‘તું મારા કાકી સામે કેમ જુએ છે’, કહેતા યુવાન ઉપર તલવારથી જીવલેણ હુમલો
શહેરના નવા થોરાળામાં ગોકુલપરામાં ‘તુ મારા કાકી સામે કેમ જુએ છે’ તેમ કહેતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ તલવારથી જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓને સંકજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ નવા થોરાળામાં ગોકુલપરામાં રહેતા કિશોરભાઇ જેન્તીભાઇ ખીમસુરીયા (ઉ.વ.40) નામના યુવાન ઉપર પ્રફુલ રવજીભાઇ ડાંગર, પ્રકાશ ગોવિંદભાઇ ખીમસુરીયા અને યોગેશ ખીમસુરીયાએ ઝઘડો કરી તલવાર વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી હુમલામાં ઘવાયેલા કિશોરભાઇને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
આ બનાવમાં પોલીસે ઇજાગ્રસ્ત કિશોરભાઇના બેન જાગૃતિબેન રવજીભાઇ મુછડીયા (ઉ.વ.34)ની ફરિયાદ પરથી આરોપીઓ વિરૂદ્ધ હત્યાની કોશિષ, ખૂનની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ઇજાગ્રસ્ત કિશોરભાઇએ આરોપપીને તુ મારા કાકી સામે કેમ જુએ છે તેમ કહેતા જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે પોલીસે ગણતરીની કલાકોમાં જ ત્રણેય હુમલાખોર આરોપીઓને સંકજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.