ચોટીલામાં મનરેગા યોજનામાં કૌભાંડ: 26.91 લાખની છેતરપિંડી કરનારા 20 શખ્સો સામે નોંધાતો ગુનો
ચોટીલા તાલુકાના પીપરાળી ગામે મનરેગા યોજના હેઠળ થયેલા ભ્રષ્ટાચાર અંગે ચોટીલા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તત્કાલીન સરપંચ, હાલના સરપંચ, તત્કાલીન કારકુન, તત્કાલીન તલાટી-કમ-મંત્રી, કોન્ટ્રાક્ટર સહિત 20 જેટલા શખ્સો સામે સરકારી નાણાની ઉચાપત કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. પીપરાળી ગામે વર્ષ 2022માં મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદો થઈ હતી. જેને ધ્યાને લઈ ફરિયાદી તેમજ ચોટીલા તાલુકા વિકાસ અધિકારી અશોકકુમાર ઠક્કર સહિતની ટીમે અલગ-અલગ ચાર ખેડૂતોના પીપરાળી ગામની સીમમાં આવેલા ખેતરોમાં તપાસ હાથ ધરી હતી.જેમાં કરમશીભાઈ સાકરિયાના ખેતરમાં નવો કુવો ન બનાવ્યો હોવા છતાં તે અંગેની રકમ મંજુર કરી હતી. તેમજ હેમુભાઈ બાંભણિયાના કુવામાં પણ કોઈ જ કામગીરી થઈ નહોતી.
ઉપરાંત જીવણભાઈ બાંભણિયાના ખેતર પાસે તળાવને ઉડું કર્યા વગર માત્ર માટીકામ જ કરવામાં આવ્યું હતું. સરપંચ વિનોદભાઈ મુળજીભાઈના ખેતરમાં પણ સીમેન્ટકામ કરવામાં આવ્યું નહોતું.આમ આ તમામ કામગીરીમાં ગેરરીતિ સામે આવી હતી અને તેમાં તત્કાલીન મસ્ટર કારકુનો, તત્કાલીન સરપંચો, તત્કાલીન તલાટી-કમ-મંત્રીઓ, ટેકનીકલ સહાયક, સહાયક પ્રોગ્રામ અધિકારીઓની મીલીભગત હોવાનું બહાર આવ્યું હતું.
આથી ચોટીલા તાલુકા વિકાસ અધિકારીએ સરકારની યોજનામાં ગેરરીતિ તેમજ મંજુર થયેલા કામો નહિ કરી ખોટા દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી કુલ રૂૂા.26.91 લાખની છેતરપિંડી અંગે તેમજ હોદ્દાના દુરઉપયોગ અંગે દુદાભાઈ આલાભાઈ ચાવડા - તત્કાલીન સરપંચ, વીનાભાઈ મનજીભાઈ સાકરીયા - તત્કાલીન તથા હાલના સરપંચ, સવજીભાઈ મનજીભાઈ - તત્કાલીન મેટ કારકુન, હરેશભાઈ કરમશીભાઈ - તત્કાલીન મેટ કારકુન, ભરતભાઈ ભાવાભાઈ - તત્કાલીન મેટ કારકુન, ડાયાભાઈ હેમાભાઈ સાકરીયા - તત્કાલીન મેટ કારકુન, મનસુખભાઈ માવજીભાઈ - તત્કાલીન મેટ કારકુન, મુકેશભાઈ મગનભાઈ - તત્કાલીન મેટ કારકુન, મુકેશભાઈ હેમાભાઈ - તત્કાલીન મેટ કારકુન, હરેશભાઈ વિનાભાઈ - તત્કાલીન મેટ કારકુન, દિનેશભાઈ ભાવાભાઈ - તત્કાલીન મેટ કારકુન, હરેશભાઈ કરમશીભાઈ - તત્કાલીન મેટ કારકુન, ભુપતભાઈ કડવાભાઈ - તત્કાલીન મેટ કારકુન, છગનભાઈ એમ. સેજાણી - તત્કાલીન જીઆરએસ, તા.પં.ચોટીલા, અસલમભાઈ સુમરા - તત્કાલીન તલાટી-કમ-મંત્રી, બાબુલાલ એમ. પરમાર - તત્કાલીન તથા હાલના તલાટી-કમ-મંત્રી, ડાયાભાઈ એમ. જીડીયા - તત્કાલીન ઈન્ચાર્જ ટેકનીકલ આસી., કિરણભાઈ ડી. જીડીયા - તત્કાલીન ટેકનીકલ આસી. અને ઈન્ચાર્જ આસી.વર્ક મેનેજર, નિલેશભાઈ એમ. અલગોતર -તત્કાલીન અસી. પ્રોગ્રામ ઓફીસર અને વિનુભાઈ સંઘાભાઈ પરમાર - માલીક અને તત્કાલીન મટીરીયલ સપ્લાયર વિરૂૂદ્ધ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.