અમેરિકામાં નવપરિણીત ભારતીય યુવાનની ગોળી ધરબીને હત્યા
અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી ભારતીયો પરના હુમલાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એકવખત ભારતીય મૂળના વ્યક્તિની હત્યા થતા ચકચાર મચી જવા પામ્યો છે. રસ્તાની વચ્ચે કારમાં બેઠેલા બે લોકો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી અને ગોળીબાર થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટના અમેરિકાની છે. અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં એક શંકાસ્પદ રોડ રેજની ઘટનામાં ભારતીય મૂળના 29 વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે નવપરિણીત ગેવિન દસૌર તેની મેક્સીકન પત્ની સાથે ઘરે જઈ રહ્યો હતો ત્યારે ઈન્ડી શહેરના દક્ષિણપૂર્વ ભાગમાં એક આંતરછેદ પર વિવાદ બાદ શંકાસ્પદ વ્યક્તિએ તેને ગોળી મારી દીધી હતી.મૃત્યુ પામનાર વ્યક્તિ દસૌર આગ્રાના રહેવાસી હતા. તેમના લગ્ન 29 જૂનના રોજ થયા હતા. લગ્નને બે અઠવાડિયા કરતાં પણ ઓછો સમય વીતી ગયો હતો. ભારતીય મૂળના વ્યક્તિની હત્યાની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં દસૌર તેની કારમાંથી બહાર નીકળતો અને પીકઅપ ટ્રકના ડ્રાઈવર પર બૂમો પાડી રહ્યો છે. પછી તે હાથમાં બંદૂક લઈને ટ્રકનો દરવાજો ખખડાવે છે. જવાબમાં પીકઅપ ટ્રકના ડ્રાઇવરે તેને ગોળી મારી દીધી.
દસૌરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વધુ તપાસ અને મેરિયન કાઉન્ટી પ્રોસીક્યુટર ઓફિસ સાથે પરામર્શ કર્યા પછી, વ્યક્તિને છોડી દેવામાં આવ્યો હતો.