RSSમાં જાતિય શોષણ થયાનો આક્ષેપ કરી યુવકનો આપઘાત
કેરળમાં ચોંકાવનારી ઘટના, ઇન્સ્ટા. ઉપર સ્યુસાઇડ નોટ મુકી જીવ ટૂંકાવી લીધો, અનેક ગંભીર આરોપો
કેરળના 26 વર્ષીય યુવાને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આત્મહત્યા કરી હતી જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (આરએસએસ) સભ્યો દ્વારા બાળપણમાં તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેના મૃત્યુ પછી લાઇવ થયેલી પોસ્ટમાં આ યુવાને આરોપ મુક્યો હતો કે આ દુર્વ્યવહારનો આઘાત તેને વર્ષોથી સતાવતો હતો અને તેના કારણે માનસિક સ્વાસ્થ્ય બગડ્યું હતું. સીપીઆઈ(એમ), કોંગ્રેસ, યુથ કોંગ્રેસ અને ડીવાયએફઆઈએ મૃત્યુની તપાસની માંગ કરી છે.
કોટ્ટાયમના સોફ્ટવેર એન્જિનિયર એવો આ યુવાન 9 ઓક્ટોબરના રોજ, તિરુવનંતપુરમના થમ્પાનૂરમાં એક લોજમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે બાદમાં મૃતદેહની ઓળખ કરી અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ત્યારબાદ તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર સુસાઇડ નોટ દેખાઈ હતી.
જેમાં જણાવ્યું હતું કે આત્મહત્યાનો તેનો નિર્ણય નિષ્ફળ સંબંધને કારણે નહીં, પરંતુ ઊંડા આઘાતને કારણે હતો. તેણે લખ્યું કે થોડા વર્ષો પહેલા તેમને ઓબ્સેસિવ-કમ્પલ્સિવ ડિસઓર્ડર (OCD) હોવાનું નિદાન થયું હતું અને પછીથી તેમને ખ્યાલ આવ્યો કે આ બિમારી આરએસએસમાં મારી સાથે કરાયેલા વર્તાવના આઘાતમાંથી આવી હતી. તેણે કહ્યું કે તેની પોસ્ટને ડાઇંગ ડેકલેરેશન ગણવું જોઇએ.
તેણે પોસ્ટમાં લખ્યું છે કે તે બાળપણમાં આરએસએસમાં જોડાયો હતો. મને સંગઠન, જે આરએસએસમાં છે, તેના સિવાય કોઇની સામે ગુસ્સો નથી. મારા પિતાએ મને આ સંગઠનમાં સામેલ કર્યો હતો અને જ્યાં મેં જીવનભર આઘાત સહન કર્યા હતા.
તેણે આરોપ લગાવ્યો કે તેના એક પૂર્વ પાડોશી ગખ સક્રિય આરએસએસના સક્રિય સભ્ય હતા, તેમણે ત્રણ વર્ષની ઉંમરથી સતત તેનું શોષણ કર્યું હતું. તેણે આરએસએસના કેમ્પમાં તેનું જાતીય શોષણ થયાનો પણ આરોપ મુક્યો છે. આરએસએસની ITC (પ્રારંભિક તાલીમ શિબિર) અને OTC (અધિકારીઓની તાલીમ શિબિર) દરમિયાન તેનું શોષણ કરાયું હતું.
ઇન્સ્ટાગ્રામની પોસ્ટમાં આ યુવાને વધુમાં લખ્યું છે કે આના જેટલી નફરત મને બીજો કોઈ સંગઠન માટે નથી. લાંબા સમયથી તેની સાથે સંકળાયેલો હોવાથી, હું આ જાણું છું. આરએસએસના લોકો સાથે ક્યારેય મિત્રતા ન કરો. ભલે તમારા પિતા, ભાઈ કે પુત્ર પણ તેમાં જોડાયેલા હોય, તેમને તમારા જીવનમાંથી દૂર રાખો. તેણે દંડાથી (છજજ શિબિરોમાં વપરાતી લાકડી) માર મારવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું. તેણે એવો પણ આરોપ મુક્યો હતો કે આરએસએસની શિબિરોમાં વ્યાપક જાતીય અને શારીરિક શોષણ થાય છે.
હું બોલી શકું છું કારણ કે હું તેમાંથી બહાર આવ્યો છું. મને ખબર છે કે કોઈ મારા પર વિશ્વાસ કરશે નહીં, કારણ કે મારી પાસે કોઈ પુરાવા નથી. હું મારા જીવનને પુરાવા તરીકે રજૂ કરું છું. કોઈ સાથે મારી સાથે બન્યુ તેવું બનવું ન જોઇએ.
તેણે લખ્યું કે તેનું માનવું હતું કે તે ગખનો એકમાત્ર પીડિત નથી. ઘણા બાળકો આરએસએસ શિબિરો અને શાખાઓમાં દુર્વ્યવહારનો સામનો કરે છે. તેમને બચાવવા અને યોગ્ય કાઉન્સેલિંગ આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પોલીસના જણાવ્યા મુજબ સીઆરપીસીની 174 (અકુદરતી મૃત્યુ) હેઠળ એફઆઇઆર નોંધી છે. અમે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ જોઈ છે. હાલમાં અમે આત્મહત્યાના કેસની તપાસ કરી રહ્યા છીએ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા પછી જ અમે આગળ વધીશું. અમારી પ્રાથમિક તપાસ મુજબ, તેણે કોઈની સામે અગાઉ દુર્વ્યવહારની વિગતો જાહેર કરી ન હતી.
પીડિતના સંબંધીએ જણાવ્યું કે પરિવારને તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ઉલ્લેખિત કોઈપણ ઘટનાની જાણ નહોતી. અમને તાજેતરમાં જ તેની માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ વિશે ખબર પડી. પોલીસે અમને કહ્યું કે તેઓ પોસ્ટમાં ઉલ્લેખિત ઘટનાઓની તપાસ કરશે. અમે અલગ કેસ દાખલ કરવાનો કોઈ નિર્ણય લીધો નથી. જોકે, તેમણે ઉમેર્યું કે તેનો પરિવાર આરએસએસનો પ્રખર સમર્થક રહ્યો છે અને યુવાને બાળપણમાં તેના કેમ્પમાં હાજરી આપી હતી. મૃતકના પરિવારમાં તેની માતા અને એક બહેન છે. તેના પિતા, જે આરએસએસના સભ્ય હતા, તેઓ છ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા.