપૂતને તેણે વડોદરામાં ગણેશ વિસર્જન વખતે બંદોબસ્તમાં પણ ગોઠવી આપ્યો હતો. તો પાટણના વધુ એક અજીતસિંહ ચૌહાણને પણ પોલીસમાં નોકરી આપીને તેને કમાન્ડર તરીકે તેની સાથે રાખીને રૌફ જમાવતો હોવાનુ પણ જુનાગઢ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. હાલ નકલી ડિવાયએસપી વિનીત દવે જુનાગઢ પોલીસના રિમાન્ડ પર છે ત્યારે આવનારા દિવસોમાં વધુ કેટલાક ચોકાવનારા ખુલાસાઓ થાય તેવી પણ શક્યતાઓ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement