અમરેલીના સરંભડામાં થયેલી હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા
અમરેલી તાલુકાના સરંભડા ગામે ચૌદ વર્ષ પહેલાં અગાઉના મનદુ:ખના કારણે તે જ ગામે રહેતા છ જેટલાં શખ્સો એ સશસ્ત્ર હુમલો કરી એક ઇસમ સરા જાહેર બેરેહમીથી હત્યા નીપજાવી દીધેલ હતી. જ્યારે આ બનાવમાં બે લોકોને ગંભીર ઈજા થવા પામી હતી. આ અંગેનો કેસ અત્રેની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે દ્વારા એક આરોપીને આજીવન કેદ તથા રૂૂપિયા 64 હજારના દંડની સજાનો હુકમ કરવામાં આવેલ છે.
આ બનાવમાં અમરેલી તાલુકાના સરંભડા ગામે રહેતા રાજુભાઇ પીઠાભાઈ વાળા, તેમના ભાઈ જયરાજભાઈ પીઠાભાઈ વાળા તથા તેમના પિતા પીઠાભાઈ વાળા ઉપર ગત તા. 22-5-2010ના રોજ સવારે સરંભડા ગામે અગાઉના મનદુ:ખના કારણે તે જ ગામે રહેતા દિલુભાઈ ટપુભાઈ વાળા સહિત છ જેટલાં લોકોએ ગુન્હાહિત ઇરાદો બર લાવવા સારું સશત્ર હુમલો કરી જયરાજભાઈ પીઠાભાઈ વાળાનું ઢીમ ઢાળી દીધું હતું. ત્યારે આ બનાવમાં રાજુભાઇ પીઠાભાઈ વાળા તથા તેમના પિતા પીઠાભાઈ વાળાને ગંભીર ઈજા થવા પામી હતી.
આ અંગેનો કેસ અત્રેની એડી. સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ જે.બી. રાજગોરની દલીલ માન્ય રાખી કોર્ટે આરોપી દિલુભાઈ ટપુભાઈ વાળાને કલમ 302માં આજીવન કેદ તથા અલગ અલગ કલમમાં રૂૂપિયા 64 હજારના દંડની સજાનો હુકમ કરેલ છે.