તું મને ઓળખતી નથી, તારામાં આટલી હિંમત: મહિલા IPS અધિકારીને ધમકાવતી પવારની ક્લિપ વાયરલ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને મહિલા IPS અધિકારી વચ્ચે ફોન પર ઊગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન અજિત પવારે કહ્યું, હું નાયબ મુખ્યમંત્રી છું, કાર્યવાહી બંધ કરો, શું હું તમારી સામે કાર્યવાહી કરું? શું તમારામાં આટલી બધી હિંમત છે? મહારાષ્ટ્રના સોલાપુરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને DSP અંજલિ કૃષ્ણા વચ્ચે મોટી દલીલ જોઈ શકાય છે.
અહેવાલો અનુસાર, મહારાષ્ટ્રના સોલાપુરમાં કરમાલાના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ અંજલિ કૃષ્ણા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર વચ્ચે ફોન અને વીડિયો કોલ પર બોલાચાલી થઈ હતી. આઈપીએસ અધિકારી અંજલિ કૃષ્ણાએ ફોન પર ડેપ્યુટી સીએમ અજિત પવારને ઓળખ્યા ન હતા, આ દરમિયાન ગુસ્સે ભરાયેલા અજિત પવારે અધિકારીને ઠપકો આપ્યો હતો.
ડીએસપી અંજલી કૃષ્ણા રસ્તાના બાંધકામ માટે મુરુમ (કાંકરી-કાંકરા) ના ગેરકાયદે ખોદકામની ફરિયાદ પર કાર્યવાહી કરવા માટે સોલાપુરના કુર્દુ ગામમાં પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે બાચાલાચી થઈ હતી. ત્યારબાદ એનસીપીના એક કાર્યકર બાબા જગતાપે સીધો નાયબ મુખ્યમંત્રી અજિત પવારને ફોન કર્યો અને ફોન ડીએસપી અંજલી કૃષ્ણાને આપ્યો.
આ દરમિયાન અંજલિ કૃષ્ણા નાયબ મુખ્યમંત્રી અજિત પવારનો અવાજ ઓળખી શકી નહીં. અજિત પવારે પોતાની ઓળખ જાહેર કરી અને કાર્યવાહી રોકવા કહ્યું, તેમણે કહ્યું કે, મુંબઈમાં મરાઠા આંદોલન ચાલી રહ્યું છે, વાતાવરણ તંગ છે, હવે આ કાર્યવાહી કરવાની કોઈ જરૂૂર નથી.
નાયબ મુખ્યમંત્રી અજિત પવારની વાત ન સાંભળીને IPS અધિકારીએ કહ્યું કે, તમારે મારા નંબર પર ફોન કરવો જોઈએ! જેના પર અજિત પવાર ગુસ્સે થયા અને ગુસ્સામાં કહ્યું, કામ બંધ કરો, શું હું તમારી સામે કાર્યવાહી કરું, તમારી પાસે આટલી હિંમત છે! મને તમારો નંબર આપો, હું વીડિયો કોલ કરી રહ્યો છું, તમે મને વીડિયો કોલ પર ઓળખી શકશો ને? ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે અધિકારીનો નંબર લીધો અને તેમની સાથે વીડિયો કોલ દ્વારા સીધી તેમના ફોન પર વાત કરી. વીડિયો કોલ દરમિયાન અજિત પવારે અધિકારીને કાર્યવાહી બંધ કરવા અને તહસીલદાર સાથે વાત કરવા સૂચના આપી.