આજનું શિક્ષણ માનવ જીવનમાં કેટલું સફળ છે??
આપણા જીવનમાં શિક્ષણ એ એક એવું શક્તિશાળી પાસું છે, જે વ્યક્તિ માટે માત્ર રોજગારી કે જીવનનિર્વાહ ચલાવનાર માધ્યમ જ નથી, પરંતુ જીવનને જીવવાની એક અનોખી કળા પણ શીખવે છે. આજના ન્યૂ એરામાં જયારે વિદ્યાર્થીઓને જોઈએ તો એમની આંખોમાં ડર, દબાણ, દિશાભ્રમ, નાસીપાસ, નિરાશા જેવા અનેક નકારાત્મક વલણ જોવા મળે છે, ત્યારે આ શિક્ષણ એ એક વિકટ પ્રશ્ન પેદા કરે છે, ‘શું આજનું આપણું શિક્ષણ માનવ જગતનાં જીવનમાં સફળ છે?’
જે સ્કૂલો કે કોલેજોમાં માર્કશીટનાં આધારે શિક્ષણની ગુણવત્તા નક્કી થતી હોય ત્યાં બાળકોની પ્રતિભા, જિજ્ઞાસા કે સર્જનાત્મક શક્તિને કેદખાનામાં કેદ જ કરાતી હોય એ નક્કી છે. જો ગુણાંકો જ માત્ર ક્ષિક્ષણ ગણાતું હોત તો આજે બેરોજગારી આટલી વધે જ નહીં. કારણ કે માર્ક્સ લાવનાર વર્ગ વધુ છે. શિક્ષણમાં મોટાભાગે સામાજિક બુદ્ધિ, ભાવનાત્મક સમજ, ટીમવર્ક, આગવું નેતૃત્વ કે ટેક્નોલોજીની ચોક્કસ સમજણ વગેરે શિક્ષણનો મુખ્ય ભાગ હોવો જોઈએ. આજે પણ વિદ્યાર્થીઓનો વિકાસ અક્ષરો કે અકલ્પનીય હોમવર્કની વચ્ચે જ સીમિત રહે છે.
વિદ્યાર્થીઓમાં કલ્પનાશક્તિ, વિચારશક્તિ કે સાહસિકતા ગમે તેટલી ભરેલી હોય, છતાં હાલની આપણી શિક્ષણપધ્ધતિ યાદશક્તિને પ્રાધાન્ય આપે છે. તમારી અંદર ગમે તેટલી સર્જનાત્મક શક્તિ ભરેલી હોય છતાં તમે ચોપડીમાંથી યાદ કેટલું રાખી શકો છે તેના પર તમારું મૂલ્યાંકન નક્કી થતું હોય છે. ગોખણપટ્ટીથી યાદ રાખેલો જવાબ સાચો પડશે, જયારે પોતાની સૂઝબૂઝથી લખેલો સરળ કે જટિલ જવાબ પણ ખોટો ગણાશે. બાળકોમાં એટલે જ આજે સર્જનાત્મકશક્તિ કરતાં ગોખણપટ્ટી વધતી જાય છે.
આસપાસની કોલેજોમાં ડોકિયું કરશો તો આથી પણ વધુ માહિતી મળી શકશે. જેમ કે, આજે પેરેન્ટ્સને કોલેજમાં પોતાનું સંતાન આવતા જ જાણે જવાબદારીઓ પૂરી થઈ ગઈ હોય તેમ કોઈ તપાસ કોલેજમાં કરતા નથી. ‘કોલેજનાં ક્લાસરૂૂમમાં શિક્ષકોની સામે પણ વિદ્યાર્થીઓ ભણે કે ના ભણે, રોજ લેક્ચર બંક કરે, કલાસમાં પોતાની હાજરી કોઈ બીજા વિદ્યાર્થી જ પૂરી દે, બગીચામાં શિક્ષકોની સામે જ ખુલ્લેઆમ ક્લાસની જગ્યાએ છોકરીઓ સાથે ગપ્પા લડાવવાં, ક્લાસ કરતાં વધુ કેન્ટીનમાં વિદ્યાર્થીઓ હોવા જેવી તો અનેક નકામી પ્રવૃત્તિઓ થતી હોવા છતાં આજે કોઈ શિક્ષકને ભવિષ્યને સુધારવામાં રસ જ નથી. સામાન્ય માણસોને પરવડે પણ નહીં એટલી તોતિંગ ફી લઈને બદલામાં કશું ના કરાવનાર કોલેજો આજે પણ અડીખમ ઊભી છે.’
શિક્ષણ એ એક અમૃત છે, પરંતુ જો યોગ્ય પધ્ધતિ દ્વારા શિક્ષણ આપવામાં ના આવે તો કડવું ઝેર પણ બની શકે છે. આજની પેઢી અતિ પ્રતિભાશાળી છે તેમજ અનેક આશાઓથી ભરેલી છે. જો આજે શિક્ષણ દ્વારા બાળકોને યોગ્ય માર્ગદર્શન, સાહસિકતા, સાચી અને જરૂૂરી દિશા મળતી રહે એ માટે શિક્ષણતંત્રએ અથાગ પગલાં લેવા અત્યંત જરૂૂરી બની ગયા છે. કારણ કે, માર્કશીટ પછી આખું વિશ્વ છે તો હવે પોતાની પ્રતિભા બતાવવાનો સમય પણ આવી ગયો છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં આજે દરેક કલાસમાં એસી, સ્માર્ટ બોર્ડ કે ડિજિટલ માટે લેપટોપ કે ટેબ્લેટ જેવા સાધનો ફરજિયાત જરૂૂર થયાં છે, પરંતુ જો અભ્યાસના ઊંડાણની જ વાત કરીએ તો ત્યાં હજુ કોઈ સુવિધા નજર નહીં જ આવે. સ્કૂલોમાં આજે શિક્ષણ ઓછું અને હરીફાઈ વધુ જોવા મળે છે, તેમજ શારીરિક શ્રમ નહિવત જોવા મળે છે. તોતિંગ ફી વસૂલતી સ્કૂલોને માત્ર ફીમાં જ રસ રહ્યો છે. ભારતનું ભવિષ્ય કરજદાર બને કે કૌભાંડ કરે તેનાથી કોઈ શિક્ષકોને જરા પણ ફરક નથી પડતો.
‘માનવી તું માનવી થા’ આ શીર્ષકને યોગ્ય બનાવવા માત્ર પુસ્તકો જ પર્યાપ્ત નથી. નવી પેઢીને આ માટે ધાર્મિક ગ્રંથો કે સાહિત્યોનું વાંચન, સંગીત, રમતગમત, વૃક્ષારોપણ, સમાજસેવા, સામાજિક કાર્યો, શારીરિક શ્રમ કરાવવો કે માનસિક મજબૂત બનાવવા જેવી અનેક પ્રવૃત્તિઓ સાથે જોડવા જરૂૂરી છે.