વડિયામાં નશીલા સિરપ પ્રકરણમાં ભાગેડુ આરોપી આવ્યો પોલીસ સકંજામાં
અમરેલીના વડિયામાંથી મસમોટું સિરપ પ્રકરણ પકડાયું હતું. આ પ્રકરણમાં મુખ્ય સુત્રધાર ગણાતા અને ભાગેડું જાહેર કરાયેલ અતુ ગોંડલીયાને પોલીસે હિરાસતમાં લીધો હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ થોડા દિવસો પહેલા વડિયા પંથકનાં ઢોળવા નાકા પાસેથી નશીલા શીરપની 430 બોટલ પકડાઇ હતી. આ ગુનામાં સુલતાનપુર ગામના ભાજપના અગ્રણી હિતેષ ગોંડલીયાના ભાઇ અતુલ ગોંડલીયાનું નામ બહાર આવ્યું હતું.
ભાજપ અગ્રણીના ભાઇ સુધી પોલીસ યેનકેન પ્રકારે પહોંચી શકી ન હતી છેવટે અતુલ ગોંડલીયાને પોલીસ થાણે હાજર કરવાં ચાર-પાંચ કાર પોલીસ સ્ટેશન પર ઘસી આવી હતી. જાણકારો કહે છે કે દૂબળો પાતળો આરોપી હોત તો પોલીસે ધોકા પછાડીને આરોપીને દબોચી લીધો હોત. પણ અહીં તો ભાજપના અગ્રણીનો ભાઇ શીરપકાંડમાં જાહેર થયો છે. ત્યારે ભાજપ અગ્રણીના ભાઇની રીમાન્ડ મંગાશે કે ભીનું સંકેલી લેવાશે? તેવા જાગૃત લોકોમાં સવાલો ઉઠયા છે.