For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરની બેઠક પર પૂનમબેનની હેટ્રીક

12:44 PM Jun 05, 2024 IST | Bhumika
જામનગરની બેઠક પર પૂનમબેનની હેટ્રીક
Advertisement

ચૂંટણી પ્રચાર દરમિયાન ક્ષત્રિય આંદોલનનો વિરોધ જોવા મળ્યો હતો, પરંતુ પરિણામમાં તેની કોઈ અસર નહીં : પૂનમબેન માડમની 2.38 લાખની જંગી લીડથી જીત

Advertisement

સમગ્ર દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી ની આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 1ર-જામનગર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી પૂનમબેન માડમ સતત ત્રીજી વખત જંગી સરસાઈ થી વિજેતા થયા છે. અને જીત ની હેટ્રિક લગાવી છે.તેઓ નો આશરે 2,38008 મત ની જંગી લીડ થી વિજય થયો છે. રાજકોટ થી બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂૂપાલના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનો જામનગર જિલ્લામાં પણ ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધ વંટોળ જોવા મળ્યો હતો, પરંતુ પરિણામ માં તેની કોઈ અસર જોવા મળી નથી.

જામનગર મા આજે સવારે 8 વાગ્યાથી હરિયા કોલેજમાં મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. શરૃઆતના બે-ત્રણ રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયા અને ભાજપના પૂનમબેન માડમ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. એક તબક્કે શરૃઆતમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ પણ હતાં, પરંતુ ત્યારપછીના દરેક રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે સરસાઈ મેળવી કોંગ્રેસના ઉમેદવાર ને ખૂબ પાછળ રાખી દીધા હતા.
જામનગર બેઠક પણ રૃપાલાના નિવેદનના વિવાદના પગલે ક્ષત્રિય સમાજના વિરોધ તેમજ ભાજપના આહિર ઉમેદવાર સામે કોંગ્રેસના લેઉવા પાટીદાર સમાજના ઉમેદવાર હોવાના કારણે ભારે રસપ્રદ બની રહી હતી.

ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે તેઓના નામની પાર્ટીએ જાહેરાત કરી ત્યારથી પ્રચાર પડઘમ શાંત થયા ત્યાં સુધી દિવસરાત સમગ્ર હાલારના બન્ને જિલ્લામાં સઘન અને ઝંઝાવાતી પ્રવાસ-પ્રચાર કર્યો હતો. જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો તેમજ વોર્ડ પ્રમુખ, પેઈજ પ્રમુખ સુધીના નાનામાં નાના કાર્યકરોએ પણ તનતોડ મહેનત કરી હતી. આ ઉપરાંત ભાજપ શાસિત ગ્રામ પંચાયતો, નગરપાલિકા, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતોના પદાધિકારીઓ અને સભ્યોએ પણ ભાજપના પ્રચારમાં કોઈ કચાશ છોડી ન હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જામનગર નાં ઉમેદવાર મા પ્રચાર માટે જામનગર આવ્યા હતા અને સભા ગજાવી હતી.

જ્યારે તેની સામે કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયાનો પ્રચાર ઘણો ઓછો રહ્યો હતો. ખંભાળિયા, ભાટિયા, જામનગર, ભાણવડમાં માત્ર નાની-મોટી સભા યોજાઈ હતી. કોઈ મોટા નેતા આવ્યા ન હતા, તેમજ કોંગ્રેસના સંગઠનના પદાધિકારીઓ તથા કાર્યકરોમાંથી મોટાભાગના પૂરેપૂરા સક્રિય રહ્યા ન હતા. આમ ભાજપના સંગઠન, પૂનમબેન માડમની વ્યક્તિગત લોકપ્રિયતા, ઝંઝાવાતી પ્રચાર, ન.મો.ની સભા વગેરે પરિબળોએ જામનગરની બેઠક ઉપર પૂનમબેન માડમના વિજયને નિશ્ચિત કરી દીધો હતો.

જામનગર લોકસભા બેઠકના મત ગણતરીના અંતિમ અહેવાલ પ્રમાણે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને 6,20,049 મત અને કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયાને 3,82,041 મત મળ્યા હતાં. જેથી પૂનમબેન માડમ 2,,38,008 મત ની સરસાઈ મળી હતી. જામનગર બેઠક પરથી પૂનમબેન માડમની અને ભાજપ ની હેટ્રીક થવા પામી છે. ત્યારે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ સાથે એનડીએની સરકાર પણ સતત ત્રીજી વખત સત્તા પ્રાપ્ત કરે તેવા પરિણામો આવ્યા છે.

જામનગરમાં ક્ષત્રિય સમાજ ના આંદોલન ફેક્ટરની અસર ચાલી નથી. ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક સ્થળે વિરોધ વંટોળ જોવા મળ્યો હતો. પરંતુ ચૂંટણીના પરિણામો પર તેની કોઈ ખાસી અસર જોવા મળી નથી. પરિણામે ભાજપ ઉમેદવાર શ્રીમતી પુનમબેન માડમનો સતત ત્રીજી વખત વિજય થયો છે, અને જીતની હેટ્રિક લગાવી છે.

ભાજપ-કોંગ્રેસ સિવાયના અન્ય તમામ 12 અપક્ષ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી
જામનગર લોકસભાની બેઠક પર ભાજપ- કોંગ્રેસ સહિત કુલ 14 ઉમેદવાર મેદાનમાં હતા, અને કુલ 10,51,465 મત પડ્યા હતા. જે પૈકી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ ને કુલ 6,20,049 મત મળ્યા છે. જેની સામેં મુખ્ય પ્રતિસ્પર્ધી કોંગ્રેસના જે.પી. મારવિયાને 3,82,041 મત મળ્યા છે, અને પૂનમબેન માડમ નો 2,38,008 ની જંગી લીડ થી વિજય થયો હતો. આ ઉપરાંત આ બેઠક પર અન્ય 12 અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, અને તમામ ઉમેદવારોને માન્ય મત કરતાં 10 ટકા થી પણ ઓછા મત મળ્યા છે, જેથી તમામ અપક્ષ ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવી છે.

જામનગરની બેઠક પર ’નોટા’માં 11084 મત પડ્યા
જામનગર લોકસભાની બેઠક નું આજે અપેક્ષા મુજબનું પરિણામ આવ્યું છે, અને ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે જીત ની હેટ્રિક લગાવી છે, અને તેઓનો 2,38,008 ની જંગી લીડ થી વિજય થયો છે. ત્યારે જામનગરની બેઠક પર ’નોટા’માં 11084 મતદારોએ મતદાન કર્યું છે. આ મતદારોએ ભાજપ -કોંગ્રેસ કે અન્ય કોઈ ઉમેદવારને પસંદ કર્યા ન હતા, અને ’નોટા’ મા પોતાનો મત નાખ્યો છે. જેમાં 76- કાલાવડમાં 1192 મત પડ્યા છે, 77- જામનગર ગ્રામ્ય માં 1573 મત, 78- ઉત્તર વિધાનસભા વિસ્તારમાં 1913 મત, 79-દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં 1555, 80- જામજોધપુર વિધાનસભા વિસ્તારમાં 1262 મત, 81- ખંભાળિયા વિધાનસભા વિસ્તારમાં 1698 અને 82- દ્વારકા વિધાનસભા વિસ્તારમાં 1779 મતદારોએ ’નોટા’માં મતદાન કર્યું છે. ઉપરાંત પોસ્ટ બેલેટ મારફતે પણ 112 મતદારોએ ’નોટા’માં મત આપ્યો છે. અને કુલ 11084 મત ’નોટા’ ના ફાળે ગયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement