પાર્કિંગની જગ્યા ન હોય તો કાર ખરીદી નહીં શકો
મહારાષ્ટ્રમાં કાર ખરીદતા પહેલા લોકોએ પાર્કિંગની જગ્યા બતાવવી પડશે: એક બેડરૂમના ફલેટમાં રહેતા લોકો બહાર કાર રાખે છે: પરિવહનમંત્રી
મહારાષ્ટ્ર સરકાર એક નવી નીતિ લાગુ કરવાની તૈયારી કરી રહી છે, જે હેઠળ લોકોએ કાર ખરીદતા પહેલા પાર્કિંગની જગ્યા વિશે જણાવવું ફરજિયાત રહેશે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે આ પ્રસ્તાવની જાહેરાત કરી, જેનો હેતુ શહેરી વિસ્તારોમાં વધતી જતી ટ્રાફિક ભીડની સમસ્યાને નિયંત્રિત કરવાનો છે.
સરનાયકે જણાવ્યું હતું કે ગીચ વસ્તીવાળા શહેરોમાં વાહનોની વધતી સંખ્યા ટ્રાફિક જામનું મુખ્ય કારણ બની રહી છે. તેમણે કહ્યું કે લોન પર ખરીદેલા એક બેડરૂૂમના ફ્લેટમાં રહેતા લોકો જાહેર રસ્તાઓ પર પોતાની કાર પાર્ક કરી રહ્યા છે કારણ કે તેમની પાસે ખાનગી પાર્કિંગની સુવિધા નથી.
મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જાહેર સ્થળોએ વાહનોના અનિયંત્રિત પાર્કિંગથી ઘણી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. તેમાં એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવી ઇમરજન્સી સેવાઓમાં અવરોધનો પણ સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે ઘણી સોસાયટીઓમાં પાર્કિંગ માટે ખુલ્લી જગ્યાઓનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઇમરજન્સી સેવાઓના સંચાલનમાં અવરોધ ઉભો કરે છે.
સરનાઈકે સ્પષ્ટતા કરી કે આ નીતિ આર્થિક રીતે નબળા વર્ગની વિરુદ્ધ નથી, જેમની પાસે ખાનગી પાર્કિંગ સુવિધા નથી તેઓ જાહેર પાર્કિંગ માટેના સ્થળ પર જગ્યા રિઝર્વ કરાવીને કાર ખરીદી શકે છે. અમે એવું નથી કહેતા કે ગરીબ લોકોએ કાર ન ખરીદવી જોઈએ, પરંતુ તેમણે પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે.
સરનાયકે સ્વીકાર્યું કે આ નીતિ અંગે વિરોધ અને ટીકા થઈ શકે છે, પરંતુ ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે આ પગલું જરૂૂરી છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો આ નિર્ણયની પ્રશંસા કરશે, જ્યારે કેટલાક તેની ટીકા કરશે.
પરંતુ સરકારે ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવો પડશે. તેમણે એમ પણ કહ્યું કે ખાનગી વાહનો પર નિર્ભરતા ઘટાડવા માટે જાહેર પરિવહનને સુધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. આમાં મેટ્રો રેલ અને અન્ય સેવાઓનું વિસ્તરણ શામેલ છે.