For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હીમાં વરસાદી તબાહી, બે બાળકો સહિત સાતનાં મોત, અનેક વિસ્તારો પાણીમાં

05:23 PM Jun 29, 2024 IST | admin
દિલ્હીમાં વરસાદી તબાહી  બે બાળકો સહિત સાતનાં મોત  અનેક વિસ્તારો પાણીમાં

ગઇકાલે દિલ્હીમાં પડેલા વરસાદે રાજધાનીમાં એવી તબાહી મચાવી હતી કે તેના દાગ હજુ સુધી સાફ થયા નથી. ગુરુવારે મોડી રાતથી શુક્રવાર સવાર સુધી પડેલા વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આના કારણે ઓછામાં ઓછા 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્થિતિ એટલી વિકટ બની હતી કે બસો અને ટ્રકો પણ પાણીમાં ગરકાવ થતા જોવા મળ્યા હતા. આ પછી રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે આવી અને ચાર્જ સંભાળ્યો અને લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા.પરંતુ તેમ છતાં 4 અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં 8 અને 10 વર્ષના બે બાળકો પણ સામેલ હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ બંને બાળકો રમતા રમતા પાણીમાં ડૂબી ગયા હતા જેના કારણે તેમનું મોત થયું હતું. આ સિવાય અન્ય એક ઘટનામાં અંડરપાસમાં વરસાદી પાણીમાં ડૂબી જવાથી એક વૃદ્ધનું મોત થયું હતું.વસંત વિહારમાં પણ ત્રણ મજૂરોના મોત થયા હતા. વાસ્તવમાં, ભારે વરસાદને કારણે વસંત વિહારમાં એક નિર્માણાધીન દિવાલ ધરાશાયી થઈ ગઈ, જેના કારણે ત્રણ મજૂરો કાટમાળમાં ફસાઈ ગયા અને મૃત્યુ પામ્યા. રેસ્ક્યુ ટીમે ત્રણેય મજૂરોના મૃતદેહને બહાર કાઢ્યા છે. આ ઉપરાંત ભારે વરસાદને કારણે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1ની છતનો એક ભાગ તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ફ્લાઈટ ઓપરેશન સ્થગિત કરવામાં આવ્યું હતું.ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. નવા ઉસ્માનપુર વિસ્તારના લોકોને પણ પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન શુક્રવારે સાંજે બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા.

Advertisement

જણાવવામાં આવી રહ્યું છે કે આ બાળકો પાણીથી ભરેલા ખાડામાં રમી રહ્યા હતા.હવામાન વિભાગના ડેટા અનુસાર, શહેરમાં 1936 પછીના છેલ્લા 88 વર્ષોમાં જૂન મહિનામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે અને 1901 થી 2024ના સમયગાળામાં બીજો સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

શુક્રવારે વહેલી સવારે ભારે વરસાદે રાષ્ટ્રીય રાજધાનીને ઘૂંટણિયે લાવી દીધું હતું, પરિણામે રોહિણી વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી 39 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ સિવાય વસંત વિહારમાં નિર્માણાધીન દિવાલ ધરાશાયી થતાં ત્રણ મજૂરો નીચે દટાયા હતા. દિલ્હીના લોકો સવારે જાગ્યા ત્યાં સુધીમાં ભારે વરસાદે રાજધાનીને ભીંજવી દીધી હતી. આ સમય દરમિયાન, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, વાહનો ડૂબી ગયા હતા અને માઇલો લાંબો ટ્રાફિક જામ હતો, જેને સમાપ્ત થવામાં કલાકો લાગ્યા હતા. હજારો મુસાફરો રસ્તાઓ પર ફસાયેલા રહ્યા, જેમાંથી ઘણા તેમની ઓફિસ અને અન્ય કામ પર જઈ શક્યા ન હતા. વરસાદ બાદ પ્રગતિ મેદાન ટનલ બંધ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત, લ્યુટિયન્સ દિલ્હી, હૌઝ ખાસ, સાઉથ એક્સ્ટેંશન અને મયુર વિહાર જેવા પોશ વિસ્તારો સહિત શહેરભરના ઘરોમાં પાણી ભરાઈ જવાના અહેવાલો છે.

Advertisement

સફદરજંગ ઓબ્ઝર્વેટરી, શહેરનું પ્રાથમિક હવામાન મથક, શુક્રવારે સવારે 8:30 વાગ્યા પહેલાના 24 કલાકમાં 228.1 મીમી વરસાદ નોંધાયો હતો, જે જૂનના સરેરાશ 74.1 મીમી વરસાદ કરતાં ત્રણ ગણો વધુ હતો. 1936 પછી 88 વર્ષમાં આ મહિનામાં આ સૌથી વધુ વરસાદ છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) અનુસાર, એક દિવસમાં 124.5 થી 244.4 મીમી સુધીના વરસાદને ભારે વરસાદ ગણવામાં આવે છે. આઇએમડીએ કહ્યું કે દિલ્હીમાં ચોમાસું આવી ગયું છે.

એઇમ્સમાં પાણી ભરાઇ જતાં 9 ઓપરેશન થિયેટર બંધ
દિલ્હીમાં વરસાદને કારણે એઈમ્સના ઓપરેશન થિયેટરને પણ અસર થઈ છે. વરસાદના કારણે દિલ્હી એઈમ્સના એક-બે નહીં પરંતુ નવ ઓપરેશન થિયેટર બંધ રહ્યા હતા. ઓપરેશન થિયેટરો બંધ હોવાને કારણે ડઝનબંધ સર્જરીઓને અસર થઈ હતી.ખાસ કરીને જે દર્દીઓ શુક્રવારે સર્જરી કરાવવા જતા હતા તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલના સ્ટોર રૂૂમમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. AIIMSએ પોતાના આદેશમાં કહ્યું છે કે જે દર્દીઓને ઈમરજન્સી સર્જરીની જરૂૂર હોય તેમને સફદરજંગ અને રાજધાનીની અન્ય સરકારી હોસ્પિટલોમાં મોકલવામાં આવે.ઓપરેશન થિયેટરને બંધ કરવા માટે AIIMS ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર પાણીનો ભરાવો જવાબદાર હોવાનું કહેવાય છે. વરસાદના કારણે ભોંયતળિયે પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. પાણી ભરાવાને કારણે આખી ઇમારતનો વીજ પુરવઠો બંધ થઇ ગયો છે. જ્યાં સુધી ભોંયતળિયેથી પાણી ન નીકળે ત્યાં સુધી વીજ પુરવઠો શક્ય નથી. વીજળીના અભાવે ઓપરેશન થિયેટરો બંધ રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement