For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્કૂલવર્ધીના વાહનો બીજા દિવસેય બંધ, RTOએ 12 મેમા ફાડ્યા

04:18 PM Jun 14, 2024 IST | admin
સ્કૂલવર્ધીના વાહનો બીજા દિવસેય બંધ  rtoએ 12 મેમા ફાડ્યા
Advertisement

ચેકિંગના ડરથી અને મેમો ભરવાના પૈસા નહીં હોવાથી વાન-રિક્ષા ચાલકોની લંબાયેલી હડતાળ: કોઇ સાંભળતું નથી અને સમય આપવા તૈયાર નહીં હોવાની રાવ

રાજકોટ સહીત રાજયભરમાં ગઇકાલથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. શાળાઓ શરૂ થતા જ આરટીઓ દ્વારા સ્કુલ વર્ધીના વાહન ચાલકો સામે તવાઇ બોલાવવામાં આવી છે અને 12 જેટલા વાહનોના મેમા ફાડયા હતા. જયારે ફાયર સેફટીના નિયમો અંતર્ગત સ્કુલ વાન ચાલકો દ્વારા સતત બીજા દિવસે પણ હડતાલ રાખતા વાલીઓની કસરત વધી ગઇ હતી.

Advertisement

સ્કુલવાન ચાલકોએ જણાવ્યું હતું કે હાલ અમારે ફિટનેસ, પાર્સીંગ સહીતની કામગીરી માટે સમયની જરૂરીયાત છે. છેલ્લા એક મહીનાથી અમારો ધંધો બંધ હતો. અમારો ધંધો રેગ્યુલર થઇ જશે અને આવક આવશે એટલે સરકારના જે નિયમો છે તે તમામ નિયમો પાળવા માટે સહમત છીએ. શાળા સંચાલકોને સમય આપવામાં આવે તો અમને કેમ નહીં. આ તમામ પ્રક્રીયા માટે સમય અને નાણાની જરૂરીયાત રહેતી હોય જે હાલ અમારી પાસે નથી. જેથી અમને સમય આપવામાં આવે.

વધુમાં સ્કુલવર્ધી એસોસીએશનના હોદેદારોએ જણાવ્યું હતું કે આરટીઓ કે અન્ય કોઇ અમારી વાત સાંભળવા તૈયાર નથી અને જેવા વાન ચાલકો પોતાનું વાહન લઇને સ્કુલવર્ધીમાં નિકળે છે તેવા જ આરટીઓ દ્વારા ચેકીંગ કરી અને મેમા પકડાવી દેવામાં આવી રહ્યા છે. હાલ અમારી પાસે ભારેખમ મેમા ભરવાના પૈસા નથી. ચેકીંગના ડરથી અને મેમો ભરવાના પૈસા અમારી પાસે નહીં હોવાથી આજે બીજા દિવસે પણ વાન રીક્ષા ચાલકો દ્વારા સ્વૈચ્છિક હડતાલ પાડવામાં આવી છે અને જયાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાલ લંબાશે.
આરટીઓ દ્વારા પણ આજે સતત બીજા દિવસે સ્કુલવાન અને રીક્ષા ચાલકો પર તવાઇ બોલાવવામાં આવી હતી અને સવારથી જ શાળાઓની આસપાસ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં 12 જેટલા સ્કુલવર્ધીના વાન અને રિક્ષા ચાલકો નિયમનો ભંગ થતો હોય તેને મેમો આપવામાં આવ્યા હતા. અને રૂ.65 હજાર જેટલો દંડ વસુલવામાં આવ્યો છે. આ કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવશે અને નિયમનો ભંગ કરનાર ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે.

સ્કુલવર્ધીના વાન અને રીક્ષા ચાલકો દ્વારા છેલ્લા બે દિવસથી સ્વૈચ્છિક હડતાલ પાડતા એસો. અને આરટીઓ તંત્ર વચ્ચે વાલીઓની કસરત વધી ગઇ છે. સવારે અને બપોરે પોતાના કામ ધંધા, રસોઇ અને નોકરીમાંથી રજા લઇ બાળકોને તેડવા-મુકવા જવું પડી રહ્યું હોવાથી અનેક વાલીઓની મુશ્કેલી વધી રહી છે અને શાળા છુટવાના સમયે ભારે ભીડ થતા પોતાના બાળકોને શોધવામાં જ કલાક નિકળી જતી હોવાની વ્યથા વાલીઓએ ઠાલવી હતી અને વહેલી તકે તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી વાલીઓમાં ઉઠી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સરકાર અને સરકારી વિભાગો ફાયર સેફટી અને બાળકોની સુરક્ષા માટે કડક નિયમો બનાવ્યા છે જેના કારણે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement