For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાંથી ફરાર કેદીનો આપઘાત

05:49 PM Jun 29, 2024 IST | admin
સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાંથી ફરાર કેદીનો આપઘાત
Advertisement

ગઈકાલે કેદી પાર્ટીને ચકમો આપી ભાગી ગયેલા પાકા કામના કેદીએ લાલપરી ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવી લીધું, ભરણપોષણના ગુનામાં પડી હતી સજા

રાજકોટ જિલ્લા જેલમાં ભરણપોષણના કેસમાં સજા ભોગવતા પાકા કામના કેદીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ ગઈકાલે જાપ્તા પાર્ટીને ચકમો આપી કેદી ફરાર થઈ ગયો હતો ત્યારે આજે સવારે લાલપરી ડેમમાંથી ફરાર કેદીની લાશ મળી આવી હતી. પાકા કામના કેદીએ ફરાર થયા બાદ ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર જુના જકાત નાકા પાસે ચામડીયાપરામાં રહેતા અબ્દુલ બાબુભાઈ કારવા (ઉ.45) નામના પાકા કામના કેદીની રાજકોટ જિલ્લા જેલમાં સજા કાપી રહ્યો હતો. દરમિયાન તેની તબીયત લથડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને સિવિલના ઈમરજન્સી વોર્ડ નં.2માં દાખલ કરાયો હતો. જ્યાં તેની ઉપર પોલીસ જાપ્તો ગોઠવાયો હતો. દરમિયાન ગઈકાલે રાત્રે આઠ વાગ્યાના અરસામાં તેને બાથરૂમ જવાનુ કહેતા પોલીસ જાપ્તાના પોલીસમેન પ્રતિપાલસિંહ ચુડાસમા તેને બાથરૂમ પાસે લઈ ગયા હતાં. કેદી અબ્દુલ ભાથરૂમમાં ગયા બાદ ઘણો સમય થવા છતાં બહાર ન નીકળતાં પોલીસ જાપ્તા કર્મચારી અંદર જોવા જતાં કેદી અબ્દુલ તેને ધક્કો મારી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેનો પીછો કર્યો હતો. પરંતુ તેને પકડવામાં સફળતા મળી ન હતી. આ અંગે પ્ર.નગર પોલીસમાં જાણ કરતાં પોલીસે ફરાર કેદી વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

દરમિયાન આજે સવારે લાલપરી ડેમમાં મંછાનગરના ઓવરફલો પાસે અજાણ્યા યુવાનની લાશ તરતી હોવાની સ્થાનિક લોકોએ જાણ કરતાં બેડીપરા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને રસ્સા વડે બહાર કાઢી બી-ડીવીઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયેલા અબ્દુલના ભાઈએ દોડી આવી મળી આવેલી લાશ તેના ભાઈ અબ્દુલની જ હોવાનું જણાવતાં તેની ઓળખ મળી હતી. આ અંગે બી-ડીવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતક અબ્દુલના મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક અબ્દુલ બે ભાઈ ત્રણ બહેનમાં ત્રીજો નંબર હોવાનું અને રીક્ષા ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. તેના લગ્ન 2012માં મુમતાઝબેન વલીભાઈ લાખાણી સાથે થયા હતાં. વર્ષ 2014માં પત્નીએ ભરણપોષણનો કેસ કર્યો હતો. જેમાં તેને 1355 દિવસની સજા પડી હતી. શરૂઆતમાં તે જૂનાગઢ જેલમાં બંધ હતો. દરમિયાન એક મહિના પહેલા તેને રાજકોટ જિલ્લા જેલમાં ખસેડાયો હતો. દરમિયાન તા.26ના રોજ તેને છાતીમાં દુ:ખાવો થતો હોવાથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં દાખલ કરાયા બાદ ગઈકાલે પોલીસ જાપ્તાને ચકમો આપી ફરાર થઈ ગયા બાદ લાલપરી ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનું ખુલવા પામ્યું છે. આ બનાવથી મૃતક કેદીના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement