For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં મતદાન ઘટ્યું અને રાજકીય પક્ષોનું BP વધ્યું

11:16 AM May 08, 2024 IST | Bhumika
ગુજરાતમાં મતદાન ઘટ્યું અને રાજકીય પક્ષોનું bp વધ્યું
Advertisement

લોકસભાની ચૂંટણીમાં 2019 કરતાં પાંચ ટકાનો ઘટાડો નોંધાતા રાજકીય પંડિતો પણ ગોટે ચડ્યા

સરકારી તંત્ર અને રાજકીય પક્ષોની બે મહિનાની જાગૃતિ ઝુંબેશ ઉપર મતદારોએ ટાઢું પાણી ફેરવી દીધું

Advertisement

ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો ઉપર ગઈકાલે મતદાન સંપન્ન થયું છે. પરંતુ 2019ની સરખામણીએ આ ચૂંટણીમાં પાંચ ટકા જેવું મતદાન ઘટતાં ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના નેતાઓની ઉંઘ ઉડી ગઈ છે અને મતદાન ઘટવાથી કોને ફાયદો ? અને કોને નુકસાન ? તે અંગેના મનોમંથનો તથા ગણીત વિજ્ઞાન શરૂ થઈ ગયા છે. ચૂંટણી પંચે મોડીરાત્રે જાહેર કરેલા મતદાનના ફાઈનલ ફીગર મુજબ ગુજરાતની સુરતની બેઠક બિનહરીફ થયા બાદ બાકીની 25 લોકસભા બેઠક ઉપર સરેરાશ 59.51 ટકા મતદાન નોંધાયું છે જે 2019ની ચૂંટણીમાં 64.51 ટકાની સાપેક્ષમાં પાંચ ટકા જેવું નીચુ રહ્યું છે. ગુજરાતમાં સૌથી ઓછું મતદાન આ વખતે પણ અમરેલી લોકસભા બેઠક ઉપર 49.44 ટકા નોંધાયું હતું.

જ્યારે સૌથી વધુ મતદાન બે મહિલાઓ વચ્ચેની હાઈવોલ્ટેજ બેઠક બનાસકાંઠામાં 68.44 ટકા નોંધાયું છે. ગુજરાતની 25માંથી 24 બેઠક ઉપર મતદાન ઘટયું છે અને એક માત્ર બનાસકાંઠાની બેઠક ઉપર 3.76 ટકાનો વધારો નોંધાયો છે. આ સિવાય પણ ગુજરાતની તમામ 24 બેઠકો ઉપર 1.9 ટકાથી માંડી 9 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

ગુજરાત અને સૌરાષ્ટ્રની મતદાનની પેર્ટનનો અભ્યાસ કરવામાં આવે તો ગુજરાતની 16 બેઠકો ઉપર થયેલ મતદાન કરતાં સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠક ઉપર મતદાનની 6.04 ટકા જેવો જબરો ઘટાડો નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠક ઉપર સરેરાશ મતદાન 54.58 ટકા નોંધાયું છે. જ્યારે ગુજરાતનું સરેરાશ મતદાન 59.51 ટકા નોંધાયું છે. મતલબ કે ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં મતદાનનો મોટો ઘટાડો જોવાયો છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સરકારી તંત્ર અને રાજકીય પક્ષો દ્વારા મતદારોને જાગૃત કરવા માટે મહાઝુંબેશ હાથ ધરાઈ હતી. તંત્ર દ્વારા ઠેર ઠેર શેરી નાટકોથી માંડી પ્રચાર પ્રસાર અને પત્રિકાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે રાજકીય પક્ષોમાં વડાપ્રધાનથી માંડી ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષોના નાના મોટા તમામ નેતાઓએ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા વારંવાર અપીલો કરી હતી. આ સિવાય સામાજિક તેમજ ઔદ્યોૈગિક અને વેપારી સંસ્થાઓએ પણ મતદાન જાગૃતિ માટે મોટા પ્રમાણમાં પ્રચાર ઝુંબેશો ચલાવી હતી. આમ છતાં મતદાનમાં થયેલો ઘટાડો સૌની ઉંઘ ઉડાવનારો બની રહ્યો છે.

મતદાન ઘટવા પાછળના કારણો શોધવા રાજકીય પંડીતો કામે લાગ્યા છે અને દરેક પોતાની રીતે લોજીક લગાડી રહ્યાં છે. કોઈ નિષ્ણાંતો ભારે ગરમીને જવાબદાર ગણાવે છે તો કોઈ નિષ્ણાંતો લોકસભાની ચૂંટણીમાં સ્પર્ધાનો અભાવ કારણભૂત માને છે જ્યારે અમુક લોકો રાજકારણ ઉપરથી લોકોનો ઉઠી રહેલો વિશ્ર્વાસ ઓછા મતદાન માટે જવાબદાર માને છે. આ સિવાય પણ પક્ષ પલ્ટા અને સતત ખોટા વચનોને પણ ઓછા મતદાન માટે જવાબદાર માનવામાં આવી રહ્યો છે. લોકોનો ભરોષો સતત ઘટી રહ્યો હોય તેવું મતદાનની પેર્ટન પરથી માનવામાં આવી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement