For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નિકમની નિમણૂક, કોંગ્રેસ પાણીમાંથી પોરા કાઢે છે

01:14 PM Jun 22, 2024 IST | Bhumika
નિકમની નિમણૂક  કોંગ્રેસ પાણીમાંથી પોરા કાઢે છે
Advertisement

મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં હારી ગયેલા ઉજ્જવલ નિકમની ફરી વિશેષ સરકારી વકીલ તરીકે નિમણૂક કરવામાં આવતાં વિવાદ ઊભો થઈ ગયો છે. મુંબઈમાં થયેલા 26/11ના આતંકવાદી હુમલાનો કેસ લડીને ખ્યાતિ મેળવનારા સરકારી વકીલ ઉજ્જવલ નિકમને ચૂંટણી હાર્યાના દસ જ દિવસ બાદ 17 કેસમાં વિશેષ સરકારી વકીલ નિમવામાં આવ્યા તેની સામે કોંગ્રેસે વાંધો લીધો છે. ચૂંટણી લડતા પહેલા તેમણે મહારાષ્ટ્રના વિશેષ સરકારી વકીલ તરીકેના પદ પરથી રાજીનામું આપ્યું હતું ને ચૂંટણી હારતાં જ પાછા એ હોદ્દા પર બેસાડી દેવાયા છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેનું કહેવું છે કે, ઉજ્જવલ નિકમ લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને હવે ભાજપના સભ્ય છે. કોઈ રાજકીય પક્ષની સભ્ય એવી વ્યક્તિની સરકારી વકીલ તરીકે નિમણૂક ના કરી શકાય તેથી નિકમની વિશેષ સરકારી વકીલ તરીકે ફરી નિમણૂક કરીને ખોટો દાખલો બેસાડવામાં આવી રહ્યો છે. સરકાર આ બાબતે ફેર વિચારણા કરીને નિકમની નિમણૂક રદ કરે એવી માગણી પણ કોંગ્રેસે કરી છે.

Advertisement

ઉજ્જવલ નિકમનું કહેવું કે, પોલીસ અને પીડિતોએ કરેલી વિનંતીને પગલે મને 17 કેસ સોંપવામાં આવ્યા છે. હું આરોપીઓ અને ગુનેગારો સામે લડતો આવ્યો છું. કોંગ્રેસ સહિતના વિપક્ષો મારી નિમણૂક સામે વિરોધ કરી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે, વિપક્ષો ગુનેગારો સાથે ઊભા છે અને તેમના હિતોનું રક્ષણ કરી રહ્યા છે? નિકમે એવો દાવો પણ કર્યો કે, હું રાજકીય પક્ષ સાથે સંકળાયેલો હોય અને સરકારી વકીલ હોય એવો હું એકલો વકીલ નથી. બીજા ઘણા જાણીતા વકીલ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા હોવા છતાં સુપ્રીમ કોર્ટમાં સરકારી વકીલ તરીકે હાજર થાય છે.

નિકમની નિમણૂક સામે વાંધો કરીને કોંગ્રેસ પાણીમાંથી પોરા કાઢી રહી છે અને સાથે સાથે બેવડાં ધોરણોનું પ્રદર્શન પણ કરી રહી છે. કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભૂતકાળમાં કેટલા કોંગ્રેસી નેતાઓને સરકારી વકીલ બનાવ્યા તેનું લિસ્ટ બનાવવા બેસીશું તો ગણ્યા ગણાય નહીં એટલાં નામો થઈ જશે. કપિલ સિબ્બલથી માંડીને અભિષેક મનુ સિંઘવી સુધીના કોંગ્રેસીઓ ભૂતકાળમાં સરકારી વકીલ તરીકે કોર્ટમાં હાજર થયા જ છે.
રસપ્રદ વાત એ છે કે, નિકમને સૌથી પહેલાં સરકારી વકીલ કોંગ્રેસની સરકારે બનાવ્યા હતા. નિકમ 1993માં મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં સરકારી વકીલ બન્યા ત્યારે મહારાષ્ટ્રમાં શરદ પવારના નેતૃત્વ હેઠળ કોંગ્રેસની સરકાર હતી. મુંબઈમાં 26 નવેમ્બર 2008ના રોજ થયેલા હુમલાના કેસમાં આતંકી અજમલ કસાબને ફાંસીની સજા થઈ તેના કારણે નિકમ દેશભરમાં જાણીતા બન્યા પણ એ સિવાય પણ બીજા ઘણા કેસોમાં તેમણે ગુનેગારોને સજા અપાવડાવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement