દિવાનપરાનું આગ દુર્ઘટનાગ્રસ્ત આખું બિલ્ડિંગ ગેરકાયદેસર હોવાનો ધડાકો
ફાયરના સાધનો કે એનઓસી ન હતી, દિવાનપરામાં 20મી શેરીમાં પાંચ માળના બિલ્ડિંગને મંજૂરી કોણે આપી તપાસનો વિષય
સોલાર પેનલ કવર કરવા ગેરકાયદેસર ડોમ બનાવ્યા હોવાનો ટીપી વિભાગનો હાસ્યાસ્પદ જવાબ: સરકારના પરીપત્રમાં ફકત સૂચનાઓ અપાઇ પણ સત્તા ન આપતા ફાયર વિભાગની મુશ્કેલીમાં વધારો
શહેરમાં સોની બજારમાં ગઇકાલે ટીઆરપી ગેમઝોન વાળી થતા થતા રહી ગઇ હતી છતા પાંચ માળની બિલ્ડિંગમાં એક એકમાં લાગેલ આગમાં એક વ્યકિતનું મોત નીપજ્યુ છે. ત્યારે ફરી વખત તંત્ર દ્વારા એક બીજા વિભાગ ઉપર જવાબદારીની ફેકાફેંકી કરવાનુ ચાલુ કરી દીધુ છે.ફાયર વિભાગે બિલ્ડિંગના સાધનો અને એનઓસી ન હોવાનું જણાવી હાથ ઉચા કરી દીધા છે. જેની સામે ટીપી વિભાગે પોતાનો બચાવ કરવા બિલ્ડિંગ ઉપર બનાવવામાં આવેલ ગેરકાયદેસર ડોમ સોલાર પેનલને કવર કરવા માટે બનાવ્યો હોવાનું હાસ્યાસ્પદ નિવેદન આપી તપાસ થશે તેવા રાગ આલપવાના ચાલુ કરી દીધા છે.
સોની બજારમાં દિવનાપરામાં આવેલ એક પાંચ માળના બિલ્ડિંગમાં ગઇકાલે રાત્રે આગની દુર્ઘટના સર્જાઇ આ સ્થળે ચાર લોકો આગની લપેટમાં આવી ગયાનું જાણવા મળેલ તેમજ દુર્ઘટનામાં એક વ્યકિતનું મોત નીપજ્યુ છે.
જેના લીધે તંત્ર ફરી વખત સફાળુ જાગ્યુ છે અને જવાબદારીની ફેકાફેંકી કરવા લાગ્યુ છે. પાંચ માળના બિલ્ડિંગ માટે ફાયર એનઓસી હતી કે, કેમ ? તે અંગે તપાસ કરતા માલુમ પડેલ કે, જૂના રાજકોટમાં સાકડી ગલ્લીઓમાં આવેલ બિલ્ડિંગોને ફાયર એનઓસી આપવામાં આવ્યા નથી. આથી દુર્ઘટના વખતે ફાયરના સાધનો ન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું અને એક વ્યકિતને જીવ ગુમાવાનો વારો આવ્યો છે.
સાંકડી શેરીમાં પાંચ માળનું બિલ્ડિંગ કઇ રીતે ખડકાઇ ગયું તે મુદ્દે ટીપી વિભાગમાં તપાસ કરતા ટાઉન-પ્લાનરે જણાવેલ કે, 10 વર્ષ જૂની બિલ્ડિંગ છે અને આ બિલ્ડિંગને કમ્પ્લીશન સર્ટી મળી ગયેલ છે. પરંતુ ગેરકાયદેસર ડોમ સોલાર પેનલ કવર કરવા માટે બનાવવામાં આવ્યો હોવાનું જણાવી બનાવથી પીછો છોડવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ગઇકાલની દુર્ઘટનામાં ફરી વખત ફાયર સેફટીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
જુના રાજકોટના અનેક વિસ્તારોમાં સાકડી શેરીઓમાં આવેલ ઇમારતો કે, જયાં ફાયર ફાઇટર પહોંચી શકે તેમ નથી. જેના લીધે વિભાગ દ્વારા આવા વિસ્તારોનો સર્વે કરવામા પણ આવ્યો નથી. તેવી જ રીતે 10 વર્ષ પહેલા જૂની એફએસઆઇ મુજબ 20 ફૂટની શેરીમાં પાંચ માળના બાંધકામને મંજૂરી મળવા પાત્ર ન હતી. છતાં તે સમયે દિવાનપરાનું આ બિલ્ડિંગ કોના આર્શીવાદથી તૈયાર થઇ ગયુ અને કમ્પ્લીશન પણ મળી ગયુ તે તપાસનો વિષય બને છે. છતાં આજની દુર્ઘટનાએ ફરી એક વખત તંત્રની લાલીયા વાડી અને બેદરકારીને ખુલ્લી પાડી છે અને આ આખે આખુ બિલ્ડિંગ ગેકાયદેસર હોવાનુ બહાર આવ્યુ છે.
સરકારના પરીપત્રની વિસંગતાના કારણે અડધો અડધ ફટાકડા સ્ટોલ ગેરકાયદેસર
સોની બજારની દુર્ઘટના બાદ લોકો ફાયરના સાધનો અને ફાયર એનઓસી મેળવવામાં બેદરકારી દાખવતા હોવાનુ બહાર આવ્યુ છે. ત્યારે શહેરમાં ચોકે ચોકે ઉભા થયેલા ફટાકડાના સ્ટોલ પણ મોટી દુર્ઘટના સર્જી શકે તેવો ભય ખુદ ફાયર વિભાગ દર્શાવી રહ્યુ છે. સરકારની ગાઇડલાઇન મુજબ 500 મીટરથી ઓછી જગ્યામાં સ્ટોલ કરનારે પણ ફાયર સેફટીને લગતા છ સાધનો રાખવા ફરજિયાત છે. છતાં વેપારી એસોસીએશન દ્વારા ગઇકાલે ફાયર વિભાગમાં રજૂઆત કરી નિયમોમાં રીલેસેકશન આપવાની માંગ કરી હતી. પરંતુ ફાયર વિભાગે સરકારના નિયમ મુજબ બધુ થશે તેમ જણાવેલ અને વધુમાં જણાવેલ કે, સરકારે પરીપત્ર જાહેર કરી ફટાકડાના સ્ટોલમાં નિયમ મુજબના સેફટીના સાધનો હોયતો અભિપ્રાય ફાયર વિભાગે આપ્યો તેવી સૂચના અપાઇ છે. જેના સામે ગલ્લીએ ગલ્લીએ ઉભા થયેલા મોટા ભાગના સ્ટોઇ ધારકો પાસે ફાયર સેફટીના સાધનો રાખવાની જગ્યા ન હોવાથી ફાયર વિભાગ ઇભપ્રાય નહીં આપે જેના કારણે પોલીસ વિભાગ અભિપ્રાય વિભાગ સ્ટોલ ખોલવાનુ લાયસન્સ પણ નહીં આપે આથી હાલમાં ઉભા થયેલા સેંકડો સ્ટોલ પૈકી 50% સ્ટોલ ધારકોને લાયસન્સ નહીં મળવાની સંભાવના જોવાઇ રહી છે. જયારે બીજી તરફ આ પ્રકારના ફટાકડા સ્ટોલ વગર લાયસન્સે ચાલુ પણ રહે તેવુ લાગી રહ્યુ છે. સરકારે પરીપત્રમાં ફરત સૂચનાઓ આપી ફાયર વિભાગને ફાયર સેફટીની અમલવારી થાય તે જોવાનુ કહ્યુ છે. પરંતુ મંજૂરી વગરના ફટાકડાના સ્ટોલ બંધ કરાવવા કે, સીલ કરવાની સતા આપેલ ન હોય ફાયર વિભાગ પણ મૂઝવણમાં મુકાઇ ગયું છે.