For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુરુકૃપા, ગ્રંથકૃપા અને ગોવિંદકૃપા હોય તો જ વ્યાસપીઠ પર બેસી શકાય છે

01:24 PM May 08, 2024 IST | Bhumika
ગુરુકૃપા  ગ્રંથકૃપા અને ગોવિંદકૃપા હોય તો જ વ્યાસપીઠ પર બેસી શકાય છે
Advertisement

કથામાં શિથિલતા ન આવે તે માટે સંગીત, ધૂન, ભજન જરૂર કરો પણ કથા સાઈડમાં રહી જાય અને દાખલા, દૃષ્ટાંત અને સંગીત મેઈન થઈ જાય એ યોગ્ય નથી:કથાકાર મીરાબેન ભટ્ટ

પાંચ વર્ષની વયે ભીષ્મસ્તુતિ,શિવ તાંડવ સ્તોત્ર,રામાયણના સુંદરકાંડ વગેરે દાદાની કથામાં બોલતા એ મીરાબેન ભટ્ટે અત્યાર સુધીમાં 375થી વધુ કથા કરી છે

Advertisement

રાજકોટમાં કથા ચાલી રહી હતી ત્યારે એક દાદા એ મહિલા કથાકારને આવીને કહે છે કે, ‘ઓળખો છો મને? વર્ષો પહેલાં તમારી કથામાં મેં વ્યસન છોડવાનો સંકલ્પ લીધો તે આજ સુધી નિભાવ્યો છે.’ મહિલા કથાકારને એ દાદા તો યાદ ન આવ્યા પણ તેમની વાતથી હૃદય પુલકિત જરૂર થઈ ગયું. તેઓની કથામાં ઘણી વખત વખત ભાઈ-ભાઈ વચ્ચે સંપત્તિના ઝઘડા પર પૂર્ણવિરામ મુકાયું છે તો ઓરિસ્સામાં પોતાની મરજી પ્રમાણે લગ્ન કરનાર બાપના દીકરી સાથેના અબોલા કથામાં જ તૂટ્યા હતા.આ વાત છે વ્યસન મુક્તિથી લઈને અનેક સામાજિક સંદેશ આપીને ભારતભરમાં અત્યાર સુધીમાં 375થી વધુ કથા કરનાર મહિલા કથાકાર મીરાબેન ભટ્ટની.તેઓનું માનવું છે કે જ્યારે કથા શ્રવણના ફળ સ્વરૂપ કોઈ સકારાત્મક પરિણામ મળે ત્યારે ખૂબ આનંદ થાય છે અને કરેલી કથા સાર્થક લાગે છે.

પોરબંદરમાં જન્મ થયો.અભ્યાસ તથા ઉછેર રાજકોટમાં થયો.પિતા અરવિંદભાઈ ભટ્ટ અને માતા સરોજબેન ભટ્ટ. ત્રણ સંતાનોમાં સૌથી મોટા મીરાબેન ભટ્ટ.દાદા શંકર મહારાજ જૂની પેઢીના વ્યાખ્યાનકાર હતા.એમનો વારસો પિતા અને કાકામાં પણ આવ્યો અને હાલ આ વારસો મીરાબેન સંભાળી રહ્યા છે. પાંચ વર્ષની વયે ભીષ્મસ્તુતિ,શિવ તાંડવ સ્તોત્ર,રામાયણના સુંદરકાંડ વગેરે દાદાની કથામાં બોલતા. દાદાના શરણમાં જ ભાગવતજીની દીક્ષા લીધી. 13 વર્ષની ઉંમરે પ્રથમ રામકથા પોરબંદરમાં કરી ત્યાર પછી બીજી ભાગવત કથા કરી.તેઓએ જયપુર, ઓરિસ્સા અને ભારતભરમાં હિન્દી અને ગુજરાતીમાં કથા કરી છે.

કથા સાથે અભ્યાસમાં પણ તેઓએ સંસ્કૃત સાથે એમ.એ.કરી ગોલ્ડમેડલ મેળવ્યો છે અને સંગીતમાં વિશારદ કર્યું છે. તેમના નાના ભાઈ ચૈતન્યભાઈ ભટ્ટ પણ સારા ગાયક, સંગીતકાર છે તથા મીરાબેનને કથામાં સાથ આપે છે. જાણીતા કથાકાર અશોકભાઈ ભટ્ટ અને કનૈયાલાલ ભટ્ટ કાકા થાય છે.તેમના પતિ ધર્મેન્દ્રભાઈ મહેતાની મુલાકાત પણ કથાના માધ્યમથી જ થઈ.તેઓ જણાવે છે કે,‘પરમાત્માના મારા ઉપર અનેક આશીર્વાદ છે કે ધર્મ અને ભગવાન પર આસ્થા ધરાવનાર જીવન સાથી મળ્યા,જેઓ મારી કથાકાર તરીકેની જવાબદારી સારી રીતે સમજી શકે છે. તેઓ પણ સંગીત અને સંસ્કૃતના જાણકાર હોવાથી કથામાં પણ સાથે હોય છે.દીકરો હરિઓમ તથા દીકરી સ્તુતિ બંને બાળકો દરરોજ શ્ર્લોક બોલીને જ સુવે છે તેમ જ સવારે પૂજા કરીને ઘરની બહાર નીકળે તેવા સંસ્કાર આપ્યા છે.’

વ્યાસપીઠ પરનો અનુભવ અલગ જ હોવાનું જણાવતા તેઓએ કહ્યું કે, ‘વ્યાસપીઠ પરથી કથા વાંચ્યા બાદ કોઈપણ જાતનો શારીરિક થાક લાગતો નથી. મહાપુરુષનો પણ મત છે કે વ્યાસપીઠ ઉપર દેવી શક્તિ તમારા માધ્યમથી બોલાવે છે અને આ અનુભવ શ્રોતાઓએ પણ અનેક વખત વ્યક્ત કર્યો છે. શ્રોતાઓના હૃદય સુધી પહોંચતી કથા શીખવી શકાતી નથી. હા, માર્ગદર્શન જરૂર આપી શકાય છે. કથા કેવા ભાવથી પ્રસ્તુત કરો છો તે મહત્ત્વનું છે.જેટલા ઊંડાણથી વક્તા પ્રસ્તુત કરશે તેટલું શ્રોતાઓના હૃદય સુધી પહોંચશે. ગ્રંથ કૃપા,ગુરુકૃપા અને ગોવિંદકૃપા હોય તો જ વ્યાસપીઠ પર બેસી શકાય છે. સંસ્કૃત,સંગીત વગેરેનું જ્ઞાન હોવું જોઈએ. ભાગવતજીનું સંસ્કૃત એટલે ખૂબ ગહન છે તેનું ઉચ્ચારણ શુદ્ધ હોવું જરૂરી છે. વ્યાસપીઠ ઉપરથી એક મહિલા તરીકે એટલું જ માન-સન્માન મળે છે પરંતુ મહિલા કથાકારે પણ તેના નિયમ પાલન, મર્યાદા એની પવિત્રતા જાળવીને પૂજા, પાઠ, અનુષ્ઠાન વગેરે કરવનું રહે છે.’

સતત કથા કરવામાં વ્યસ્ત મીરાબેનની ઈચ્છા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી ભાગવત કથા કરવાની અને ભગવાનનું નામ લેતા લેતા શરીરમાંથી પ્રાણ જાય તેવી છે.તેમનું સ્વપ્ન નાનકડો આશ્રમ બનાવવાનું અને ગૌસેવા કરવાનું છે.તેઓને ખૂબ ખુબ શુભેચ્છાઓ……..

કળિયુગમાં પણ છે કથામાં આસ્થા
અત્યારના સમયમાં પણ કથા માટે લોકોમાં અનેરો ભાવ છે.ઘણા લોકો પિતૃના કલ્યાણ માટે તો ઘણા લોકો આનંદથી કથા કરાવતા હોય છે. ઘણા ગૌશાળા, મંદિર વગેરેના લાભાર્થે પણ કરાવતા હોય છે, તો ક્યારેક સોસાયટીના લોકો ભેગા થઈને પણ કથા કરાવે છે. અત્યારે લોકો પાસે પૈસા છે તેથી વધુ સારી વ્યવસ્થા કરે છે.નવી પેઢીમાં ધર્મના સંસ્કાર જાળવવા આ બધું જરૂરી છે.

કથા કેવી હોવી જોઈએ?
જ્યારે કથા કરો ત્યારે કથાના માર્ગથી ભટકી ન જવાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ઘણીવાર લોકો પિતૃના કલ્યાણ માટે કથા કરાવે ત્યારે ભાગવત કથા વંચાય તે જરૂૂરી છે.ક્યારેક કથામાં શિથિલતા ન આવે તે માટે ધૂન, ભજન કરવામાં આવે તેનો વાંધો નથી, પરંતુ કથા સાઈડમાં રહી જાય અને દાખલા, દૃષ્ટાંત અને સંગીત મેઈન થઈ જાય એ યોગ્ય નથી તેઓને ગામડામાં તથા શહેરોમાં અનેક જગ્યાએ કથા માટે આમંત્રણ મળે છે પરંતુ શ્રોતાના કારણે કથાનું મૂળ સ્વરૂપ બદલી શકાતું નથી.

બહેનો પોતાની મર્યાદા જાણે અને જાળવે એ જરૂરી
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું હતું કે આજે બહેનોએ દરેક ક્ષેત્રે પ્રગતિ કરી છે. બહેનો સફળતાના માર્ગે હોય તે સારી વાત છે પરંતુ સાથે સાથે પરિવારની જવાબદારી સંભાળે તે એટલું જ જરૂરી છે. બાળકોને સંસ્કાર, પરિવારની સંભાળ અને વડીલોની કાળજી બહેનો રાખશે તો જ આપણો સામાજિક અને સાંસ્કૃતિક વારસો જળવાઈ રહેશે. મહિલા કોઈપણ ક્ષેત્રમાં જાય પરંતુ પોતાની મર્યાદા જાળવે તે જરૂરી છે. પૈસો મહત્ત્વનો છે પરંતુ પરિવારનો પ્રેમ પણ એટલો જ મહત્ત્વનો છે. બાળકોમાં માતાઓ સિવાય કોઈપણ વ્યક્તિ સંસ્કાર રેડી શકશે નહીં.

written by: Bhavna Doshi

Advertisement
Tags :
Advertisement
Advertisement