For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ, બે લાખ રોજગારી ઉપર સંકટ

11:59 AM May 15, 2024 IST | Bhumika
હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ  બે લાખ રોજગારી ઉપર સંકટ
Advertisement

40 ટકા કારખાનાઓને તાળાં, બે-બે યુદ્ધના કારણે કાચા માલની આવકને ફટકો, તૈયાર માલ પણ ઉપડતો નથી

એકલા ભાવનગર જિલ્લામાં જ ત્રણ હજાર કારખાના, સમગ્ર ગુજરાતમાં 20 લાખ લોકોને મળે છે રોજગારી

Advertisement

ભાવનગર જિલ્લામાં હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ સર્જાયો છે. 3 હજારથી વધુ કારખાનાઓમાં રોજગારી મેળવતા 2 લાખથી વધુ રત્નકલાકારો માટે બેરોજગારીનું સંકટ ઉભુ થયું છે. અસહનીય મંદીને કારણે હીરાના કારખાનાઓ બંધ થઈ રહ્યા છે. તેમજ અનેક કારખાનાઓ બંધ થવાના આરે ઉભા છે. માત્ર હીરા ઘસવાનો વ્યવસાય કરતા કારીગરોને બીજો કોઈ ધંધો પણ આવડતો ના હોય પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું એ સૌથી મોટો પ્રશ્ન હાલ ઉપસ્થિત થયો છે.

જ્યારે હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ અને કારીગરોને માટે અન્ય રોજગારીની તકો પણ નથી. જેના કારણે બેરોજગારીનું પ્રમાણ મોટાપાયે વધી શકે એવી સ્થિતિને પગલે ભાવનગર ડાયમંડ એસોસિએશન પણ ચિંતામાં છે. આવી કપરી સ્થિતિ સરકાર માટે પણ ચિંતાનો વિષય છે.

ગુજરાતમાં હીરા ઉદ્યોગ સાથે 20 લાખ કરતા વધુ કારીગરો અને વેપારીઓ સંકળાયેલા છે. અને એ હીરા બજાર પર હાલ મંદીના વાદળો છવાયા છે. જેના કારણે વેપારીઓ સાથે કારીગરો પણ મુશ્કેલીમાં મુકાયા છે. પહેલા યુક્રેન રશિયા અને બાદ ઇઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધને કારણે હીરા માટેનો વિદેશથી આવતો કાચો માલ બંધ થયો છે અને તૈયાર માલનો ઉપાડ પણ ઓછો થઈ રહ્યો છે. હીરાની કાચી રફ ઓછી આવતી હોય મોંઘા ભાવે રફ ખરીદવી પડે છે. જેના કારણે કારખાનેદારો ના ખર્ચમાં પણ વધારો થાય છે. જેના કારણે નેચરલ ડાયમંડના વેપારને પણ અસર પહોંચી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. મંદી ના કારણે છેલ્લા કેટલાક સમયથી રત્નકલાકારોને છૂટા કરવામાં આવી રહ્યા છે. અને બંધ થયેલા હીરા ઉત્પાદનના નાના એકમો તો મંદી હટે નહિ ત્યાં સુધી બંધ જ રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ભાવનગરમાં બે લાખથી વધુ કારીગરો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ડાયમંડ એસોસિએશનના જણાવ્યા અનુસાર ભાવનગર જિલ્લામાં 3 હજાર જેટલા કારખાના અને 3 હજાર જેટલી હીરાની ઓફિસો છે. હીરાના કારખાનાઓમાં બે લાખથી વધુ કારીગરો કામ કરે છે. ભાવનગર, મહુવા, તળાજા, ગારિયાધાર સહિતના તાલુકા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. જેમાં 15 ટકા જેટલા કારખાનાઓ બંધ થતાં તેની સાથે સંકળાયેલા 40 ટકા લોકોને મંદી ની અસર થઈ છે. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે સરવાળે તો રત્નકલાકારોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.

મંદીના કારણે કારખાનાં બંધ થતા રત્નકલાકારોને બેરોજગાર થવાનો વારો આવે છે. હીરાના કારખાનામાં કલાકોના કલાકો કામ કરતા રત્નકલાકાર નો એક જ સવાલ છે. કે મારી રોજગારીનું શું. જો એ છૂટો થઈ ગયો તો પછી નવું કામ કયાંથી શોધશે અને કઈ રીતે શોધશે? કેટલાક રત્નકલાકારો તો એવા છે કે જેને ખેતીકામ આવડે છે. એટલે એવા રત્નકલાકારો તો વતન ભણી રવાના થઈને ખેતી પણ કરી લેશે, પરંતુ જેનું ઘર કે પરિવાર માત્ર રત્નકલાકાર તરીકેની કામગીરી ઉપર જ નભે છે તેનુ શું.. ત્યારે આવા સમયે રત્નકલાકારોએ સરકાર પાસે રત્નકલાકાર માટેની કોઈ યોજના શરૂૂ કરવાની પણ માંગ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement