ધો.12 આર્ટસ પછી પણ એન્જિનિયર બની શકાશે, વર્ષમાં બે વખત મળશે એડમિશન
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ પાંચ ડિસેમ્બરથી સ્નાતક અને અનુસ્નાતક (પીજી)ની ડિગ્રી પ્રદાન કરનારા માટે નવા નિયમોનો ડ્રાફટ જાહેર કર્યા છે. જે હેઠળ વિદ્યાર્થીઓ હવે વર્ષમાં બે વખત એડમિશન મેળવી શકશે. વિદ્યાર્થીઓને હવે જુલાઈ-ઓગસ્ટ અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં એડમિશન લેવાની તક મળશે.
નવા ડ્રાફટ અનુસાર, વિદ્યાર્થી રેગ્યુલર, લર્નિંગ અને ડિસ્ટન્સ મોડમાં કોર્સ કરી શકશે. તદુપરાંત બંને કોર્સ ઓછા કે વધુ સમયમાં પૂરો કરવાનો વિકલ્પ પણ મળશે. યુનિવર્સિટી અને કોલેજે પોતાની કુલ ક્ષમતાના 10 ટકા સુધી વિદ્યાર્થીઓને ઈડીપી (એક્સેસ ડ્યુરેશન પ્રોગ્રામ) અને એડીપી (એસ્સેલેરેટેડ ડ્યુરેશન પ્રોગ્રામ)ની મંજૂરી આપવાની રહેશે. એડીપી હેઠળ એક સેમેસ્ટર ઓછુ ભણવુ પડશે, જ્યારે ઈડીપી હેઠળ બે સેમેસ્ટર વધારી કોર્સ પૂરો કરી શકશે.
યુજીસીનો આ નિર્ણય વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન વધારવાનો ઉદ્દેશ છે. એક જ વિદ્યાર્થી બે જુદા-જુદા યુજી અને પીજી કોર્સ કરી રહ્યો હશે, તો તેની બંને ડિગ્રી માન્ય ગણાશે. 12 ધોરણ પાસ વિદ્યાર્થી રાષ્ટ્રીય સ્તરે પ્રવેશ પરીક્ષામાં કોઈપણ કોર્સના યુજી અને પીજીમાં એડમિશન લઈ શકશે. આ સંદર્ભે યુજીસીના ચેરમેન જગદીશ કુમારે જણાવ્યું કે, યુનિવર્સિટીના આ વલણથી વિદ્યાર્થી સરળતાથી અભ્યાસ કરી શકશે. તેમજ કોઈપણ સ્તર પર અભ્યાસ છોડ્યા બાદ ફરીથી પ્રવેશ મેળવી શકાશે. વધુમાં વોકેશનલ અને સ્કિલ કોર્સના ક્રેડિટ પણ ડિગ્રી કોર્સના ક્રેડિટમાં સામેલ કરવામાં આવશે.
જો કોઈ કોર્સમાં એડમિશન લેવા માટે પ્રવેશ પરિક્ષાની જોગવાઈ છે, તો વિદ્યાર્થીએ તે પ્રવેશ પરિક્ષા અનિવાર્યપણે આપવાની રહેશે. આ દ્વિવાર્ષિક પ્રવેશની સુવિધા લાગુ કરવા સજ્જ છે. તેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને વર્ષમાં બે વખત એડમિશન આપાવનો છે. જેથી તેઓ સરળતાથી અભ્યાસ પૂર્ણ કરી શકે.
આ પ્રસ્તાવિત ફેરફારોમાં મહત્ત્વની જોગવાઈઓ સામેલ છે. જેમાં મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝિટનો વિકલ્પ, શિક્ષણ પહેલાં જ ઓળખ, અને એક સાથે યુજી-પીજી પ્રોગ્રામમાં એડમિશન સમાવિષ્ટ છે. યુજીસીના આ ડ્રાફ્ટ ગાઈડલાઈન પર તમામ સંબંધિત પક્ષો પાસેથી 23 ડિસેમ્બર, 2024 સુધીમાં પ્રતિક્રિયા મગાવવામાં આવી છે. ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.