સાળાના દીકરા-દીકરીના લગ્નમાં જતા ફુવાનું બાઇક અકસ્માતમાં મોત
બાબરા તાલુકાના લાલકા ગામે રહેતો યુવાન શિવરાજપુર ગામે સાળાના દીકરા દીકરીના લગ્નમાં જઈ રહ્યો હતો ત્યારે લાલકા ગામ પાસે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ બાબરા તાલુકાના લાલકા ગામે રહેતા વિરમ સગરામભાઇ ચિરોડિયા નામનો 40 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઇ શિવરાજપુરથી લાલકા ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે લાલકા નજીક બાઇક સ્લીપ થતા અકસ્માત સજાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન બે ભાઈ અને ત્રણ બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં બે પુત્ર છે વિરમ ચિરોડીયા શિવરાજપુર ગામે રહેતા તેના સાળાના દીકરા દીકરીના લગ્નમાં જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે જસદણ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.