For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હવે હોટેલ્સ-રેસ્ટોરન્ટ અને શાળા, હોસ્પિટલો થશે સીલ

12:11 PM Jun 22, 2024 IST | admin
હવે હોટેલ્સ રેસ્ટોરન્ટ અને શાળા  હોસ્પિટલો થશે સીલ

મિરર સાથેની વાતચીતમાં ઈનચાર્જ આસિસ્ટન્ટ કમિશનરની સાફ વાત : પ્રથમ રાઉન્ડમાં શહેરની ફરતે આવેલાં હોટેલ્સ અને રેસ્ટોરન્ટમાં સિલિંગ પછી હવે શહેરમાં આ કાર્યવાહીઓ, સરવે થઈ ચૂક્યો છે, એકાદ-બે દિવસમાં ત્રાટકશે મહાનગરપાલિકા

Advertisement

હવે શહેરી વિસ્તારોમાં પણ આવેલા હોટલ, રેસ્ટોરન્ટ, શાળાઓ અને હોસ્પિટલો જે ફાયર એનઓસી (ફાયર નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) અને બિલ્ડિંગ યુઝ (બીયુ) પરમિશન ધરાવતા નથી તેમને સીલ કરવામાં આવશે. આ કડક પગલું સુરક્ષા ખાતરી કરવા અને ગેરકાયદેસર બાંધકામને રોકવા માટે લેવામાં આવ્યું છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યરત ટીપીઓ તથા ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશ્નર ભાવેશ જાનીએ ચેતવણી આપી છે કે આગામી બે દિવસમા ગેરકાયદેસર એકમો સામે ચકાસણી ચાલી રહી છે જે અભિયાન પૂર્ણ થયા બાદ જે એકમો નિયમોનું પાલન કરતા નહીં હોય તેમને સીલ કરી દેવામાં આવશે અને દંડ પણ થશે. છેલ્લાં આઠેક દિવસથી આ કામગીરીઓ થંભી ગઈ હતી, હવે ફરીથી સિલિંગ કાર્યવાહીઓ શરૂૂ થવા જઈ રહી છે. પ્રથમ રાઉન્ડમાં શહેરને ફરતે આવેલાં યુનિટ હડફેટમાં ચડી ગયા હતાં, હવે એકાદ બે દિવસમાં શહેરની અંદર આવેલી હોટેલ્સ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલો અને શાળાઓમાં પણ સિલિંગનો ધમધમાટ શરૂૂ થશે.
સિલિંગના પ્રથમ રાઉન્ડમાં શહેરથી દૂર આવેલાં લાલપુર બાયપાસ સહિતના વિસ્તારોમાં તથા રણજિતસાગર રોડ પર આવેલી હોટેલ્સ, રેસ્ટોરન્ટ અને કેટલીક શાળાઓ અને હોસ્પિટલમાં પૂર્ણ અથવા આંશિક સિલિંગ કાર્યવાહીઓ કરવામાં આવી. આ બધાં જ ધંધાર્થીઓને ત્યાં ફાયર પ્રિવેન્શન સિસ્ટમ છે કે કેમ, ધંધાર્થીઓ ફાયર એનઓસી ધરાવે છે કે કેમ, આ એનઓસી રિન્યુઅલ કરાવેલ છે કે કેમ અને આ ધંધાકીય એકમોમાં બાંધકામ તથા દરવાજા વગેરેની સ્થિતિ શું છે, બાંધકામમાં જલ્દી સળગી ઉઠે તેવી લાકડાં કે પ્લાસ્ટિકની ચીજોનો ઉપયોગ થયો છે કે કેમ, આ ધંધાકીય એકમો જે બિલ્ડીંગમાં આવેલાં છે તે બિલ્ડીંગ બીયુ પરમિશન ધરાવે છે કે કેમ- વગેરે બાબતોની ચકાસણીઓ કરવામાં આવી હતી. આ માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. કુલ 191 ધંધાકીય એકમો સીલ કરવામાં આવ્યા હતાં. હાલમાં આઠેક દિવસથી સિલિંગની આ કાર્યવાહીઓ બંધ છે. તંત્ર દ્વારા નવો સર્વે કરી લેવામાં આવ્યો છે. યાદીઓ તૈયાર કરી લેવામાં આવી છે. શુક્રવારે સાંજે જામનગર મિરર સાથેની વાતચીતમાં ઈન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર અને ટીપીઓ ભાવેશ જાનીએ જણાવ્યું છે કે, હવે એકાદ બે દિવસમાં શહેરમાં સિલિંગનો બીજો રાઉન્ડ શરૂૂ થશે. આ માટે ચકાસણીઓ કરી લેવામાં આવી છે. યાદીઓ તૈયાર કરી લેવામાં આવી છે. ફાયર સંબંધિત તથા ગેરકાયદેસર બાંધકામ સંબંધિત કોઈ પણ અનિયમિતતાઓ ચલાવી લેવામાં આવશે નહીં. કડક સુરક્ષાના હેતુઓ માટે જ્યાં પણ લોકોની મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોય, આગ લાગવાની શકયતાઓ હોય, યોગ્ય બાંધકામ ન હોય, અકસ્માત સમયે લોકોને હેમખેમ બહાર આવવામાં સમસ્યાઓ ઉભી થઈ શકે તેમ હોય, જે બાંધકામો બિલ્ડીંગ યૂઝ પરમિશન ન ધરાવતાં હોય, તેવા તમામ પ્રકારના ધંધાકીય એકમો સીલ કરી દેવામાં આવશે. પ્રાથમિક તપાસ દરમિયાન શહેરના ગીચ વિસ્તારોમાં આવેલી હોટેલ્સ, રેસ્ટોરન્ટ, શાળાઓ અને હોસ્પિટલોથી આ કાર્યવાહીઓ શરૂૂ કરી, શહેરના આ પ્રકારના તમામ ધંધાકીય એકમો કોમર્શિયલ કોમ્પ્લેક્સ, કોચિંગ ક્લાસ, મોલ્સ વગેરે એકમોનું કડક નિરીક્ષણ કરવામાં આવશે અને નગરજનોની તથા મિલકતોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, કમિશનર ડી.એન.મોદીએ પણ જણાવેલું છે કે, સુરક્ષા સલામતી બાબતે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે. દરેક ધંધાકીય એકમોએ સુરક્ષા વ્યવસ્થાઓ માટેના નિયમોનું કડક પાલન કરવાનું રહેશે.
અત્રે એ પણ નોંધનીય છે કે, શહેરમાં સંખ્યાબંધ ખાણીપીણીના સ્થળો, શાળાઓ અને હોસ્પિટલ સહિતના ધંધાકીય એકમો એવી ગીચ જગ્યાઓ પર આવેલાં છે જ્યાં આગ જેવા અકસ્માત સમયે લોકોએ બહાર આવવું મુશ્કેલ બની જાય અને દુર્ઘટનાઓ પણ સર્જાઈ શકે. ઘણાં બધાં ધંધાકીય એકમોના પ્રવેશ દ્વાર અને બહાર આવવાનો દરવાજો એક જ હોય છે, આ દરવાજા સાંકડા હોય છે, ખાણીપીણીના સ્થળોએ રાંધણગેસના બાટલાં પણ પડ્યા હોય છે, આવી બધી જ જગ્યાઓ જીવતાં બોમ્બ સમાન હોય છે, જે ગમે ત્યારે લોકોના જીવ લઈ શકે છે. રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટનાઓ જામનગરમાં પણ ગમે તે સ્થળે, ગમે ત્યારે સર્જાઈ શકે છે, સાવધાન.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement