For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માંડાડુંગર પાસે સરકારી જમીન પરથી દબાણ હટાવવા નોટિસ

03:53 PM Jun 10, 2024 IST | Bhumika
માંડાડુંગર પાસે સરકારી જમીન પરથી દબાણ હટાવવા નોટિસ
Advertisement

ગૌશાળા, હોટલ, કારખાના ઊભા કરનારાઓને સ્વૈચ્છાએ જમીન ખાલી કરવા આદેશ : આવતા સપ્તાહે ડિમોલિશન

Advertisement

લોકસભાની ચૂંટણી પૂર્વ થતાની સાથે જ જિલ્લા કલેકટર પ્રભવ જોષીના આદેશથી સરકારી જમીન પર દબાણકરનારાઓ સામે તંત્ર તુટી પડયું છે. છેલ્લા એક સપ્તાહમાં મવડી, વાવડી અને કોઠારીયામાં કરોડોની સરકારી જમીન પર થયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દઈ સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. ત્યારે માંડાડુંગર પાસે પણ સરકારી જમીન પર દબાણ થયાનું તંત્રના ધ્યાન પર આવતાં પૂર્વ મામલતદારે સર્વે કરાવી કરોડોની સરકારી જમીન પર દબાણ કરનારાઓને સ્વૈચ્છાએ સરકારી જમીન ખાલી કરવા આખરી નોટિસ ફટકારી છે.

રાજકોટ શહેરની આજુબાજુના વિસ્તારોમાં સરકારી જમીનો પર દબાણોના કિસ્સા વધી રહ્યાં છે. જિલ્લા કલેકટર દ્વારા અવારનવાર સરકારી જમીન પરના દબાણો દૂર કરવા માટે ડિમોલીશન હાથ ધરવામાં આવે છે પરંતુ થોડો સમય વિતી ગયા બાદ ભુમાફીયાઓ ફરી સરકારી જમીન પર દબાણો કરી રહ્યા હોવાનું તંત્રનાં ધ્યાન પર આવ્યું છે.

લોકસભાની ચૂંટણી ટાણે જ રાજકોટની ભાગોળેના વિસ્તારોમાં આવેલી કરોડોની કિંમતી જમીન પર દબાણો થયાનું જિલ્લા કલેકટર પ્રભવ જોષીનાં ધ્યાન પર આવતાં તમામ મામલતદારોને સરકારી જમીન પર થયેલા આ દબાણોનો સર્વે કરી દૂર કરવા આદેશ આપ્યો છે. જેના પગલે ગત સપ્તાહે મવડી હેડ કવાર્ટર નજીક, વાવડી પુનિતનગરના ટાકા પાસે અને કોઠારીયા સ્વાતિ પાર્ક નજીક કરોડોની સરકારી જમીન પર થયેલા દબાણો પર બુલડોઝરો ફેરવી દેવામાં આવ્યા છે.

બીજી બાજુ આજી ડેમ નજીક માંડાડુંગર પાસે પણ સરકારી જમીનમાં દબાણો થઈ ગયા હોવાનું અને સરકારી જમીનમાં ગૌશાળા, કારખાના અને હોટલો તેમજ કાચા પાકા મકાનો ઉભા કરી દેવામાં આવ્યા હોવાનું પૂર્વ મામલતદારના ધ્યાન પર આવતાં માંડા ડુંગર પાસેની સર્વે નં.115 પૈકીની કરોડોની કિંમતની સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે આખરી નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે. જો દબાણકર્તાઓ સ્વૈચ્છાએ જમીન પરના દબાણો દૂર નહીં કરે તો આવતા સપ્તાહે માંડાડુંગરમાં પણ મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

ટી.આર.પી. ગેમ ઝોનની જમીનના માલિકોને શરતભંગની નોટિસ ફટકારાઈ

સૈારાષ્ટ્રભરમાં બહુ ચર્ચિત રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 27 વ્યક્તિઓ આગમાં ભળથુ થઈ ગયા બાદ આ બનાવે સરકારી તંત્રની પોલ ખોલી નાખી છે ત્યારે ટીઆરપી ગેમઝોનની જમીન રહેણાંક હેતુ માટે બિનખેતી થયા બાદ તેમાં શરતભંગ કરી ટીઆરપી ગેમઝોન ઉભો કરી દેવામાં આવ્યો હોવાનું જિલ્લા કલેકટર પ્રભવ જોષીનાં ધ્યાન પર આવતાં પશ્ર્ચિમ મામલતદારને તપાસ કરવા આદેશ આપ્યો હતો. નાનામવા ખાતે આવેલ ટીઆરપી ગેમઝોનની કિંમતી જમીન રહેણાંક હેતુ માટે 2016માં બિનખેતી કરવામાં આવી હતી અને ત્યારબાદ આ રહેણાંક હેતુ માટે બિનખેતી કરવામાં આવેલી જમીનમાં કોમર્શિયલ સ્ટ્રકચર ઉભુ કરી ગેમઝોન શરૂ કરી દેવામાં આવ્યું હોવાનો પશ્ર્ચિમ મામલતદારે રિપોર્ટ કરતાં જિલ્લા કલેકટરના આદેશથી ટીઆરપી ગેમઝોનની જમીનના માલિક અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા સહિતના સામે શરત ભંગની નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે અને 15 દિવસમાં આ શરતભંગની નોટિસ અંગે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement