For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્રમાં પ્રમાણમાં ઓછું અને આદિવાસી વિસ્તારમાં ભારે મતદાન

01:34 PM May 07, 2024 IST | Bhumika
સૌરાષ્ટ્રમાં પ્રમાણમાં ઓછું અને આદિવાસી વિસ્તારમાં ભારે મતદાન
Advertisement

પ્રથમ બે કલાકમાં ગુજરાતમાં સરેરાશ 9.87 ટકા મતદાનની સામે સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠક ઉપર સરેરાશ 8.97 ટકા મતદાન નોંધાયું

પોરબંદરમાં સૌથી ઓછું 7.84 અને સુરેન્દ્રગનરમાં સૌથી વધુ 9.43 ટકા મતદાન, સાંજ સુધીમાં 60 ટકા ઉપર વોટિંગ થવાનો અંદાજ

Advertisement

ગુજરાતમાં આજે સવારથી જ 25 લોકસભા બેઠકો ઉપર મતદાનનો પ્રારંભ થયો છે. ભારે ગરમીના કારણે સવારે 7 વાગ્યાથી જ મતદારો મતદાન માટે ઉત્સાહપૂર્વક નીકળી પડયા હતાં. પરંતુ ગુજરાતમાં સવારના પ્રથમ બે કલાકની મતદાનની ટકાવારી જોતા સૌરાષ્ટ્રનાં પ્રમાણમાં ગુજરાતમાં મતદાનનું પ્રમાણ ઉંચુ જોવા મળ્યું છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં પ્રથમ બે કલાકમાં ધીંગુ મતદાન નોંધાયું છે. ત્યારે તેના પ્રમાણમાં સૌરાષ્ટ્રમાં મતદાન એક ટકા જેવું નીચુ નોંધાયેલ છે.

ગુજરાતમાં 25 બેઠકો ઉપર પ્રથમ બે કલાકમાં સરેરાશ 9.87 ટકા મતદાન નોંધાયેલ છે તેની સરખામણીમાં સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો ઉપર સરેરાશ 8.97 ટકા મતદાન નોંધાયું છે. મતલબ કે ગુજરાતની સરખામણીએ સૌરાષ્ટ્રમાં પ્રારંભીક મતદાન થોડુ ધીમુ જણાયું છે. ગુજરાતની હાઈવોલ્ટેજ સીટ પૈકીની બનારસકાંઠા સિટ ઉપર સૌથી વધુ 12.28 ટકા મતદાન નોંધાયેલ છે. આ બેઠકમાં આવતાં દાતાના બે બુથો ઉપર પ્રથમ બે કલાકમાં અનુક્રમે 15.21 ટકા અને 16.59 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે દિયોદરમાં 14.55 ટકા મતદાન પ્રથમ બે કલાકમાં જોવા મળ્યું હતું.

રાજ્યમાં સૌથી ઓછું મતદાન પોરબંદર બેઠક ઉપર 7.84 ટકા નોંધાયું છે. પ્રથમ બે કલાકમાં આ મત વિસ્તારમાં આવતાં કુતિયાણામાં માત્ર 5.80 ટકા જ મતદાન થયું હતું. જ્યારે જૂનાગઢના કેશોદમાં 6.65 ટકા અને જૂનાગઢમાં 7.04 ટકા મતદાન નોંધાયેલ છે.

આ સિવાય સૌરાષ્ટ્રની અન્ય બેઠકો જોઈએ તો અમરેલીમાં 9.13 ટકા, ભાવનગરમાં 9.20 ટકા, જામનગરમાં 8.55 ટકા, જૂનાગઢમાં 9.05, કચ્છમાં 8.79, રાજકોટમાં 9.77 અને સુરેન્દ્રનગરમાં 9.43 ટકા મતદાન પ્રથમ બે કલાકમાં જોવા મળ્યું હતું સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મતદાન સુરેન્દ્રનગર જિલ્લામાં 9.43 અને બીજા ક્રમે ભાવનગરમાં 9.20 ટકા નોંધાયેલ છે. સૌરાષ્ટ્રમાં કોઈપણ સ્થળે સવારે મોટી માથાકુટ કે છમકલાના અહેવાલો મળતાં નથી લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહેલા નજરે પડતાં હતાં. અમુક સ્થળે ઈવીએમ ખોટવાવાની સમસ્યા સિવાય કોઈ મોટી સમસ્યા બહાર આવી નથી. તમામ સ્થળે ચુસ્ત બંદોબસ્ત હોવાથી બપોર સુધી શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. સાંજ સુધીમાં સૌરાષ્ટ્રમાં 60 ટકા આસપાસ મતદાન નોંધાવવાનો અંદાજ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement