વિધાતાના નવનિર્માણની કલાકૃતિ છે તું...એક દિવસ તો તારા અસ્તિત્વની ઉજવણી કર તું...
- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024ની થીમ છે ‘ઇન્સ્પાયર ઇન્ક્લુઝન’ જે એવી દુનિયા માટે હાકલ કરે છે જ્યાં દરેકને આદર અને મૂલ્ય આપવામાં આવે
વિધાતાના નવ નિર્માણની કલાકૃતિ છે તું, એક દિવસ તો તારા અસ્તિત્વની ઉજવણી કર તું,
જીવન આખું વિતાવ્યું બીજાઓના સ્વપ્ન પૂરા કરવા,એક દિવસ તો તારા પોતાના સપનાઓને મુક્ત મને ઉડવા દે તું,
તારી ઉત્તમ ઉડાન આગળ ગગન પણ લાગે નાનું,તારી વિશાળ પાંખોને હેઠળ આખું વિશ્વ તો જીત તું.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે સ્ત્રીને સન્માન આપવાનો,તેની કામગીરીને બિરદાવવાનો દિવસ. સ્ત્રીની અદકેરી આભા આ સમાજને અને દેશને સશક્ત બનાવે છે.
8 માર્ચ નજીક આવતાં જ આ દિવસની ઉજવણીઓ શરૂ થઈ જાય છે. સ્ત્રી સશક્તિકરણ અને નારી શક્તિ પર લેખ લખાય છે, ભાષણ અપાય છે તેમજ સોશિયલ મીડિયા પર તેના ગુણગાન ગવાય છે પરંતુ ફક્ત એક દિવસ માટે સ્ત્રીઓને સન્માન આપીએ કે તેની કામગીરીની કદર કરીએ એ યોગ્ય નથી. રોજબરોજની દરેકે દરેક ક્ષણ અને દિવસ દરમિયાન જ્યાં જ્યાં મહિલાઓ સાથે કામ કરવાનું થાય એ દરેક સ્ત્રીનો આદર કરવો જરૂૂરી છે. શાસ્ત્રોમાં અને સાહિત્યમાં સ્ત્રીના ગુણોની, તેના સાહસની, ધૈર્યની, મમતાની,અનેક ગાથાઓ છે પરંતુ આ દરેક માટે સ્ત્રીઓએ સંઘર્ષની લાંબી ઉડાન ખેડવી પડી છે, કાંટાળી કેડી કંડારવી પડી છે, અનેક પડકારો ઝીલવા પડ્યા છે, અનેક મોરચે લડવું પડ્યું છે અને અનેક સંજોગોનો સામનો કરવો પડ્યો છે. આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024 ની થીમ છે ‘ઇન્સ્પાયર ઇન્ક્લુઝન’ જે એવી દુનિયા માટે હાકલ કરે છે જ્યાં દરેકને આદર અને મૂલ્ય આપવામાં આવે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નજીકમાં છે ત્યારે આજે ઉડાનમાં એ મહિલાઓના સંદેશ છે કે જેઓએ પોતાને જીવનમાં સંઘર્ષથી સફળતાના આકાશમાં ઉડાન ભરી છે. અનેક મહિલાઓ માટે પ્રેરણા આપતી આ શક્તિ સ્વરૂપા નારીને સન્માન અને સો સો સલામ.
સંઘર્ષના બદલે સંવાદથી પોતાની વાત સમજાવો: મિત્તલ પટેલ
લોકોના જીવનમાં ઉજાસ ફેલાવવા, ખોબલે ખોબલે અંધકાર ઉલેચનાર, વિચરતી,ભટકતી જાતિના લોકો માટે કામ કરતા,તેમના હક્ક માટે લડતા મિત્તલ પટેલે વિશ્વ મહિલા દિવસની શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે,‘એક સ્ત્રી તરીકે જ્યારે તમે કંઈક અલગ કરવાનું નક્કી કરો છો ત્યારે લોકો સ્વીકાર કરવાના નથી પરંતુ સંઘર્ષના બદલે સંવાદ દ્વારા પરિવાર તેમજ સમાજને કનવિન્સ કરશો તો ઘણે અંશે તમે સફળતા મેળવી શકશો.’ લગ્ન અને બાળક થઈ ગયા બાદ મહિલા કંઈ કરી શકે નહીં એવું વિચારવાની જરૂૂર નથી. હું પ્રેગનેન્ટ હતી ત્યારે સાતમા મહિના સુધી ગાડી ડ્રાઈવ કરીને મુસાફરી કરતી. રોજનું 700 કિલોમીટર ડ્રાઈવિંગ કર્યું છે.દીકરી 17 દિવસની હતી ત્યારે જ દિલ્હી જવાનું થયું,ઉપરાંત દીકરીની શાળા શરૂૂ થઈ ત્યાં સુધી બધે સાથે લઈને જ જતી.બધા જ પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય છે તેથી નિરાશ થવાની જરૂૂર નથી.
હવે તો ઉંમર થઈ..તેમ ન વિચારો: શિલ્પા ચોકસી
અમદાવાદમાં હાઉસ ઓફ મેરી ગોલ્ડના માલિક અને ડિઝાઇનર વોચ બનાવનાર શિલ્પા ચોકસીએ અનેક સંઘર્ષો વેઠી સફળતા મેળવી છે. સમય બતાવતી ઘડિયાળ ડિઝાઇનર પણ હોય શકે તેવો વિચાર શિલ્પાબેને જ લોકોને આપ્યો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામના આપવા સાથે મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે,સ્ત્રસ્ત્ર ઉંમરના કોઈપણ પડાવ પર તમારા શોખને છોડી ન દો. હવે ઉંમર થઈ,આ ઉંમરે હવે શું કરવું? એમ ન વિચારો. તમારી નવી જિંદગી શરૂૂ કરો. તમારી જાતમાં વિશ્વાસ રાખો અને તમારી પોતાની ઓળખ બનાવો.કર્મ કરો. કર્મ વગર ફળની ઈચ્છા ન રાખો. સ્ત્રીમાં ભગવાને અપાર શક્તિ આપી છે કોઈપણ સંજોગ સામે લડવાની તાકાત આપી છે તેનો ઉપયોગ કરો સફળ થાઓ નામ અને દામ કમાવો જીવનનો સાચો આનંદ માણો.
તમારી નજીકની એક મહિલાને સુખી કરો: નેહલ ગઢવી
જાણીતા વક્તા,મંદ બુદ્ધિના બાળકોની માતા સમાન શિક્ષિકા તેમજ ભાવનગરમાં અંકુર મંદ બુદ્ધિના બાળકોની શાળા ચલાવતા નેહલબેન ગઢવીએ પોતાની આગવી શૈલીમાં મહિલાઓને સંદેશ આપતા જણાવ્યું હતું કે,‘અત્યારે જે ફ્રીડમ દેખાય છે તે ખરેખર સાચી નથી, શોકેસ જેવી છે. આજે પણ સ્ત્રીઓની સ્થિતિ વખાણવા લાયક નથી સ્વતંત્રતાના નામે બે સ્ત્રીઓ ભૂલ કરે છે જેના પરિણામે 98 સ્ત્રીઓને સહન કરવાનું આવે છે.’ તકલીફ દરેકને હોય પરંતુ તમારા દુ:ખ અને પીડાને સ્પ્રેડ કર્યા ન કરો,ગાયા ન કરો. એવા કેટલાય લોકો છે જે તમારાથી પણ અનેક ગણા દુ:ખી છે. એવું નક્કી કરો કે હજાર સ્ત્રીઓને હું સુખી નહીં કરી શકું પરંતુ મારી આસપાસ રહેલ એક સ્ત્રીને તો હું સુખી કરી જ શકું. એ ચાહે તમારી માતા હોય, બહેન હોય, સાસુ,નણંદ, દેરાણી હોય કે પછી કામ કરતી વ્યક્તિ હોય.
આપણી કુટુંબ પ્રથામાં નારીનું સર્વોચ્ચ સ્થાન છે : સુપ્રવા મિશ્રા
ઓડીસી નૃત્ય શૈલીના નિષ્ણાત અને આ કલાને અનેક શિષ્યો દ્વારા સામાન્ય લોકો સુધી પહોંચાડનાર સુપ્રવા મિશ્રા ઘણા લાંબા સમયથી નૃત્યની સાધના કરી રહ્યા છે. તેઓએ મહિલા દિવસ અંતર્ગત સંદેશ આપતા જણાવ્યું હતું કે આપણા શાસ્ત્રોમાં નારીને જે મહત્ત્વ આપવામાં આવ્યું છે તે મહત્ત્વ આજે દેશ અને દુનિયા મહિલા દિવસની ઉજવણી દ્વારા મહિલાઓને આપી રહી છે.ભારતીય કુટુંબ પ્રથામાં નારીનું સર્વોચ્ચ સ્થાન છે.સ્ત્રી માતા, પત્ની, ભગીની બનીને પરિવારની સંભાળ રાખે છે. એક સ્ત્રી શિક્ષિત અને સંસ્કૃત હોય તો સમગ્ર પરિવાર સંસ્કારી બને છે. ભારતીય સંસ્કૃતિમાં સંગીત, નૃત્ય, ચિત્ર, હસ્તકલા વગેરે લલિત કલાને મહિલાઓએ જાળવી રાખી છે. આજે સ્ત્રી ઘર સંભાળવાની સાથે બહાર નીકળી જુદા જુદા ક્ષેત્રમાં પણ પોતાનો ડંકો વગાડી રહી છે ત્યારે એ દરેક નારીને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામના જે સશક્ત બની, નારી શક્તિને વિશ્વ સમક્ષ ઉજાગર કરી રહી છે.
લડું, પડું, રડું છતાંય કરગરું ન આજથી : પારૂલ ખખ્ખર
લડું, પડું, રડું છતાંય કરગરું ન આજથી,
મજા ન લઈ શકું એ ખેલ આદરું ન આજથી.
વિચારભેદ છે છતાં સંબંધ તોડવો નથી,
પરંતુ એક શખ્સને હું મન ધરુંન આજથી.
ખમી શકાય એ હદે ખમી ગઈ ઘણું બધું,
જરાય હદબહારનું જતું કરુંન આજથી.
વધે-ઘટે-ચડે-પડે અને સતત ફર્યા કરે,
બજારભાવ જેવું સત્ય આચરું ન આજથી.
નવો દિવસ, નવી સભા, નવી કથા, નવી વ્યથા,
કશુંય ભૂતકાળનું હું વાપરું ન આજથી.