For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત સરકારના નિવૃત્ત IAS એસ.કે. નંદાનું અમેરિકામાં નિધન

11:56 AM Jul 27, 2024 IST | Bhumika
ગુજરાત સરકારના નિવૃત્ત ias એસ કે  નંદાનું અમેરિકામાં નિધન
Advertisement

ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ અધિકારી સુદીપકુમાર (એસકે) નંદા (68) નું શુક્રવારે નિધન થયું છે. તેઓ તેમની પુત્રીને મળવા માટે અમેરિકા ગયા હતા. તેઓ જ્યારે નિવૃત્ત થયા ત્યારે તેમનું પોસ્ટીંગ રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ તરીકે થયું હતું. તેમની કારકિર્દીમાં તેમણે એવા ઘણાં નિર્ણયો લીધા હતા કે જે લોકોની સુખાકારી માટે મહત્વના હતા.

પહેલી ફેબ્રુઆરી 1956માં જન્મેલા ડો. નંદાએ રાજ્ય સરકારની ફરજો દરમ્યાન અનેક મહત્ત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. આરોગ્ય વિભાગમાં તેમની સેવાઓને ઘણી વખત બિરદાવવામાં આવી છે. ભૂજના ભૂંકપની રાહત કામગીરીની દેખરેખ રાખવા માટે અને વિનાશ બાદ રોગચાળો ફેલાય નહીં તેની ખાતરી કરવા માટેની નોંધ લેવાઇ હતી. સરકારની નીતિ વિષયક બાબતો થી આયુર્વેદ, આદિજાતિ વિકાસ અને રક્તદાનમાં તેમનો મોટો ફાળો રહ્યો છે. રાજ્યના દુર્ગમ વિસ્તારોમાં જ્યાં કોમ્યુનિકેશન ન હતું ત્યાં હેમ રેડિયો સિસ્ટમનો તેમણે આવિશ્કાર કર્યો હતો. 1978 બેચના અધિકારી એસકે નંદાએ ફિલ્ડ લેવલે ડાંગ, વડોદરા, પંચમહાલ, બનાસકાંઠા અને જૂનાગઢ જિલ્લાઓમાં મદદનીશ કલેક્ટર અને કલેક્ટર તરીકે કામ કર્યું હતું. 1984માં પાણીની અછત, 1985-86માં દુષ્કાળની પરિસ્થિતિ અને આપત્તિઓના સમયમાં તેમણે આરોગ્ય, જળ, કાયદો અને વ્યવસ્થા, પર્યાવરણ તેમજ વનીકરણ ક્ષેત્રે ઉમદા કામ કર્યું છે.

Advertisement

સરકારમાં તેમણે આરોગ્ય, ગૃહ ઉપરાંત નાગરિક પુરવઠા, પ્રવાસન, વન અને પર્યાવરણ સહિત અનેક વિભાગોમાં કામ કર્યું છે. તેઓ ગુજરાતના ચીફ સેક્રેટરી પદના પ્રબળ દાવેદાર હતા પરંતુ ચીફ સેક્રેટરી પદેથી વરેશ સિંહાની નિવૃત્તિ પછી 2014માં રાજ્ય સરકારે તેમને જીએસએફસીમાં એમડી બનાવી ડો. ડીજે પાંડિયનને આ પદ માટે પસંદ કર્યા હતા. ડાંગ જિલ્લાના વાલી તરીકે તેમણે વર્ષો સુધી કામ કર્યું છે. મૂળ જગન્નાથ પુરી (ઓરિસ્સા)ના વતની એવા નંદાએ નિવૃત્તિ પછી ગાંધીનગરમાં વસવાટ પસંદ કર્યો હતો. ઓરિસ્સાના ગુજરાતમાં વસતા નાગરિકો માટે તેમણે ગાંધીનગર પાસેના અડાલજમાં પુરીની રેપ્લિકા જેવું ભગવાન જગન્નાથનું મંદિર નિર્માણ કર્યું હતું.

ડો. એસ.કે.નંદા નિવૃત્ત આઈએએસ અધિકારી હતા. તે એક સિનિયર આઈએએસ અધિકારી હતા અને ગુજરાત સરકારમાં તેમની કારકિર્દી મહત્ત્વપૂર્ણ રહી. તેઓ ગુજરાતના મહત્ત્વના વિભાગો જેવા કે હેલ્થ, ટુરિજમ, ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ, ફાઈનાન્સ, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, ફોરેસ્ટ એન્ડ એન્વાયરોન્મેન્ટ સંભાળી ચૂક્યા હતા. તેમણે મેનેજમેન્ટ થા વહીવટ, ફાઈનાન્સ અને હેલ્થ સેક્ટરમાં સારો એવો અનુભવ હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement