For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજુબાપુએ રડતા રડતા બે હાથ જોડી માફી માગી

04:35 PM May 21, 2024 IST | Bhumika
રાજુબાપુએ રડતા રડતા બે હાથ જોડી માફી માગી
Advertisement

ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીકના ગામમાં ચાલી રહેલી કથા દરમિયાન કથાકાર રાજુગીરી બાપુએ વ્યાસપીઠ પરથી બફાટ કર્યો હતો. વ્યાસપીઠ પરથી વિવાદિત નિવેદન આપવા બદલ રાજુગીરી બાપુ સામે કોળી-ઠાકોર સમાજમાં આક્રોશ વધ્યો છે.

મહામંડલેશ્વર ભારતી બાપુએ પણ રાજુગીરી બાપુના નિવેદનને વખોડ્યુ છે, જ્યારે કોળી સમાજ દ્વારા રાજુગીરી બાપુનો કોઈ જગ્યાએ સપ્તાહ નહીં થવા દઈએ તેવી ચીમકી અપાઈ છે.

Advertisement

આ મામલે રાજુ બાપુએ કરેલા અપમાન બાદ કોળી-ઠાકોર સમાજ લાલઘૂમ થયો છે અને અમરેલીમાં રાજુ બાપુના નિવાસસ્થાને ઘેરાવ કર્યો હતો. બીજી તરફ રાજુગીરી બાપુએ ફરી એકવાર માફી માગી હતી. અને ધૃસ્કે ધૃસ્કે રડ્યા હતાં.

આ ઘટનાના વિરોધમાં અમરેલીમાં આવેલા કથાકાર રાજુબાપુના નિવાસસ્થાને કોળી ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા જેસર રોડ સ્થિત રહેણાક નિવાસસ્થાને કોળી ઠાકોર સમાજના લોકો આવ્યા હતા અને ‘રાજુ બાપુ ઢોંગી છે’, ‘રાજુ બાપુ હાય હાય’ના નારા લગાવ્યા હતા. આ પરિસ્થિતિને જોતા કથાકાર રાજુબાપુના નિવાસસ્થાને પોલીસ અધિકારીઓનો કાફલા તૈનાત કરાયો હતો.જો કે, વિરોધ વધુ વકરતા રાજુ બાપુએ ફરી એકવાર જાહેરમાં માફી માગી છે. કથાકાર રાજુ બાપુએ જાહેરમાં રડતા રડતા માફી માગી છે. દરમિયાન, માનવમંદિરના સંત ભક્તિરામ બાપુ પણ હાજર રહ્યા હતા.

જો કે, રાજુ બાપુ દ્વારા માફી માગ્યા બાદ પણ કોળી-ઠાકોર સમાજમાં આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે અને સમાજના લોકો રાજુબાપુને 5 વર્ષ સુધી કથા ન કરવા દેવાની માગ કરી રહ્યા છે. માહિતી મુજબ, આ મામલે આવતીકાલે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરશે. સાથે જ રાજુ બાપુ સામે કાયદાકીય પગલાં લેવાની પણ કોળી ઠાકોર સમાજે માગ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement