For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવો ડખ્ખો : શાળા સંચાલકો-સ્કૂલવર્ધી વાહનચાલકો વચ્ચે વિવાદ

05:09 PM Jun 12, 2024 IST | admin
નવો ડખ્ખો   શાળા સંચાલકો સ્કૂલવર્ધી વાહનચાલકો વચ્ચે વિવાદ

આરટીઓનો પરીપત્ર : બાળકોને ફરજિયાત શાળા પટાંગણમાંથી જ બેસાડવા-ઉતારવા

Advertisement

શહેરની 50 ટકાથી વધુ શાળા પાસે પાર્કિંગની સુવિધા જ નથી: સુવિધાવાળી શાળાઓ અંદર પ્રવેશ નહીં આપતા હોવાની રાવ

આવતીકાલથી શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ થશે તે અગાઉ એક નવો ડખ્ખો શાળા સંચાલકો અને સ્કૂલવાન વચ્ચે થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આગામી દિવસોમાં બાળકોને શાળાના પરિસરમાંથી જ બેસાડવા અને ઉતારવાનો પરિપત્ર આરટીઓ દ્વારા કરવામાં આવ્યો છે. આ પરિપત્રથી શાળા અને સ્કૂલ વર્ધીવાહન ચાલકો વચ્ચે વિવાદની સાથે સંઘર્ષ પણ થશે. શહેરની 50%થી વધુશાળાઓમાં પાર્કિંગની વ્યવસ્થા છે નહીં જે શાળાઓમાં વ્યવસ્થા છે તે શાળાઓ સ્કૂલવાન ચાલકોને પ્રવેશ નહીં આપતી હોવાની રાવ એસોસીએશનમાં ઉઠી છે.

Advertisement

રાજકોટના અગ્નિકાંડ બાદ વાહન વ્યવહાર વિભાગ પણ એક્શનમાં આવી ગયો છે. બાળકોની સુરક્ષાને લઈને સ્કૂલ વરધીમાં ચાલતા વાહનો માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. અને તેની માર્ગદર્શીકા પણ જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શીકામાં એક એવો પણ નિયમ ઉમેરવામાં આવ્યો છે. જેમાં બાળકોને શાળાએ મુકવા આવતા વાહન ચાલકોએ શાળાના પરિસરમાં બાળકોને ડ્રોપ કરવા પડશે અને પીકઅપ પણ ત્યાંથી જ કરવા પડશે. આ નિયમનું ઉલંઘન કરનાર વાહન ચાલકો સામે મોટર વ્હીકલ એક્ટ મુજબ કાર્યવાહી કરવામા આવશે. તેવો પણ પરિપત્રમાં ઉલ્લેખ કરવામા આવ્યો છે.

આ અંગે સ્કૂલ વરધી એસોસીએશનના હોદેદારોએ જણાવ્યું હતું કે, શહેરની મોટાભાગની શાળાઓમાં પાર્કિંગ માટેની વ્યવસ્થા રાખવામાં આવી નથી. સ્કૂલવાન તો ઠીક છે પણ બાળકોની સાયકલ મોટરસાયકલ કે વાલીઓના સાધન માટે પણ સુવિધા આપવામાં આવી નથી. સ્કૂલ છુટતાની સાથે જ વિદ્યાર્થીઓને રોડ ઉપર આવવું પડે છે. સ્કૂલ છૂટ્યા બાદ સંચાલકો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. બાળકોના જીવ ઉપર જોખમ વર્તાઈ રહ્યું હોવાથી આરટીઓનો આ નિયમ અમને મંજુર છે પરંતુ ઘણી શાળાઓ આ બાબતે સહમત નહીં હોવાથી આગામી દિવસોમાં શાળા સંચાલકો અને સ્કૂલ વરધી વાહન ચાલકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાઈ શકે છે.

રોડ ઉપર ટ્રાફિક થવાના કારણે અન્ય વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. તેમજ બેફામ ચાલતા સાધનો સામે બાળકોની સુરક્ષા પણ અતિ મહત્વની છે. શાળા સંચાલકો દ્વારા જો સ્કૂલવાનોને અંદર પ્રવેશ આપવામાં આવે તો ઘણીબધી સમસ્યા હલ થઈ શકે છે. પરંતુ મોટાભાગની શાળાઓ આ માટે સહમત થતી નથી જેના કારણે અમારે લોકોએ રોડ ઉપર બાળકોને ઉતારવા પડે છે. અને બેસાડવાની ફરજ પણ ત્યાંથી જ પડી રહી છે. આ સમસ્યાના નિરાકરણ માટે આરટીઓએ વ્યવહારુ ઉકેલ લાવવો જરૂરી બની ગયો છે. આરટીઓના આ પરીપત્રથી વિવાદ પણ સર્જાઈ શકે તેમ છે.

વધુમાં એસોસીએશનના હોદેદારોએ જણાવ્યું હતું કે, આરટીઓ દ્વારા ફાયર એનઓસી સહિતની જે માર્ગદર્શીકા જાહેર કરવામા આવી છે તે માર્ગદર્શીકાનું અમે સંપૂર્ણપણે પાલન કરીશું પરંતુ તંત્રએ તેના માટે અમને પુરતો ટાઈમ આપવો પણ જરૂરી છે. સમય મર્યાદા વધશે તો સારીએવી વ્યવસ્થા અમે પણ કરી શકીશું. સ્કૂલમાંથી જ બાળકોને ડ્રોપ અને પીકઅપ કરવાનો જે નિયમ છે તેના માટે આરટીઓએ સ્કૂલ સંચાલકો અને વાહન ચાલકો સાથે બેઠક કરી તેનો વ્યવહારુ ઉકેલ લાવવો જરૂરી છે. સ્કૂલ સંચાલકો જો શાળામાં પ્રવેશવાની મંજુરી નહીં આપે તો તેની અસર બાળકોના અભ્યાસ ઉપર પણ પડી શકે તેમ છે. જેથી વહેલી તકે આનો ઉકેલ લાવવો જરૂરી બની ગયો છે.

હજુ ભાડુ વધાર્યુ નથી, કલેક્ટર સાથે બેઠક કરી નિર્ણય લઈશું

અમદાવાદમાં સ્કૂલ વરદીમાં ચાલતા વાહન ચાલકો દ્વારા 20%નો ભાડાવધારો કરવામાં આવ્યો છે. આ અંગે રાજકોટના સ્કૂલવાન એસોસીએશન અને શ્રમજીવી ઓટો રીક્ષા એસોસીએશનના હોદેદારોએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં થયેલો વધારો હજુ રાજકોટમાં અમલમાં આવ્યો નથી. રાજકોટમાં ભાડા વધારો કરવો કે નહીં તે અંગે નિર્ણય લેવાયો નથી આજે કલેક્ટર સાથે બેઠક યોજવામાં આવશે આ બેઠકમાં આરટીઓ દ્વારા જાહેર કરાયેલા નિયમો વિશે ચર્ચા કરવામાં આવશે. આ ચર્ચાના અંતે જે કંઈ સમાધાનરૂપી નિર્ણય લેવામાંઆવસે ત્યારબાદ રાજકોટમાં ભાડા વધારો કરવો કે નહીં તે અંગે વિચારણા કરી ત્યાર બાદ જાહેરાત કરવામાં આવશે. જો વ્યવહારુ ઉકેલ નહીં આવે તો રાજકોટમાં પણ અમદાવાદની જેમ ભાડા વધારો આવી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement