નવદુર્ગાની નવ રાતો
ભારતની સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ સ્થાન રહ્યું છે. ખાસ કરીને નવરાત્રીનો તહેવાર તો નાના મોટા બધા માટે આનંદ, ભક્તિ અને એકતાનો અદ્ભૂત સમન્વય છે. આસો માસમાં આવતો આ નવ દિવસનો તહેવાર માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે. બંગાળમાં દુર્ગાપૂજાની ઉપાસના અને ગુજરાતમાં મા અંબા અને બહુચરાજીની સ્તુતિ થાય છે.
નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂૂપોની પૂજા, ઉપાસના અને વ્રત પણ કરવામાં આવે છે. લોકો નવદુર્ગાનું પૂજન કરીને ઘેર ઘેર ગરબામાં દીવડા પ્રગટાવીને અખંડ ગરબો પ્રજ્વલિત કરે છે. દેવી દુર્ગામા એ શક્તિનું પ્રતિક છે. નવ દિવસ સુધી દેવીના પ્રત્યેક રૂૂપની પૂજા કરીને ભક્તો પોતાના જીવનમાંથી અંધકાર અને દુ:ખ દૂર કરવા પ્રાર્થના કરે છે. નવ દિવસ સુધી મા દુર્ગાએ અસત્ય સામે લડીને નારીને અબળા સમજનારની મનોસ્થિતિ ભાંગીને સત્યનો વિજય મેળવ્યો હતો.
ગુજરાતના ગરબા અને દાંડિયા રાસની રમઝટ વિશ્વના ખૂણે ખૂણે પ્રસિદ્ધ છે. યુવાનિયાઓ રંગબેરંગી કેડિયા, કુર્તા તેમજ દીકરીઓ ચણિયાચોળી જેવા ટ્રેડિશનલ પોશાકમાં પરંપરા અને આધુનિકતા એક સાથે સંગીતના તાલે ઝૂમતાં હોય છે. દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ નવરાત્રીનો તહેવાર ખૂબ પરંપરાગત રીતે ઉજવાય છે. આ તહેવારમાં લોકો એકબીજા વચ્ચેના ભેદભાવોને ભૂલીને સૌ એક તાલે ખેલતા હોય છે. ગરીબ - ધનવાન, નાનો- મોટો, સ્ત્રી - પુરુષ સૌને એક મંચ પર લાવીને એકતાનો સંદેશો પાઠવે છે.
નવરાત્રીનો તહેવાર ભક્તિ અને સંસ્કૃતિનો તહેવાર છે. ગામડાઓમાં તો નાના નાના ભૂલકાંઓમા અંબેના ગીતોના તાલે લયબદ્ધ ખેલતા હોય છે. આવી ભૂલકાં ગરબીના આયોજકો મન મૂકીને બાળકોને ઈનામ, લાણી વગેરે આપતા હોય છે. યુવાનો હોય કે ભૂલકાંઓ આ દિવસોમાં પોતાના અંદરના થાકને, કામને કે અભ્યાસને ભૂલીને ભક્તિ અને ઉમંગથી ઝૂમી ઉઠે છે. સોશિયલ મીડિયા પર ગરબાના ફોટા, વીડિયો કે રિલ્સ આખા વિશ્વમાં ગુજરાતની એક આગવી ઓળખ ઊભી કરે છે. ખરેખર, ગરબા એ ગુજરાતની શાન છે.
નવરાત્રી જો પરંપરાગત રીતે ઉજવાય તો તહેવારની મજા બમણી થઈ જાય છે. આજે પ્રાચીન ગરબાની સાથે સાથે અર્વાચીન ગરબાએ ખૂબ જોર પકડ્યું છે. શહેરોમાં ઠેર ઠેર દાંડિયારાસનાં આયોજન થતાં હોય છે. ઘણાં સ્થળે તો ગરબા દરમિયાન અનાવશ્યક ધક્કામુક્કી કે છેડછાડ પણ થતી હોય છે. યુવાનો ગરબામાં ભક્તિનો માહોલ બગાડીને મોજમસ્તીનું મેદાન બનાવી નાખે છે. આ દિવસોમાં દીકરીઓ પણ કોઈ ડર વગર બહાર તો નીકળી જાય છે, પરંતુ ઘણીવાર કોઈ હવસખોરના હાથમાં જો આવી જાય તો પોતાની જિંદગી પણ બરબાદ થઈ જાય છે.
ખાસ કરીને દીકરીઓ જો સજાગ બનીને ગરબા રમવાના આશયે જ જતી હોય તો કોઈ તેનો વાળ પણ વાંકો ના કરી શકે, બાકી રખડું ટોળકીનાં ચક્રવ્યૂહમાં ફસાતાં જરા પણ વાર લાગતી નથી. ઘરમાંથી રાત્રે બહાર નીકળવાની આઝાદીને પ્રેમના ચૂંગાલમાં ફસાવનારની આજે કમી નથી. દેવી દુર્ગામાંના પર્વમાં દીકરીઓએ જરૂૂર પડ્યે ચંડી બનવું પડે તો ચંડી પણ બની જવું જોઈએ. વધુ પડતી સ્વતંત્રતા ક્યારેક તણાવ, ગેરસમજ કે ભયાનક સ્વરૂૂપ પણ ધારણ કરી શકે છે. નવરાત્રીનું આનંદમયી પર્વ કોઈના જીવનમા પ્રકાશની જગ્યાએ અંધકારના ફેલાવે એ માટે ખાસ સૌએ ધ્યાન રાખવું જોઈએ.
નવરાત્રીનો મૂળ આશય તો માતાજીની ઉપાસના, પૂજા અને સદાચારનું પાલન એ જ આપણી સંસ્કૃતિ છે. જો આ આનંદ મર્યાદા વિનાનો આનંદ હોય તો પર્વની પવિત્રતા ખોવાઇ જાય છે. આજે યુવાનોની નવરાત્રીમાં ભાતીગળ પોશાક, આનંદ અને મિત્રતા છે તો બીજી તરફ પડછાયામાં દેખાડો અને ગેરરીતિઓ પણ છલકાય છે. ખરી નવરાત્રી એ છે કે જ્યાં ફેશનમાં પણ સંસ્કાર હોય, મસ્તીમાં પણ મર્યાદા હોય અને ભક્તિમાં ખૂબ આનંદ હોય.